જૈન ધર્મના સૌથી મહત્ત્વના પર્વ એવા આઠ દિવસના પર્યુષણ પર્વ અને દશ દિવસના દશલક્ષણા પર્વ સમયે આત્મશુદ્ધિ, ધર્મક્રિયાઓ, તપ, પ્રભુભક્તિ અને ક્ષમાપના કરવામાં આવે છે. આ ચાર મહિના દરમિયાન (ચાતુર્માસમાં) જૈન સાધુ-સાધ્વીઓ એક સ્થળે રહીને ધર્મઆરાધના કરતા હોય છે. પર્યુષણનો અર્થ છે ‘નિકટ બેસવું’. અને એનો હેતુ છે આ સમય દરમિયાન તપશ્ચર્યા દ્વારા વ્યક્તિ પોતાના આત્માની નિકટ જઈને તથા કષાયો દૂર કરીને પોતાની આત્મશુદ્ધિ કરે છે તેમજ પ્રાયશ્ચિત્ત વગેરે દ્વારા જીવનને વધુ પવિત્ર અને આધ્યાત્મિક બનાવે છે. આ સમયે જૈન શ્રાવકો સાધુ જેવું જીવન જીવવાનો પ્રયત્ન કરે છે અને એ આત્મશુદ્ધિનો અનુભવ કરે છે.
બ્રિટનના પાંસઠ હજાર જૈનોના જીવનમાં આ સમયે કોવિડને કારણે પર્યુષણ પર્વ અને દશલક્ષણા પર્વની આરાધના પદ્ધતિમાં ઘણું પરિવર્તન કરવાનું બન્યું. સોશિયલ ડિસ્ટન્સિંગને પરિણામે દેરાસરમાં દર્શનાર્થે જવાની તથા વિશાળ હોલમાં યોજાતી ધાર્મિક પ્રવૃત્તિઓ મર્યાદિત બની ગઈ અને મોટા ભાગના લોકોએ પોતાના ઘરમાં પાવન પર્વાધિરાજ પર્યુષણની આરાધના કરી.
ઇન્સ્ટિટ્યૂટ ઑફ જૈનોલોજી દ્વારા બ્રિટનની ૩૨ જેટલી જૈન સંસ્થાઓને “વન જૈન”ના બેનર હેઠળ સંગઠિત કરવામાં આવી છે અને એની “એન્યુઅલ વન જૈન કોન્ફરન્સ” આ વખતે પહેલીવાર ઝૂમ પર યોજવામાં આવી. આ પાવન પર્વના તમામ દિવસો દરમિયાન ધાર્મિક કાર્યો થઈ શકે તે માટે એણે www.jainology.orgની વેબસાઈટ પર જુદા જુદા ઑનલાઈન પ્રોગ્રામોનું આયોજન કર્યું હતું, જેને ઘણી મોટી સફળતા મળી અને જુદી જુદી સંસ્થાઓની ધાર્મિક પ્રવૃત્તિઓનો અનેક આરાધકોને લાભ ઉઠાવ્યો.
આ ઉપરાંત “ગ્લોબલ વન જૈન પર્યુષણ અને દશલક્ષણા કાર્યક્રમ”ના અન્વયે જૈન ધર્મના ચારે સંપ્રદાયના અગ્રણી આચાર્યો, બ્રિટન અને ભારતના વડાપ્રધાન તેમજ બી.એ.પી.એસ. સ્વામીનારાયણ સંસ્થા તથા વેટિકન જેવી અન્ય ધાર્મિક સંસ્થાઓ દ્વારા આ ભવ્ય કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો અને અત્યાર સુધીમાં અદ્વિતીય એવા આ કાર્યક્રમમાં સમગ્ર વિશ્વનો જૈનસમાજ એક સાથે સંગઠિત બન્યો અને અત્યાર સુધીમાં પચીસ હજારથી વધુ લોકોએ વિશ્વભરમાં આ કાર્યક્રમ www.jainology.org પરથી જોયો છે. પર્યુષણના અંતે જૈન સમાજના લોકો પરસ્પરને “મિચ્છા મિ દુક્કડમ્” કહે છે. આ ક્ષમાપનાનું એક મહાન સૂત્ર છે. એમાં પોતે કરેલા દોષોની માફી માગવાની સાથે બીજાએ કરેલા દોષોને પણ માફી આપે છે. અને આ ક્ષમાપના એ પર્યુષણ પર્વની આરાધનાનું શિખર છે.