લંડનઃ BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થાના આધ્યાત્મિક વડા પૂ.મહંત સ્વામી મહારાજ હાલ અમદાવાદ ખાતે બિરાજમાન છે. અગાઉ તેઓએ નેનપુર ખાતે વિચરણ કર્યું હતું. પૂ. મહંત સ્વામીએ સૌને હાર્દિક અપીલ કરતાં જણાવ્યું છે કે, ‘વર્તમાન સમયે ભારત અને વિશ્વના અનેક દેશો ભયાનક કટોકટીમાંથી પસાર થઈ રહ્યા છે. વિશ્વના ઈતિહાસમાં કદાચ આટલું મોટું સંકટ ક્યારેય આવ્યું નહીં હોય. આ સંકટમાંથી સૌને ઉગારવા માટે સરકાર, આરોગ્ય તંત્ર તેમજ અનેક લોકો પોતાના જીવનું જોખમ ઉઠાવીને દિવસ-રાત પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ એમનો બોજ ઘટાડવા માટે, આપણી તથા સમાજની સલામતી માટે, સૌ પોતાના ઘરમાં જ રહે તે અતિઆવશ્યક છે. કોરોના વાઈરસની મહામારીમાંથી બચવા અને બચાવવા માટે સોશિયલ ડિસ્ટન્સ એ જ એક માત્ર સર્વશ્રેષ્ઠ ઉપાય છે.’
તેમણે વધુમાં ઉમેર્યું કે ’કૃપા કરીને સૌ ખૂબ ગંભીરતાથી અનુસરીને લોકડાઉનમાં સહયોગ આપે તેવી આગ્રહપૂર્વક વિનંતી કરું છું. સરકાર તથા સમાજના હિત માટે કાર્ય કરી રહેલા ડોક્ટરો, નર્સો, મેડીકલ ક્ષેત્રના સર્વે કાર્યવાહકો, મિડિયાના સર્વે કાર્યકર્તાઓ, આહાર પ્રવૃત્તિથી લઈને સ્વચ્છતાના કર્મચારીઓ સુધી જુદા જુદા ક્ષેત્રના સૌ કોઈની જહેમતને બિરદાવીએ અને ઘરમાં રહીને તેમને આપણે સાચા હૃદયથી સહયોગ આપીએ. સરકારી તંત્ર દ્વારા અપાયેલી સૂચના મુજબ વારંવાર હાથ ધોવાનું રાખીએ, પરિવારમાં પણ એકબીજાથી સલામત અંતરે રહીએ, મોં પર માસ્ક બાંધીએ વગેરે સૂચનાઓનું ગંભીરતાથી અનુસરણ કરીએ. સાથે સાથે નિયમિત રીતે ભગવાનને પ્રાર્થના કરીએ કે આ સંકટમાંથી વહેલાંમાં વહેલી તકે સૌની રક્ષા થાય.’