ગઈ ૨૬મી માર્ચને શુક્રવારે ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’ દ્વારા પત્રલેખકોનો વર્ચ્યુઅલ સેમીનાર યોજાઈ ગયો. તેનો ઉદ્દેશ લેખકોની લેખનશૈલીને વધુ સચોટ બનાવવા તેમને પ્રોત્સાહિત કરવા અને પ્રેરણા પૂરી પાડવાનો હતો.
શ્રી રોહિત વઢવાણા (ફર્સ્ટ સેક્રેટરી - ઈકોનોમિક્સ, પ્રેસ અને ઈન્ફર્મેશન, હાઈ કમિશન ઓફ ઈન્ડિયા), લોર્ડ રેમી રેન્જર, શ્રી અલ્પેશ પટેલ (ઈન્વેસ્ટમેન્ટ અને મીડિયા પ્રવક્તા) શ્રી અજય ઉમટ (સ્થાપક અને ચીફ એડિટર, નવગુજરાત સમય) અને શ્રી દિગંત સોમપૂરા (એડિટર, ગુજરાત ટાઈમ્સ – યુએસએ) ની ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ વેબીનારનું સંચાલન બે જાણીતા એંકર શ્રી તુષાર જોષી અને શ્રીમતી દ્વૈતા જોશીએ સંભાળ્યું હતું.
ઘણાં વાંચકોને યાદ હશે કે ભૂતકાળમાં પણ ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ દ્વારા નિયમિત પત્ર લેખકો માટે ‘ગ્રીટ એન્ડ મીટ’ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. તેમાંથી કેટલાંક પત્ર લેખકોએ તો પત્રો ભેગાં કરીને પુસ્તક અથવા સંગ્રહ તરીકે તે પ્રિન્ટ પણ કરાવ્યા હતા.
એડિટોરિયલ બોર્ડમાં શ્રી સી બી પટેલ, શ્રીમતી કોકિલા પટેલ, શ્રીમતી જ્યોત્સના શાહ અને શ્રી કાંતિ નાગડાનો સમાવેશ થતો હતો. આ પ્રસંગે ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ દ્વારા અમારા જાણીતા પત્રલેખકો શ્રી ભૂપેન્દ્રભાઈ ગાંધી અને કુમુદિનીબેન વાલમ્બિયાનું સન્માન પણ કર્યું હતું.
શ્રી દિગંત સોમપુરાએ પત્રકારત્વ ક્ષેત્રના તેમના અનુભવો રજૂ કર્યા હતા અને કલમ તથા શબ્દોની તાકાત વિશે સમજ આપી હતી. શ્રી અજય ઉમટે હાલના સમયમાં મીડિયા ઉદ્યોગને જે સમસ્યાઓનો સામનો કરવો પડે છે તેના વિશે સમજાવ્યું હતું. તેમણે સિટીઝન જર્નાલિઝમના અભિગમની વાત કરી હતી.
લોર્ડ રેમી રેન્જરે તમામ લેખકોને પોતાના વિચારો અને અભિપ્રાયો રજૂ કરવા માટે મંચ પૂરો પાડવા બદલ ગુજરાત સમાચાર અને સી બી પટેલનો આભાર માન્યો હતો. તેમણે તમામ લોકોને રાજકારણમાં યોગદાન આપવા અનુરોધ કર્યો હતો.
વિવિધ ક્ષેત્રમાં વિશાળ અનુભવ ધરાવતા શ્રી અલ્પેશ પટેલે જણાવ્યું કે એક પત્રમાં તમામ સંભવિત તાકાત હોય છે. પત્રોના માધ્યમથી વ્યક્તિ ઘણી લાગણીઓ વ્યક્ત કરી શકે છે.
શ્રી મહેશ શાહે જણાવ્યું કે વર્તમાન પેઢી માટે આ વેબીનાર ખૂબ મદદરૂપ છે કારણ કે તેઓ પત્ર લેખનના અભિગમથી ઓછાં જાણીતા છે. ગુજરાત સમાચાર અને એશિયન વોઈસે આ પ્રકારના વધુ વેબીનારનું આયોજન કરવું જોઈએ.
શ્રી રોહિત વઢવાણાએ દર અઠવાડિયે પત્ર લેખન સ્પર્ધા યોજવા અને શ્રેષ્ઠ પત્રને ‘ગુજરાત સમાચાર’માં પ્રકાશિત કરવાનું સૂચન કર્યું હતું. તેમણે ઉમેર્યું કે એશિયન વોઈસ દુનિયાના હાલના પ્રશ્રો વિશે વોટિંગ પોલ યોજી શકે અને તેના પરિણામો વાંચકો સાથે શેર કરવા જોઈએ.
પોતાના મંતવ્યો રજૂ કરવા બદલ સૌનૌ આભાર માનવાની સાથે શ્રી સી બી પટેલે વેબીનારનું
સમાપન કરાવ્યું હતું. આ વેબીનારને અદભૂત સફળતા સાંપડી હતી કારણ કે તેમાં ઘણાં પત્ર લેખકોએ ભાગ લીધો હતો અને પોતાના લેખન કૌશલ્યની વાત કરી હતી. આમ તો વેબીનારનો નિર્ધારિત સમય દોઢ કલાકનો હતો પરંતુ, મહેમાનો તથા લેખકોના ઉત્સાહ અને ઉત્તેજનાને લીધે તે બે કલાક કરતાં પણ વધુ સમય ચાલ્યો હતો. ઘણાં પત્રલેખકોએ વેબીનારના વિચારની પ્રશંસા કરી હતી અનેપત્રો મારફતે પોતાના વિચારો વ્યક્ત કરવા મંચ પૂરો પાડવા માટે એડિટોરિયલ બોર્ડનો આભાર માન્યો હતો.
આપ આ વેબીનારમાં ભાગ લેવાનું ચૂકી ગયા હો તો અમારી યુ ટ્યૂબ ચેનલ - ABPL Group પર Letter Writer’s Webinar -2021 વેબીનારનો સંપૂર્ણ વીડિયો નિહાળી શકશો.