અમેરિકાના વર્જીનીયા સ્ટેટમાં બોલીંગ ગ્રીન નજીક આંતરરાષ્ટ્રીય ધાર્મિક સંસ્થા ‘ઈન્ટરનેશનલ સ્વામીનારાયણ સત્સંગ ઓર્ગેનાઈઝેશન’ (ISSO) દ્વારા ૭ મિલિયન ડોલરના ખર્ચે અદભૂત પ્રોજેક્ટ દેવસ્ય આકાર લઈ રહ્યો છે. ૫૦૦ એકરમાં પથરાયેલું આ મંદિર સંકુલ હિંદુ અને અન્ય કોમ્યુનિટીના લોકો માટે માત્ર ધર્મસ્થાન જ નહીં પરંતુ વિવિધ સામાજિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું કેન્દ્ર બની રહેશે.
દેવસ્ય એટલે દેવનું, દેવ માટે. અમેરિકામાં આકાર પામી રહેલો આખો પ્રોજેક્ટ શ્રી નરનારાયણ દેવના આશ્રિત અને અનુયાયીઓ માટે છે..
આપણી સંસ્કૃતિ, આપણા નીતિ નિયમો, આપણી ભવિષ્યની પેઢી માટે આપણા ધર્મની જાળવણી કરવી એ દરેક હિન્દુની પવિત્ર ફરજ છે. તે આપણે આજ સુધી નિભાવતા જ આવ્યા છીએ. સાથે સાથે ભવિષ્યની પેઢીની શારીરિક જાળવણી પણ એટલી જ જરૂરી છે. મન અને આત્મા સાથે શરીર પણ સ્વસ્થ રાખી તેમાં શક્તિનો પુનઃસંચાર કરવો જરૂરી છે. એક એવી જગ્યાનો સંકલ્પ કરો કે જ્યાં મોટા અને લીલાંછમ વૃક્ષોથી ઘેરાયેલું એક વિશાળ સરોવર હોય, જ્યાં પ્રકૃતિ સોળે કળાએ ખીલેલી હોય, શુદ્ધ હવા આપણા ફેફસામાં જઈ આપણા શરીરને એક નવી જ ઊર્જા આપતી હોય, હરિયાળીથી છવાયેલ એક ટેકરી હોય, અને તે ટેકરી ઉપર એક દેવ મંદિર હોય. આજના પ્રદૂષિત વાતાવરણમાં અત્યાર સુધી આવો સંકલ્પ એક સ્વપ્ન તુલ્ય હતો, જે હવે સાકાર થવા જઈ રહ્યો છે. દેવસ્યમાં આપણને એવું વાતાવરણ મળશે જે આપણા તન, મન અને આત્મામાં શાંતિ અને શક્તિનો નવો સંચાર કરશે. દેવસ્ય એક એવું સ્થળ છે જ્યાં આપણા સમગ્ર કુટુંબને ધાર્મિક, માનસિક અને શારીરિક શાંતિની આહલાદક અનુભૂતિ થશે. ૫૦૦ એકરની આ પ્રાકૃતિક જગ્યા આપણા અંતરમાંથી અશાંતિ દૂર કરી શાંતિ સ્થાપિત કરશે.
આપણા સૌની અંતરની ઇચ્છા હોય છે કે આપણે ભૌતિક, આધ્યાત્મિક અને બૌદ્ધિક ક્ષેત્રે હમેશાં પ્રગતિ કરીએ. આધ્યાત્મિક ઉન્નતિ માટે આપણે અત્યાર સુધી હજારો મંદિરો બનાવ્યા, બૌદ્ધિક ઉન્નતિ માટે આપણે ભારતમાં ઘણી શાળા, કોલેજો અને ગુરુકુળો ઉભા કર્યાં. પરંતુ, ભવિષ્યની અને ખાસ કરીને વિદેશમાં રહેતી આપણી નવી અને ભાવિ પેઢી માટે હવે આપણે મંદિરોની ચાર દિવાલથી બહાર નીકળી તેના સર્વાંગી વિકાસ માટે વિચારવાનો સમય આવી ગયો છે. દેવસ્યમાં એવી વિવિધ સગવડો ઊભી કરવામાં આવશે જેનો લાભ આબાલ-વૃદ્ધ, ગરીબ-તવંગર, ભણેલા-અભણ સૌ લઈ શકશે અને તેનાથી પોતાની શારીરિક, માનસિક, ભૌતિક અને આધ્યાત્મિક ઉન્નતિ સાધી શકશે.
