BAPSના વડા પૂ. મહંત સ્વામી હાલ સુરત ખાતે બિરાજમાન છે. ૭મીને મંગળવારે પૂજા દર્શન બાદ આશીર્વાદમાં પૂ. મહંત સ્વામીએ કહ્યું,‘ આ સત્સંગ છોડવો નહીં, અચળ કરીને રાખવો.’ ૮મીએ આશીર્વચનમાં તેમણે કહ્યું,‘ દેહથી પર થઈ જાય ત્યારે આનંદ રહે. સત્પુરુષની આજ્ઞા કરતા ઓછું વર્તે તો પણ સુખ ન થાય અને અધિક વર્તે તો પણ સુખ ન થાય.’૧૦મી એ પોષી પૂનમ હતી. ગુરુપરંપરામાં પૂ. ગુણાતીતાનંદ સ્વામીને આ તિથિએ દીક્ષા અપાઈ હતી. તેથી તેની દીક્ષા દિન ઉત્સવ તરીકે ઉજવણી કરાઈ હતી. પૂ. મહંત સ્વામીએ આ પ્રસંગે શીરાનો પ્રસાદ બનાવ્યો હતો. સત્પુરુષ પૃથ્વી પરથી કદી જતા જ નથી તેવા શાસ્ત્રીજી મહારાજના કથનને ટાંકીને આશીર્વચનમાં પૂ. મહંત સ્વામીએ કહ્યું,‘ આપણે તો ફાવી ગયા છીએ.’ તેમણે ઉમેર્યું,‘ આ સત્સંગમાં માન રાખવું એ બહુ વિઘ્નકારી છે માટે જાણપણું રાખીને બને તેમ ટાળી નાખવું.’ સાંજે પૂ. મહંત સ્વામીએ સાંકરી વિસ્તારના વાંકાનેર ગામના હરિમંદિરની ગુરુપરંપરાની મૂર્તિઓની પ્રતિષ્ઠા કરી હતી. ૧૧મીની પૂજામાં બીએપીએસ શ્રી સ્વામીનારાયણ મંદિર, સુરતના વિદ્યાર્થીઓએ પ્રસ્તુતિ રજૂ કરી હતી. આશીર્વચનમાં પૂ. મહંત સ્વામીએ કહ્યું,‘ક્યાં શ્રીજી મહારાજ અને ક્યાં આપણે? તેમણે કેટલી દયા કરી. તેઓ આપણને ગંદકીમાંથી ઉપાડીને શુદ્ધ કરવા માગે છે. બ્રહ્મરૂપ કરવા માગે છે. એમના જેવું સુખ આપવા માગે છે.’
૧૨મીએ સવારે પૂજા દર્શન બાદ સુરતમાં સત્સંગ સાથે સંકળાયેલા જે ૧,૮૦૦ કિશોર-કિશોરીઓ ધો.૧૦ અને ધો.૧૨ની પરીક્ષા આપવાના છે તેમના પર પૂ. મહંત સ્વામીએ કૃપાદ્રષ્ટિ કરી હતી. સાંજની સભામાં સાંકરીના હરિભક્તોનો પૂ. મહંત સ્વામીને પરીચય અપાયો હતો. સૂરત ગ્રામ્ય વિસ્તાર દ્વારા યોગી ગીતાના મુદ્દાઓના આધારે નૃત્ય અને સંવાદ રજૂ કરાયા હતા. આશીર્વચનમાં પૂ. મહંત સ્વામીએ કહ્યું,‘ સારામાં સારું શું ? તો આ ભગવાન અને સંતોમાં મનુષ્યભાવ ન આવે તે. ભૂંડામાં ભૂંડુ શું ? આ ભગવાન અને સંતોમાં મનુષ્યભાવ આવે તે.’ સુરતમાં સંતો અને હરિભક્તો તેમના પૂજા દર્શન અને આશીર્વાદનો લાભ લઈ રહ્યા છે.