વંશીય લઘુમતી ગ્રૂપના વધુ લોકો વેક્સિન લઈને સુરક્ષિત બને તે માટેના પ્રયાસમાં ફાર્મસી ગ્રૂપ લફબરોના મોર્નિંગસાઈડ ફાર્મસી ગ્રૂપના ભાગરૂપ પટેલ્સ કેમીસ્ટે લેસ્ટરમાં નારબરો રોડ પર આવેલા જલારામ કોમ્યુનિટી સેન્ટરમાં NHS Covid-19 વેક્સિનેશન સેન્ટર શરૂ કર્યું છે. આ સેન્ટરની ક્ષમતા દર વીકે ૩,૦૦૦ વેક્સિનના ડોઝ આપવાની છે. તેનો મુખ્ય હેતુ લેસ્ટરમાં અને ખાસ કરીને વેસ્ટકોટ્સ એરિયાની લોકલ કોમ્યુનિટીને આ સેવા પૂરી પાડવાનો છે.
દેશમાં લોકોને બુસ્ટર જેબ્સ આપવામાં આવી રહી છે અને અગાઉ જે પ્રાયોરિટી ગ્રૂપ્સનું પહેલા વેક્સિનેશન કરાયું હતું તે રીતે જ આ પ્રોગ્રામમાં જેબ અપાય છે.
જલારામ ચેરિટેબલ ટ્રસ્ટના ચેરમેન પ્રમોદ ઠક્કરે જણાવ્યું હતું કે વિવિધ ધર્મોના લોકો એકબીજાને મળે તે માટે જલારામ કોમ્યુનવિટી સેન્ટરનો ઉપયોગ હંમેશા વિવિધ બહુસાંસ્કૃતિક પ્રવૃત્તિઓ માટે થતો રહ્યો છે. અહીં કોવિડ વેક્સિનેશન સેન્ટર શરૂ કરાયું તે જલારામ ચેરિટેબલ ટ્રસ્ટના સિદ્ધાંતો અને મૂલ્યોને યોગ્ય છે.
મોર્નિંગસાઈડ ગ્રૂપના ચીફ એક્ઝિક્યુટિવ દાનેશ ગઢિયાએ જણાવ્યું કે કોરોના વાઈરસ મહામારી સામેના NHSના રાષ્ટ્રીય પ્રયાસનો હિસ્સો બનવા બદલ અમે ગર્વ અનુભવીએ છીએ. પટેલ્સ કેમીસ્ટ અને જલારામ ચેરિટેબલ ટ્રસ્ટનો આ પ્રયાસ વેક્સિન લેવા માટે લોકોને આગળ આવવા પ્રોત્સાહિત કરવામાં અને મહામારીને દૂર કરવામાં મદદરૂપ થશે. તેમણે ઉમેર્યું કે વંશીય લઘુમતી ગ્રૂપમાં કોવિડ – ૧૯ વેક્સિન લેવા માટે જે મૂંઝવણ હોય છે તેને દૂર કરવાનો એક માર્ગ સ્થાનિક ધોરણે તેમને સામેલ કરવાનો અને વિશ્વાસનો છે.