આજથી લગભગ ૧૬૫ વર્ષ પહેલાં આદ્ય આચાર્ય શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજે કરાંચીમાં શ્રી સ્વામિનારાયણ મંદિરની સ્થાપના કરી હતી. શ્રી સ્વામિનારાયણ ભગવાન માટે જે વાસણોમાં થાળ તૈયાર કરવામાં આવતા અને જે વાસણોમાં તેઓ ભોજન ગ્રહણ કરતા એ પ્રસાદીના વાસણો ઓગાળીને તેમાંથી જ હરિકૃષ્ણ મહારાજની એક અતિ નયનરમ્ય મૂર્તિ તૈયાર કરવામાં આવી હતી. તે મૂર્તિ આ કરાંચીના મંદિરમાં આચાર્ય શ્રી અયોધ્યાપ્રસાદજી મહારાજે પ્રસ્થાપિત કરી હતી. ૧૯૪૭માં દેશના ભાગલા સમયે હિંદુ અને હિંદુ મંદિરો ઉપર સંકટ ઉભું થયું હતું. તે સમયે આ પ્રસાદીની મૂર્તિ ભારત પરત લાવવામાં આવી હતી. આ પ્રસાદીની મૂર્તિ હાલ ખાણ ગામે હરિભક્તોને દર્શન આપે છે.
દેવસ્યમાં જે મંદિર તૈયાર થવાનું છે તેમાં આ જ પ્રસાદીની મૂર્તિ પુનઃ પ્રસ્થાપિત કરવામાં આવશે. તેના ઉપલક્ષ્યમાં તાજેતરમાં તા. ૧૧ અને ૧૨ ઓગસ્ટ દરમિયાન લાખો હરિભક્તોની હાજરીમાં ધ. ધૂ. ૧૦૦૮ આચાર્ય શ્રી કોશલેન્દ્રપ્રસાદજી તથા ભાવિ આચાર્ય શ્રી વજેન્દ્રપ્રસાદજી મહારાજના વરદ્ હસ્તે મંદિરનું ખાતમૂહુર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કળશયાત્રા, અમેરિકાની ધરતી પર સૌ પ્રથમ રંગોત્સવ, મહાપૂજા, સમુહ પ્રસાદ આદિ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
દેવસ્ય માત્ર એક ધાર્મિક સ્થાન નહીં પણ સર્વાંગી વિકાસ ક્ષેત્ર બની રહે તે માટે નીચે જણાવેલ સુવિધાઓ ઊભી કરવામાં આવશે.
• શારીરિક વિકાસ માટે યોગ સાધના તથા અતિ આધુનિક જીમ્નેશિયમ તથા સ્વિમિંગ પૂલ
• આબાલવૃદ્ધો માટે મનોરંજન અને રમત માટે સગવડ, બાળ ક્રિડાંગણ
• હિન્દુ ધર્મના દરેક તહેવાર અહીં ધામધૂમથી ઉજવાશે
• શુદ્ધ સાત્વિક શાકાહારી ભોજનની સુવિધા માટે રેસ્ટોરાં
• દંપતી, કુટુંબ કે મિત્રો સાથે રહેવા માટેની અદ્યતન રૂમો, ટૂંકમાં રજા ગાળવાનું ઉત્તમ સ્થળ
• સગાઈ, લગ્ન, જન્મદિવસ કે કોઈ પણ શુભ પ્રસંગની ઉજવણી માટેનું સુંદર સ્થળ
• શ્રી હરિકૃષ્ણ મહારાજ તથા રાધિકાજીની પ્રાચીન અને પ્રસાદીની મૂર્તિ ધરાવતું ભવ્ય મંદિર
• ગૌ પૂજન, ગૌ દાનનું, ગાય દત્તકનું પુણ્ય એકત્ર કરી શકાય તેવી એક ગૌશાળા
આપણે સૌ આવી એક વિશિષ્ટ યોજનામાં આપણો શારીરિક, માનસિક અને આર્થિક સહયોગ આપીને ભાગ્યશાળી થઈએ એ જ પ્રભુના ચરણોમાં પ્રાર્થના...