૨૯મી માર્ચને સોમવારે પૂ. મહંત સ્વામીની ઉપસ્થિતિમાં નેનપૂર ખાતે વર્ચ્યુઅલ પુષ્પદોલોત્સવ યોજાયો હતો. તેમાં ભારત અને વિદેશથી હજારો હરિભક્તો જોડાયા હતા. પૂ. મહંત સ્વામીના પૂજા દર્શન સાથે સવારે છ વાગે યોજાયેલી સભાનું લાઈવ વેબકાસ્ટ કરવામાં આવ્યું હતું. નેનપૂરના શાંતિવનમાં પૂ. મહંત સ્વામી વડના વૃક્ષ નીચે નાના મંચ પર બિરાજમાન હતા. તેમની જમણે ૧૨ દોરનો હિંડોળો હતો. મધ્યમાં રંગોની ટોપલીઓની વચ્ચે શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની મૂર્તિઓ હતી.
પૂજા દરમિયાન સારંગપૂરથી સ્વામીઓએ ભજનો રજૂ કર્યા હતા અને નારાયણમુનિ સ્વામીએ ભગવાન શ્રી સ્વામીનારાયણના સમયથી ફૂલદોલ ઉત્સવની ઉજવણીની પંરપરા અને ભવ્યતા વિશે વર્ણન કર્યું હતું. પૂજા પછી પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજની ઉપસ્થિતિમાં અગાઉ યોજાયેલા પુષ્પદોલોત્સવની વીડિયો દર્શાવવામાં આવી હતી. તે પછી અમદાવાદથી પૂ. ઈશ્વરચરણ સ્વામી અને સારંગપૂરથી પૂ. ડોક્ટર સ્વામીએ ફૂલદોલ ઉજવણીના આધ્યાત્મિક મહત્ત્વ વિશે પ્રવચન આપ્યું હતું.
પૂ. મહંત સ્વામીએ આશીર્વચન પાઠવતા ઉત્સવોની ઉજવણી કરતી વખતે ભગવાન સ્વામીનારાયણ ધર્મનું પાલન કરતા હતા તેના પર ભાર મૂક્યો હતો.
ત્યારપછી પૂ. મહંત સ્વામીએ શ્રી હરિકૃષ્ણ મહારાજ અને શ્રી ગુણાતીતાનંદ સ્વામીની મૂર્તિઓ પર કેસરની જળનો છંટકાવ કર્યો હતો. તેમણે મોટી પિચકારી લઈને હરિભક્તો પર તેનો વર્ચ્યુઅલ છંટકાવ કર્યો હતો.
પૂ. મહંત સ્વામી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી નિયમિતપણે BAPSમંદિરોના સાધુઓ સાથે સત્સંગ કરે છે. sabha.baps.org અને live.baps.org પરથી સમયાંતરે કાર્યક્રમો પ્રસારિત થાય છે.