બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામીનારાયણ સંસ્થા (BAPS)ના વડા પ.પૂ. મહંતસ્વામી હાલ ઓસ્ટ્રેલિયામાં વિચરણ કરી રહ્યા છે. તેમણે તા. ૧૯થી ૨૨ માર્ચ ગોલ્ડ કોસ્ટમાં વિચરણ કર્યું હતું. પૂ. મહંતસ્વામીએ તા. ૨૨ માર્ચે ગોલ્ડ કોસ્ટમાં પેસિફિક સમુદ્વના જળમાં પૂ. પ્રમુખસ્વામીના અસ્થિપુષ્પનું વિસર્જન કર્યું હતું. હાલ તેઓ સિડનીમાં છે. તેઓ તા. ૨૮ માર્ચને બુધવાર સુધી સિડનીમાં વિચરણ કરશે. તા.૨૫ માર્ચને રવિવારે સિડનીમાં પૂ. મહંતસ્વામીએ સ્વામીનારાયણ જયંતી અને રામનવમી પર્વ પ્રસંગે ખાસ સભામાં સત્સંગીઓને દિવ્ય દર્શન આપવાની સાથે પ્રેરક માર્ગદર્શન પણ પૂરું પાડ્યું હતું. પૂ. મહંતસ્વામીએ જન્મોત્સવ આરતી કર્યા બાદ હરિકૃષ્ણ મહારાજને હિંડોળે ઝૂલાવ્યા હતા. પૂ. મહંતસ્વામી તા. ૨૯ માર્ચથી ૧ એપ્રિલ દરમિયાન પર્થ ખાતે વિચરણ કરશે. તેમાં તા. ૩૧ માર્ચને શનિવારે હનુમાન જયંતીના તહેવારની વિશેષ ઉજવણીમાં ભાગ લેશે.