BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી હાલ નેનપુર ખાતે બિરાજમાન છે. ૩૦ ઓગસ્ટે પ્રકૃતિ વંદનાના વૈશ્વિક કાર્યક્રમમાં જોડાવા તેમણે હરિભક્તોને અનુરોધ કર્યો હતો. તે દિવસે પૂ. મહંત સ્વામીએ નેનપૂરમાં વૈદિક શાંતિપાઠ સાથે વૃક્ષપૂજન અને તુલસીપૂજન કરીને આરતી ઉતારી હતી. તેમણે જણાવ્યું હતું કે ‘પ્રમુખ સ્વામી મહારાજ હંમેશા કહેતા કે તમે પ્રકૃતિનું જતન કરશો તો પ્રકૃતિ તમારું જતન કરશે. તેમણે લાખોની સંખ્યામાં વૃક્ષારોપણ કરાવીને આપણને સૌને વૃક્ષોનું, પ્રકૃતિનું, પર્યાવરણનું જતન કરવાનો આદેશ અને સંદેશ આપ્યો છે.’
પૂ. મહંત સ્વામીના આદેશ મુજબ સંસ્થાના તમામ મંદિરોમાં ૧૧૦૦થી વધુ સંતોએ પણ વૈદિક પરંપરા મુજબ વૃક્ષપૂજન કર્યું હતું. તેમાં સંસ્થાના વરિષ્ઠ સદગુરુવર્ય સંતોએ ઐતિહાસિક અને પ્રાસાદિક વૃક્ષનું પૂજન કર્યું હતું.
ભારત અને વિદેશના સત્સંગ કેન્દ્રોમાં સ્થાનિક સમય પ્રમાણે સવારે ૧૧ વાગે હરિભક્તો આ કાર્યક્રમમાં જોડાયા હતા. કોરોના મહામારીના સમયમાં અનિવાર્ય એવા નીતિનિયમોનું પાલન કરીને સૌએ વૈદિક શાંતિપાઠ સાથે વૃક્ષપૂજન અથવા તુલસીપૂજન કરીને આરતી ઉતારી હતી.
લંડન, ન્યુયોર્ક, શિકાગો, એટલાન્ટા, લોસ એન્જલસ, ટોરન્ટો, નાઈરોબી, સિડની, મેલબોર્ન, દુબઈ, બહેરીન સહિત વિશ્વના તથા ભારતના મહાનગરો અને આદિવાસીઓના ગામડાઓમાં હરિભક્તો અને સંતોએ પ્રકૃતિવંદના કરી હતી.
દેશ-વિદેશમાં રહેતા હરિભક્તો વેબકાસ્ટીંગના માધ્યમ દ્વારા દરરોજ સવારે પૂ. મહંત સ્વામીની પ્રાતઃપૂજાના દર્શનનો લાભ લઈ રહ્યા છે. દર રવિવારે સાંજે ૫.૩૦થી ૭ દરમિયાન યોજાતી સત્સંગ સભામાં આશીર્વચનો, વિવિધ સંતોના વ્યાખ્યાનો તેમજ કિર્તનોનો લાભ હરિભક્તો પ્રાપ્ત કરી રહ્યા છે. sabha.baps.org અને live.baps.org પરથી સમયાંતરે કાર્યક્રમો પ્રસારિત થાય છે.