ગોંડલ: બોચાસણવાસી શ્રી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત-સ્વામી મહારાજ 13 ઓક્ટોબર - રવિવારે સાંજે ગોંડલ અક્ષર મંદિર ખાતે પધારશે. સ્વામિનારાયણ ભગવાનના પદપંકજથી પુનિત થયેલા અક્ષરતીર્થ ખાતે મહંતસ્વામી મહારાજ 23 દિવસ સુધી બિરાજશે અને હરિભક્તોને દિવ્ય સત્સંગનો લાભ આપશે. શરદપૂનમે અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીનો 240મો જન્મોત્સવ ઉજવાશે. તા. 23 અને 25ના રોજ સવારે દીક્ષા મહોત્સવ યોજાશે. જેમાં મહંતસ્વામી મહારાજના હસ્તે પાર્ષદી દીક્ષા અને ભાગવતી દીક્ષા અપાશે. 29 ઓક્ટોબરના રોજ ધનતેરસ પર્વે વિશ્વશાંતિ મહાયાગ પવિત્ર ગોંડલી નદીના કિનારે અક્ષરઘાટ પર યોજાશે. 31 ઓક્ટોબરે દીપોત્સવી પર્વે ચોપડાપૂજન નિમિત્તે મહાપુજા સાંજે 4.30 કલાકે યોજાશે. તા. 2 નવેમ્બરે નૂતન વર્ષના પવિત્ર દિને અન્નકૂટ દર્શન થશે. 13 ઓકટોબરથી 4 નવેમ્બર યોગી સભામંડપમ્ ખાતે દરરોજ સવારે 6 વાગ્યે સ્વામીશ્રીના પ્રાતઃ પૂજા દર્શન, આશીર્વચન અને સાંજે પારાયણમાં પૂ. સંતોના મુખે કથામૃતનો લાભ પ્રાપ્ત થશે, જેનો લાભ લેવા અક્ષર મંદિરના કોઠારી દિવ્યપુરૂષ સ્વામીએ અનુરોધ કર્યો છે.