લંડનઃ પંજાબી સોસાયટી ઓફ આઈલ્સ (1928) દ્વારા શનિવાર 16 નવેમ્બરે વેમ્બલીમાં ક્લે ઓવન બેન્કિ્વેટિંગ સ્યૂટ્સ ખાતે 96મી વર્ષગાંઠ અને દિવાળીની ઊજવણી કરવામાં આવી હતી. આ ઈવેન્ટમાં ફૂડબેન્ક્સ અને ઘરવિહોણાને ભોજન માટે ભંડોળ પણ એકત્ર કરાયું હતું. આ ડિનર ઈવેન્ટમાં સોસાયટીના ઓનરરી પેટ્રન અને સાંસદ બનનારાં પ્રથમ પંજાબી મહિલા તેમજ યુકેના પાર્લામેન્ટરી અંડર સેક્રેટરી ફોર માઈગ્રેશન એન્ડ સિટીઝનશિપ સીમા મલ્હોત્રા MP સહિત 150થી વધુ મહેમાનો ઉપસ્થિત રહ્યાં હતાં.
સોસાયટીના વર્તમાન પ્રેસિડેન્ટ નિભર્ય રાયે મહેમાનોનું સ્વાગત કર્યું હતું અને ઈવેન્ટમાં હાજર રહી તેમજ સોસાયટીના વર્તમાન અને ભૂતકાળના ઉમદા કાર્યોને સપોર્ટ કરવા બદલ સહુનો આભાર વ્યક્ત કર્યો હતો. જનરલ સેક્રેટરી પરાગ ભાર્ગવે પંજાબીઓની સિદ્દિઓ વર્ણવી હતી તેમજ પંજાબી સંસ્કૃતિને જીવંત રાખવા તેમજ યુવા પંજાબીઓ તેમના મૂળિયાંને ભૂલે નહિ અને ચાર વર્ષમાં શતાબ્દી ઉજવાશે તેને ધ્યાનમાં રાખી સોસાયટીને આગેકૂચ કરવામાં મદદની ચોકસાઈ માટે નવા અને યુવા વ્યક્તિઓને સાંકળવા વિશે પણ જણાવ્યું હતું.
આશા ભર્ગવે પુષ્પગુચ્છથી સીમા મલ્હોત્રાનું સ્વાગત કર્યું હતું. સીમા મલ્હોત્રાએ પંજાબી કોમ્યુનિટીના ઉત્કર્ષ તેમજ યુકેમાં અન્ય કોમ્યુનિટીઓ સાથે પંજાબી કોમ્યુનિટીને સાંકળવામાં સખત મહેનત કરવા બદલ PSBI નો આભાર માન્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે આપણે આપણા લક્ષ્યને જીવંત રાખવું જોઈએ જેથી સાથે મળીને આપણે વ્યાપક તફાવત સર્જી શકીએ. તેમણે ઘણા લોકો ગરીબીરેખાની હેઠળ જીવન વ્યતીત કરી રહ્યા છે તેવા વર્તમાન સંજોગોમાં ફૂડબેન્ક્સ અને ઘરવિહોણાને સપોર્ટ કરવા બદલ સોસાયટીની પ્રશંસા કરી હતી.
મહેમાનોએ અસલી બહારાન પંજાય દિયાન દ્વારા જીવંત ભાંગરા પરફોર્મન્સને નિહાળ્યો હતો અને તે પછી, લેવિશ ઈવેન્ટ્સના ડીજે જગ્ગીના જીવંત ડાન્સ મ્યુઝિકના તાલે ઝૂમ્યા હતા. તેઓએ ક્લે ઓવન દ્વારા પીરસાયેલા થ્રી કોર્સ ડિનરનો પણ આસ્વાદ માણ્યો હતો.
સોસાયટીને 40 કરતા વધુ વર્ષથી સેવા આપી રહેલા ત્રણ સભ્યો ત્રિલોચન સિંહ સહાની, ગુરબક્ષ સિંહ ભલ્લા અને અનોલક પ્રિતપાલ સિંહ ગાહબ્રીને ગ્લોબલ કોમ્યુનિટી માટે સમર્પિત માનવતાવાદી સેવા અને નોંધપાત્ર યોગદાનની કદરરૂપે તક્તી સાથે સન્માનિત કરાયા હતા. પરાગ ભાર્ગવે આભાર પ્રસ્તાવ રજૂ કરી એક્ઝિક્યુટિવ સમિતિના સભ્યો, સ્પોન્સર્સ હેપી પેટ લિમિટેડ અને પંજાબ નેશનલ બેન્ક સહિત સહુનો આભાર માન્યો હતો.
-----------------
ફોટોલાઈનઃ એક્ઝિક્યુટિવ સમિતિના સભ્યો- ડાબેથી-- પરાગ ભાર્ગવ (જનરલ સેક્રેટરી), આશા ભાર્ગવ, અજય અરોરા (VP/ આસિ. સેક્રેટરી), સંજય જંડ, ત્રિલોચન એસ.સહાની (પેટ્રન/સ્પેશિયલ એડવાઈઝર), રીટા સહાની, ગુરબક્ષ એસ ભલ્લા (પેટ્રન/ સ્પેશિયલ એડવાઈઝર), આશા અરોરા, નિર્ભય રાય (પ્રેસિડન્ટ), તરલોચન એસ ચહલ (VP/ ટ્રેઝરર), બલજિત એસ સૂદ (VP), સીમા જંડ, ઈન્દુ સૂદ.
ફોટો --- રવિ બોલિના