વિશ્વના મહાન આધ્યાત્મિક આગેવાનો પૈકીના એક અને નીસડેન મંદિરના સ્થાપક પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની જન્મ શતાબ્દિ નિમિત્તે 17 જુલાઇ, રવિવારના રોજ લંડનમાં નીસડન મંદિર તરીકે સુવિખ્યાત બીએપીએસ શ્રી સ્વામીનારાયણ મંદિરથી આલ્પરટોન સુધી એક ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું હતું. આલ્પરટોન અને વેમ્બલીની સડકો પરથી પસાર થયેલી પરંપરાગત રીતે નગરયાત્રા તરીકે ઓળખાતી શોભાયાત્રામાં આ રંગારંગ અને આનંદમયી પ્રસંગની ઉજવણી માટે સમગ્ર દેશમાંથી હજારો ભાઇઓ, બહેનો અને બાળકો જોડાયાં હતાં.
શોભાયાત્રામાં 22 જુલાઇથી નીસડેન મંદિર ખાતે શરૂ થઇ રહેલા પ્રેરણા ઉત્સવમાં સમાવિષ્ટ કરાયેલા વિવિધ કાર્યક્રમોની માહિતી આપતાં થ્રીડી ડેકોરેટિવ ફ્લોટ્સ સામેલ કરાયાં હતાં. જેમાં પ્રેરણા ઉત્સવમાં આયોજિત આઇલેન્ડ ઓફ હીરોઝ, બાળકો માટેના સાંસ્કૃતિક એડવેન્ચરલેન્ડ, વિવિધ પ્રકારના ફન શો અને ગેમ્સ અંગેની માહિતી આપવામાં આવી હતી. નગરયાત્રામાં ભજનોની સૂરાવલિઓ સાથે બાળકો અને યુવાનોએ પરંપરાગત વેશભૂષામાં ભારતીય પરંપરાગત લોકનૃત્યો રજૂ કર્યાં હતાં. નગરયાત્રાનું સમાપન નીસડન મંદિરમાં તેના સ્થાપક પ્રમુખ સ્વામી મહારાજની 27 ફૂટ ઊંચી ફૂટ ઇમેજ ખાતે કરાયું હતું. પ્રમુખ સ્વામી મહારાજને શ્રદ્ધાંજલિ અર્પવા નીસડનમંદિરના પ્રાંગણમાં 27 ફૂટની ફૂટ ઇમેજ મૂકવામાં આવી છે. નગરયાત્રાના સમાપન પ્રસંગે તેમાં જોડાયેલાં હજારો શ્રદ્ધાળુઓ આરતીમાં સામેલ થયાં હતાં અને એક અદ્દભૂત આધ્યાત્મિક વાતાવરણનું સર્જન થયું હતું.
આ કાર્યક્રમના આયોજકો પૈકીના એક પૂજા બારોટે જણાવ્યું હતું કે, આ અદ્દભૂત શોભાયાત્રાએ 1995માં પ્રમુખ સ્વામીની હાજરીમાં નીસડન મંદિરના ઉદ્દઘાટન પ્રસંગે ટ્રાફલગર સ્ક્વેરથી પિકાડેલી સરકસ સુધીની નગરયાત્રાની યાદો તાજી કરાવી દીધી હતી. અમને ખુશી છે કે ખુશનુમા ઊનાળામાં અમે ફરી એકવાર હજારો શ્રદ્ધાળુઓને એકઠાં કરીને પ્રમુખ સ્વામીની બ્રિટનની મુલાકાતો અને સમગ્ર વિશ્વના પ્રવાસોમાં તેમણે સ્થાપિત કરેલા સાર્વત્રિક સાંસ્કૃતિક મૂલ્યોને સ્થાનિક સમુદાય સાથે વહેંચી શક્યાં.