BAPSના વડા પૂ. મહંત સ્વામી હાલ આણંદ ખાતે બિરાજમાન છે. અગાઉ ૨૦મી ફેબ્રુઆરી સુધી તેમણે અટલાદરામાં વિચરણ કર્યું હતું. ૧૮મીને મંગળવારે સવારે પૂજા દર્શન બાદ પૂ. મહંત સ્વામીએ વિશ્વના સૌથી ઉંચા મંદિર વિશ્વ ઉમિયાધામનો શિલાન્યાસ કર્યો હતો. આ મંદિરનો વિધિવત શિલાન્યાસ ૨૯ ફેબ્રુઆરીએ થવાનો છે, જેમાં ડોક્ટર સ્વામી ઉપસ્થિત રહેશે. સાંજે પૂ. મહંત સ્વામીની નિશ્રામાં પ્રમુખ સ્વામી શતાબ્દિ મહોત્સવના ઉપક્રમે પારિવારિક શાંતિ અભિયાનનો શુભારંભ કરાયો હતો. આ અભિયાન ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, રાજસ્થાન, દિલ્હી સહિત પરપ્રાંતમાં પણ હાથ ધરાશે. ૨૦મીને ગુરુવારે પૂ. મહંત સ્વામી અટલાદરાથી આણંદ પધાર્યા હતા. બાળ યુવા વૃંદે નૃત્ય દ્વારા પૂ. મહંત સ્વામીનું સ્વાગત કર્યું હતું. પૂ. મહંત સ્વામીના આણંદમાં આગમન નિમિત્તે ૬૦૦થી વધુ હરિભક્તોએ તપ-વ્રત કર્યા હતા. ૨૨મીએ સવારની સભામાં પૂ. મહંત સ્વામીએ વચનામૃતનું નિરુપણ કર્યું હતું. તેમણે સોનું અને સ્ત્રી બંધન ન કર્યાનો ઉલ્લેખ કર્યો હતો. વચનામૃતમાં ભગવાન સ્વામીનારાયણે કહ્યું છે,‘ શ્રીમદ ભાગવતમાં સુવર્ણને વિશે કળિનો નિવાસ કહ્યો છે. તો તે સુવર્ણ અમને દીઠું પણ ગમતું નથી.’ સાંજે શ્રી હરિકૃષ્ણ મહારાજની સુવર્ણતુલા વિધિ યોજાઈ હતી. પૂ. મહંત સ્વામીએ કહ્યું,‘ ભગવાન તમારો ભક્તિભાવ સ્વીકારે છે.’૨૩મીને રવિવારે બીએપીએસ સ્વામીનારાયણ છાત્રાલય, વિદ્યાનગરનો વાર્ષિકોત્સવ યોજાયો હતો. તેમાં ‘મોરચો માંડવો છે’ શીર્ષક હેઠળ સંવાદ ભજવાયો હતો. તેમાં દર્શાવાયું હતું કે બીએપીએસના સત્સંગી યુવાનો કોઈ પ્રકારની માયામાં લેવાતા નથી. તેમાં વર્તમાન સમયના અસુરો જેવા કે ફિલ્માસુર, અભક્ષાસુરની વાત કરવામાં આવી હતી. છેલ્લે મોબાઈલની વાત થઈ. આ બધી વસ્તુઓનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવાની શીખ અપાઈ હતી. પૂ. મહંત સ્વામીએ કહ્યું‘, મોબાઈલ આટલો જ છે પણ તે તમારા માટે કારણદેહ છે. કારણદેહમાં જ બધા દોષો પડ્યા છે.’ તેમણે સૌને નિયમમાં રહેવાની સલાહ આપી હતી. આણંદમાં હરિભક્તો દરરોજ પૂ.મહંત સ્વામીની પૂજા અને દર્શનનો લાભ લઈ રહ્યા છે.