BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી હાલ નેનપુર ખાતે બિરાજમાન છે. ૧૫મી ઓગસ્ટે પૂ. મહંત સ્વામીએ નેનપૂરમાં ધ્વજવંદન કરાવીને ભારતના ૭૪મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરી હતી. આ પ્રસંગે સંસ્થાના સંતો હાથમાં નાના પ્રતીક ધ્વજ લઈને જોડાયા હતા. તે ઉપરાંત પૂ. મહંત સ્વામી ગઈ ૧૨ ઓગસ્ટથી લંડનમાં BAPS મંદિરની રજતજયંતી નિમિત્તે યોજાયેલા કાર્યક્રમો ઓનલાઈન પ્રસારણના માધ્યમથી નિહાળે છે. તેમણે રજતજયંતીની બાળકો દ્વારા ઉજવણી પણ નિહાળી હતી. પૂ. મહંત સ્વામીએ મોબાઈલ અને ટેબ્લેટ માટે સત્સંગ દીક્ષા એપ્લિકેશન પણ લોંચ કર્યું હતું.
સંસ્થાના સંતો દ્વારા ૧૯ ઓગસ્ટ, ૨૦૨૦ સુધી દરરોજ શ્રાવણ પારાયણનું આયોજન કરવામાં આવ્યું છે. તેનું લાઇવ વેબકાસ્ટ sabha.baps.org પર કરાઈ રહ્યું છે. તમામ હરિભક્તો લંડનના સમય અનુસાર સોમવારથી શનિવારે બપોરે ૩.૩૦ કલાકે તેનો ઓનલાઇન લાભ લઇ શકશે.
દેશ-વિદેશમાં રહેતા હરિભક્તો દરરોજ સવારે પૂ. મહંત સ્વામીની પ્રાતઃપૂજાના દર્શનનો વેબકાસ્ટીંગના માધ્યમ દ્વારા લાભ લઈ રહ્યા છે. પૂ. મહંત સ્વામી નેનપૂરમાં રહ્યા રહ્યા સત્સંગના વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપે છે. દર રવિવારે સાંજે ૫.૩૦થી ૭ દરમિયાન યોજાતી સત્સંગ સભામાં આશીર્વચનો, વિવિધ સંતોના વ્યાખ્યાનો તેમજ કિર્તનોનો લાભ હરિભક્તો પ્રાપ્ત કરી રહ્યા છે. sabha.baps.org અને live.baps.org પરથી સમયાંતરે કાર્યક્રમો પ્રસારિત થાય છે.