લંડનઃ પરમ પૂજ્ય યોગીજી મહારાજ વર્ષ ૧૯૭૦માં ૧૨ સ્વામીઓ સાથે યુકે આવ્યા હતા. એ પ્રથમ અવસર હતો કે તે સમયે સ્વામીનારાયણ સંપ્રદાયના સ્વામી દેશની મુલાકાતે આવ્યા હોય. પોતાના દોઢ મહિનાના રોકાણ દરમિયાન યોગીજી મહારાજના હસ્તે ઇસલિંગ્ટન, નોર્થ લંડનમાં મંદિરનું ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું. આ મંદિર પશ્ચિમ જગતનું સૌપ્રથમ સ્વામીનારાયણ મંદિર હતું. યોગીજી મહારાજે ભક્તોની ઇચ્છાને માન આપીને યુકેના અનેક સ્થળોની પણ મુલાકાત લીધી હતી.
યોગીજી મહારાજ યુકેમાં પધાર્યા તે અલૌકિક ઘટનાને ૫૦ વર્ષ પૂર્ણ થતાં સંસ્થા દ્વારા તેની ઉજવણી થઇ રહી છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સંસ્થા દ્વારા આ ઐતિહાસિક ઉજવણીનું વૈશ્વિકસ્તરે રવિવાર - ૧૪ જૂને વેબકાસ્ટના માધ્યમથી ઉજવણી કરાઇ હતી. યુકેમાં પ્રથમ મંદિરને ખુલ્લું મુકાયાને આ દિવસે ૫૦ વર્ષ પૂર્ણ થયા છે. ઉજવણી દરમિયાન આ ઐતિહાસિક પ્રવાસના દુર્લભ વીડિયો ફૂટેજ, તસવીરો, પત્રો અને ઓડિયો રેકોર્ડિંગને દસ્તાવેજી ફિલ્મ સ્વરૂપે રજૂ કરાયા હતા. જેમાં વરિષ્ઠ ભક્તો, સ્વામીઓ, પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ અને પૂજ્ય મહંત સ્વામી મહારાજની મુલાકાતનો પણ સમાવેશ થાય છે. આ પ્રસંગે ઇસલિંગ્ટન મંદિર ખાતેની અસલ પ્રતિમાઓ સમક્ષ આરતી પણ એવા સમયે જ કરાઇ હતી જે બરોબર ૫૦ વર્ષ અગાઉ ૧૨.૨૨ કલાકે કરવામાં આવી હતી. આ પ્રસંગે ભવ્ય અન્નકૂટ પણ ધરાવાયો હતો.
સમગ્ર યુકેમાં આ પ્રસંગે વિવિધ સ્થળોએ સત્સંગ સહિત મંત્રોચ્ચાર સહિતના વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. જેમાં વિશાળ સંખ્યામાં ભક્તો ઓનલાઇન સામેલ થયા હતા. પૂજ્ય યોગીજી મહારાજ યુગાન્ડાથી ૨૩ મે ૧૯૭૦ના રોજ લંડન પધાર્યા હતા. તેમની આ મુલાકાતે સ્થાનિક નાગરિકોની સાથે સમાચાર માધ્યમોમાં જિજ્ઞાસા જગાડી હતી. તેમની મુલાકાતને આવરી લેતા અહેવાલો બીબીસી અને સન્ડે ટાઇમ્સ સહિતના આંતરરાષ્ટ્રીય માધ્યમોમાં પ્રકાશિત થયા હતા.
પૂજ્ય યોગીજી મહારાજે બેનબરી, લેસ્ટર, લફબરો, લુટન, કેન્ટની સાથે લંડનના અનેક સ્થળોની મુલાકાત લઇને ત્યાંના ભક્તો તથા મહેમાનોને આશીર્વચન આપ્યા હતા. આ ઉજવણીને અનુલક્ષીને પૂજ્ય મહંત સ્વામીએ પણ પોતાનો વીડિયો સંદેશો પાઠવ્યો હતો. ઉજવણી દરમિયાન આ વીડિયો સંદેશ પણ પ્રસારિત કરાયો હતો.