BAPSસ્વામિનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી હાલ નેનપુર ખાતે બિરાજમાન છે. ૧૧ સપ્ટેમ્બર, ભાદરવા વદ નવમીને દિવસે તિથી મુજબ અને રવિવાર, ૧૩ સપ્ટેમ્બરે અંગ્રેજી તારીખ પ્રમાણે પૂ.મહંત સ્વામીનો ૮૭મો જન્મજયંતી ઉત્સવ હતો. તેની વિવિધ કાર્યક્રમો દ્વારા ભવ્ય ઓનલાઈન ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ૯થી ૧૨ સપ્ટેમ્બર દરરોજ રાત્રે ૯ થી ૧૦ દરમ્યાન ઓનલાઈન વિશિષ્ટ સભાનું આયોજન કરાયું હતું. હરિભક્તોએ ૧૧થી૧૩ સપ્ટેમ્બર સુધી પૂ.મહંત સ્વામીની પ્રાતઃપૂજાના ઓનલાઈન દર્શનનો લાભ લીધો હતો.
૧૩મીને રવિવારે વર્ચ્યુઅલ ટેક્નોલોજીના માધ્યમથી ઉજવાયેલા જન્મજયંતી મહોત્સવમાં સંતો, વક્તાઓને જાણે એક જ મંચ ઉપર એકત્ર કરાયા હોય તે રીતે વર્ચ્યુઅલ ટેક્નોલોજીના માધ્યમથી નવતર પ્રયોગ કરાયો હતો.
આ મહોત્સવનો કેન્દ્રીય વિષય ‘પૂ. પ્રમુખ સ્વામી મહારાજ અને પૂ. મહંત સ્વામી મહારાજની સાધુતા’ હતો. પૂ. પ્રમુખ સ્વામી અને પૂ. મહંત સ્વામીની સાધુતા, ભગવદ શ્રદ્ધા, વિનમ્રતા, આધ્યાત્મિક પ્રભાવ વગેરે વિષયોની સંદર પ્રસ્તુતિ સાથે ભક્તિમય વાતાવરણ રચાયું હતું. બીએપીએસ સંસ્થાના પૂ. ડોક્ટર સ્વામી, પૂ. ઈશ્વરચરણ સ્વામી તથા અન્ય વિદ્વાન અને વરિષ્ઠ સંતોએ તેમના વક્તવ્યમાં પૂ, પ્રમુખ સ્વામી અને પૂ. મહંત સ્વામીની સ્વાનુભૂતિઓ રજૂ કરી હતી. પૂ. મહંત સ્વામીએ આશીર્વચનમાં જણાવ્યું કે પૂ. પ્રમુખ સ્વામીએ પોતાની સાધુતા અને અદ્વિતીય કાર્યોથી આપણને સૌને એક ચિરંતન માર્ગ ચીંધ્યો છે. તે માર્ગે આપણે ચાલીશું તો અવશ્ય સુખી થઈશું અને અન્યને સુખી કરી શકીશું.
દેશ-વિદેશમાં ઘરે ઘરે હરિભક્તોએ આ જીવંત પ્રસારણ નિહાળ્યું હતું. તેમણે પુષ્પાંજલિ અને
આરતી દ્વારા ગુરુહરિને વધાવ્યા હતા. ગુજરાતના મુખ્ય પ્રધાન વિજયભાઈ રૂપાણીતથા અન્ય મહાનુભાવોએ વિવિધ માધ્યમો દ્વારા પૂ. મહંત સ્વામીને શુભેચ્છાપૂર્વક પ્રણામ પાઠવ્યા હતા.