લંડનઃ BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થાના આધ્યાત્મિક વડા પૂ.મહંત સ્વામી મહારાજની આગામી સમયમાં યોજાનારી યુકે, યુરોપ તથા નોર્થ અમેરિકાની ધર્મયાત્રા મોકૂફ રાખવામાં આવી છે.BAPSના વડા પૂ. મહંત સ્વામી હાલ ગઢડા ખાતે બિરાજમાન છે. આ પૂર્વે તેમણે આણંદમાં વિચરણ કર્યું હતું.
. ૪થી માર્ચને બુધવારે સવારે પૂજા દર્શન બાદ પૂ. મહંત સ્વામીએ આશીર્વાદ આપ્યા હતા. આ દિવસે સ્વાધ્યાય પરિવારનાં મુખ્ય સંચાલિકા દીદી પૂ.મહંતસ્વામી મહારાજના દર્શને આવ્યા અને સ્વામિનારાય સંપ્રદાયની પરંપરા અનુસાર દૂરથી દર્શન કર્યાં. પૂ.મહંતસ્વામીએ વડતાલ મંદિરે દર્શન કર્યા અને સંતો સાથે સૌહાર્દપૂર્ણ મિલન કર્યું. પાંચમી માર્ચને ગુરુવારે વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવને અનુલક્ષીને આયોજીત વિવિધ ઉત્સવોમાં લાભ આપવા આણંદથી ગઢડા વિચરણ કર્યું. છઠ્ઠી માર્ચને શુક્રવારે બે પ્રકલ્પનું અનાવરણ કર્યું. મંદિર પ્રવેશદ્વાર પાસે શ્રીજી મહારાજ સહિતની પંચ ધાતુમાંથી બનેલી ત્રણ ભવ્ય પ્રતિમાનું અનાવરણ કર્યું તથા દરબાર નવિનીકરણ પ્રકલ્પ અનાવરણમાં પણ લાભ આપ્યો. ૭મી માર્ચને શનિવારે પૂ. મહંત સ્વામી મહારાજે ગોપીનાથજી દેવમંદિર, ગઢડાના દર્શન કર્યા હતા. જે અંતર્ગત ગોપીનાથજીદેવ, ઘનશ્યામ મહારાજનાં દર્શન કર્યા હતા.
આ પ્રસંગે સદ્ગુરુ સંતો પૂજ્ય ઈશ્ચરચરણદાસજી સ્વામી, વિવેકસાગરસ્વામી તથા વરિષ્ઠ સંતવર્ય પૂજ્ય બ્રહ્મવિહારીદાસજી સ્વામી સહિત સંતો પણ જોડાયા હતા. પૂ. મહંત સ્વામી મહારાજે આ દર્શન પ્રસંગે ભગવાન સ્વામિનારાયણ સતત ૩૦ વર્ષ સુધી ગઢપુરમાં બિરાજીને સૌ સંતો, હરિભક્તોને દર્શન-વચનામૃત-આશીર્વચનનો લાભ આપ્યો હતો, તેની સ્મૃતિ પણ પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજે કરી હતી. ભગવાન સ્વામિનારાયણની પરાવાણીરૂપ ‘વચનામૃત’ ગ્રંથને ૨૦૦ વર્ષ પૂર્ણ થતાં હોઈ BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા ગઢપુર ખાતે ‘વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ’ ૬માર્ચને શુક્રવારથી યોજાઈ રહ્યો છે. શનિવારે સાંજે BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થા દ્વારા આયોજીત કાર્યક્રમમાં નગરશ્રેષ્ઠીઓનું સન્માન કર્યું હતું. ૮મી માર્ચને રવિવારે ઘેલા નદીમાં પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના અસ્થિપુષ્પોનું વિસર્જન પૂ.મહંતસ્વામી મહારાજના હસ્તે કરવામાં આવ્યું હતું. સાંજે સંત સંમેલન થયું હતું. ૯મી માર્ચને સોમવારે વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવને અનુલક્ષી વચનામૃતની પૂજનવિધિ તથા મહાપૂજા થઇ. પૂ.મહંતસ્વામી મહારાજે આશીર્વચનમાં કહ્યું ભગવાન પૃથ્વી પર પોતાના પ્રેમી ભક્તો માટે જ પધારે છે. માટે આપણે સર્વકર્તા હર્તા ભગવાન જ છે એવો દૃઢ નિશ્ચય રાખવો અને તેઓના આપેલા ઉપદેશ અને નિયમ પ્રમાણે દૃઢપણે વર્તતા શીખીએ. સાંયસભામાં પવિત્ર હોળીનો ભક્તિ ઉત્સવ તેમજ વચનામૃત ગ્રંથના જીવંત સ્વરૂપ એવા BAPS સંસ્થાની ગુરુપરંપરાના દ્વિતિય આધ્યાત્મિક ગુરુ બ્રહ્મસ્વરૂપ ભગતજી મહારાજનો જન્મોત્સવ ઉજવાયો હતો. પૂ. મહંત સ્વામી ૧૦મીને મંગળવારથી ૧૧મીને બુધવાર સુધી ગઢડા ખાતે બિરાજમાન છે. ૧૨મીને ગુરુવારથી ૧૫મીને રવિવાર સુધી સાળંગપુર ખાતે વિચરણ કરશે.
પૂ.સત્સંગીજીવન સ્વામી (પૂર્વ કોઠારી સ્વામી) અક્ષરનિવાસી થયા
૬૯ વર્ષીય પૂ.સત્સંગીજીવન સ્વામી (પૂર્વ કોઠારી સ્વામી) ૯મીને સોમવારે અમદાવાદ ખાતે અક્ષરનિવાસી થયા હતા. પૂ.સત્સંગીજીવન સ્વામીએ ૪૨ વર્ષ સુધી BAPS સ્વામિનારાયણ મંદિર, શાહિબાગના કોઠારી પદે સેવા આપી હતી. BAPS સ્વામિનારાયણ સંસ્થાના સદગુરુ સંત પૂ.સાધુ સ્વયંપ્રકાશદાસ (ડૉક્ટર સ્વામી) દ્વારા જણાવાયું હતું કે સંસ્થાના સદગુરુવર્ય પૂ.ઈશ્વરચરણ સ્વામી અને અન્ય વરિષ્ઠ સંતોની ઉપસ્થિતિમાં ૧૦મી માર્ચ મંગળવારે તેઓના અંતિમ સંસ્કાર નેનપુર શાંતિવન ખાતે કરવામાં આવ્યા હતા.