BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી હાલ નેનપુર ખાતે બિરાજમાન છે. દેશ-વિદેશમાં રહેતા હરિભક્તો દરરોજ સવારે પૂ. મહંત સ્વામીની પ્રાતઃપૂજાના દર્શનનો વેબકાસ્ટીંગના માધ્યમ દ્વારા લાભ લઈ રહ્યા છે. પૂ. મહંત સ્વામી નેનપૂરમાં રહ્યા રહ્યા સત્સંગના વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપે છે. તાજેતરમાં નીસડન મંદિરની રજત જયંતીની ઉજવણીમાં પૂ. મહંત સ્વામીએ નેનપૂરથી રિમોટ ફેસિલીટી દ્વારા લંડનમાં મૂર્તિઓને અભિષેક કર્યો હતો અને પાટોત્સવ આરતી પણ ઉતારી હતી. ૨૩ ઓગસ્ટે પૂ. મહંત સ્વામી મહારાજની પૂજા દરમિયાન નીસડન મંદિરના સાધુ - સંતોએ ભક્તિભાવથી સભર કિર્તનો રજૂ કર્યા હતા. આ લાઈવ પરફોર્મન્સનું વીડિયો કોન્ફરન્સની સુવિધા સાથે નેનપૂર ખાતે પ્રસારણ કરાયું હતું. તેનું વેબકાસ્ટ પર જીવંત પ્રસારણ કરાયું હતું. પૂ.મહંતસ્વામીએ આ પ્રસંગે વિશ્વભરમાં કોરોના મહામારીમાંથી સૌને ઝડપથી મુક્તિ મળે તે માટે પ્રાર્થના પણ કરી હતી. દર રવિવારે સાંજે ૫.૩૦થી ૭ દરમિયાન યોજાતી સત્સંગ સભામાં આશીર્વચનો, વિવિધ સંતોના વ્યાખ્યાનો તેમજ કિર્તનોનો લાભ હરિભક્તો પ્રાપ્ત કરી રહ્યા છે. sabha.baps.org અને live.baps.org પરથી સમયાંતરે કાર્યક્રમો પ્રસારિત થાય છે.