લંડનઃ પુષ્ટિ એકેડેમીએ સનાતન ધર્મની પરંપરાના પુષ્ટિમાર્ગના અભ્યાસીઓને સર્વાંગી શિક્ષણ મળી રહે તે માટે અભિયાન લોન્ચ કર્યું છે. ધાર્મિક શિક્ષણ માટે નવતર અભિગમ દ્વારા પુષ્ટિ એકેડેમી 10 વર્ષ અને તેથી વધુ વયના અને પુખ્ત લોકો માટે ધર્મમાં ગતિશીલ ઘડતર માટે આવશ્યક જ્ઞાન અને કૌશલ્ય થકી તેમને સશક્ત બનાવશે.
વેમ્બલીના સડબરી ખાતે આવેલી શ્રીનાથજી હવેલીસ્થિત પુષ્ટિ એકેડેમી પ્રેરણા અને તકનું કેન્દ્ર બની રહેવા ઉપરાંત, પુષ્ટિમાર્ગના આદરણીય આચાર્ય દ્વારા લિખિત ઉપદેશકથાઓને આધાર બનાવી શૈક્ષણિક સમૃદ્ધિ, કૌશલ્ય આધારિત તાલીમ સહિત વિવિધ પ્રોગ્રામ્સ ઓફર કરે છે. એકેડેમીનો અભ્યાસક્રમ બૌદ્ધિક, ભાવનાત્મક અને સામાજિક વિકાસ પર ભાર મૂકતી સર્વાંગી ફીલોસોફીના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓને માત્ર શિક્ષણની દૃષ્ટિએ જ નહિ, જીવનમાં શ્રેષ્ઠતા હાંસલ કરવા સજ્જ બનાવે છે.
પુષ્ટિ એકેડેમી શીખવાના સઘન પ્રોગ્રામ્સ, નિષ્ણાત ફેકલ્ટીઝ, વિવિધ સવલતો તેમજ મૂલ્યો આધારિત શિક્ષણ ધરાવે છે. પુષ્ટિ એકેડેમીના સ્થાપક ભાવના લાખાણીએ જણાવ્યું હતું કે,‘ધાર્મિક શિક્ષણમાં વિધેયાત્મક તફાવત સર્જવા આ યાત્રાને આરંભવા અમે ઉત્સાહી છીએ. અમારું ધ્યેય સપોર્ટિવ અને પ્રોત્સાહક વાતાવરણ સર્જવાનું છે જ્યાં પ્રત્યેક શીખનાર વ્યક્તિ તેની સંપૂર્ણ ગર્ભિત ક્ષમતાએ પહોંચવા પ્રેરણા અનુભવે.’
આ લોન્ચિંગને ઉજવવાં પુષ્ટિ એકેડેમી રવિવાર, 12 જાન્યુઆરી 2025ના બપોરના 3 કલાકે ઉદ્ઘાટન કાર્યક્રમ યોજનાર છે. અહીં ઈન્ટરએક્ટિવ વર્કશોપ્સ, મોડ્યુલ્સ અને કોર્સના કાર્યનું પ્રદર્શન, તેમજ ટીમ સાથે મુલાકાતની તક સાંપડશે. આ ઈવેન્ટ પબ્લિક માટે ખુલ્લો છે અને એકેડેમીની ઈનોવેટિવ ઓફર્સની ઝાંકી જોઈ શકાશે. પુષ્ટિ એકેડેમી યુકેમાં પ્રથમ વખત આ પ્રકારના પરિવર્તનક્ષમ શૈક્ષણિક અનુભવનો લાભ લેવા વિદ્યાર્થીઓ, પેરન્ટ્સ અને કોમ્યુનિટીના સભ્યોને આમંત્રણ આપે છે.
પુષ્ટિ એકેડેમી એ પુષ્ટિ પરિવાર યુકે ચેરિટીનું ઈનિશિયેટિવ છે. ચેરિટીના પેટ્રન શ્રી યદુનાથજી મહોદયશ્રી તેમના વિશ્વપ્રવાસો અને હિન્દુત્વલક્ષી વિષયો પર જ્ઞાનવર્ધક પ્રવચનો માટે પ્રતિષ્ઠા ધરાવે છે. તેમના ઉપદેશો સમુદાયની સેવા, યુવાવિકાસ તેમજ મન, શરીર અને આત્માના સર્વાંગી વિકાસને પ્રેરણા આપવાનું લક્ષ્ય ધરાવે છે.