પોરબંદરઃ શહેરમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ-છાયા સંચાલિત શ્રી સ્વામિનારાયણ આર.પી. બદિયાણી એન્ડ એસ.આર. બદિયાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ ખાતે રૂ. 14 કરોડથી વધુના ખર્ચે નવા સાકાર થયેલા કોલેજ બિલ્ડીંગના વિવિધ સેવા પ્રકલ્પોમાં દાતાશ્રીઓના નામાભિધાન અનાવરણનો ભવ્ય પ્રસંગ સંસ્થા સંકુલમાં ગયા મંગળવારે યોજાઇ ગયો.
દાતાઓના રૂ. 4.5 કરોડથી વધુના આર્થિક સહયોગથી સાકાર થયેલા વિવિધ નિર્માણકાર્યોની નામાભિધાન અનાવરણ વિધિ રાષ્ટ્રીય સંત પૂ. શ્રી રમેશભાઈ ઓઝા ‘ભાઈશ્રી’, વૈષ્ણવ કુલભૂષણ પૂ. શ્રી વસંતરાયજી મહારાજ તથા સ્વામિનારાયણ ગુરુકુલ-છાયા સંસ્થાના સંસ્થાપક શાસ્ત્રી સ્વામી પૂ. શ્રી પ્રકાશદાસજી સ્વામીજીના હસ્તે સંપન્ન થયો હતો. આ પ્રસંગે શહેરના વિવિધ ક્ષેત્રના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે પૂ. ‘ભાઇશ્રી’એ નર્સિંગ કોલેજના બાંધકામની ઝીણામાં ઝીણી વિગત મેળવી હતી. તેમણે નર્સિંગ કોલેજની પેરામેડિકલના તમામ પ્રકારના સાધનોથી સુસજ્જ બધી જ લેબોરેટરીઓ અને લાઇબ્રેરીની મુલાકાત લીધી હતી અને નર્સિંગ કોલેજની સુવિધા જોઈને આનંદની લાગણી વ્યક્ત કરી હતી. નર્સિંગ કોલેજના અધ્યાપકોએ પણ જે તે સાધનોનો કઈ રીતે ક્યાં ઉપયોગ છે અને કઈ રીતે ઇન્ટર્નલ બોડી કામ કરે છે તેની તમામ વિગતોથી પૂ. ‘ભાઈશ્રી’ને માહિતગાર કર્યા હતા.
પૂ. ‘ભાઇશ્રી’એ પોરબંદરની આસપાસના 100 કિલોમીટરના વિસ્તામાં આવેલી આ પ્રકારની આધુનિક સાધનસુવિધાથી સજ્જ નમૂનેદાર નર્સિંગ કોલેજની તેમજ તેના નિર્માણકાર્યમાં વિદેશવાસી દાતાઓએ આપેલા સહયોગ અંગે વિગતવાર માહિતી મેળવી હતી. આ પ્રસંગે ખાસ તો તેમણે મુખ્ય દાતા રુપિનભાઇ વડેરા અને તેમના પરિવારને ધન્યવાદ અને અભિનંદન આપીને તેમની સેવાને બિરદાવી હતી.
ઉલ્લેખનીય છે કે નર્સિંગ કોલેજ બિલ્ડીંગના મુખ્ય દાતા રુપિનભાઇ વડેરા અને તેમના પરિવારે ગૌલૌકવાસી દાદા દયાળભાઈ મદનજીભાઈ વડેરા અને દાદી પ્રભાકુંવરબેન દયાળભાઇ વડેરાની સ્મૃતિમાં તેમજ પિતા વિનોદકાંતભાઈ દયાળભાઈ વડેરા અને માતુશ્રી નીલમબેન (મૃદુલાબેન) વડેરાની પ્રસન્નતા માટે પ્રોજેક્ટ માટે રૂ. 4.5 કરોડનું દાન આપ્યું છે.
આ પ્રસંગે પૂ. ‘ભાઈશ્રી’ અને શ્રી વસંતરાજી મહારાજના હસ્તે હાઇટેક સુવિધાથી સજ્જ ઓડિટોરિયમ અને હોલના મુખ્ય દાતા શ્રી ગોપાલભાઈ જીવનભાઈ પોપટના ફોટોનું પણ અનાવરણ કરાયું હતું. કોલેજ સંકુલમાં સાકાર થયેલું અદ્યતન ઓડિટોરિયમ પેરામેડિકલ નર્સિંગના કોર્ષનો અભ્યાસ કરતાં તમામ વિદ્યાર્થીઓને વિવિધ શૈક્ષણિક વ્યાખ્યાન માટે ઉપયોગી બનશે જ સાથે સાથે તેમાં એવી સુવિધા પણ ગોઠવાઇ છે કે વિદ્યાર્થીઓ અહીં બેઠાં બેઠાં જ વિશ્વમાં થતા જટિલ અને વિવિધ પ્રકારના ઓપરેશન નિહાળી શકશે.
આ ઓડિટોરિયમનો વિશાળ હોલ એલઇડી સ્ક્રીન, સાઉન્ડ
સિસ્ટમ, ઇકોસ્ટિક સાઉન્ડ, પૂરતી લાઈટિંગ અને વાઇફાઇ કનેક્ટિવિટી ધરાવે છે.
આ પ્રસંગે નર્સિંગ કોલેજનો શિલાન્યાસ થયો ત્યારથી લઇને નિર્માણકાર્ય સંપન્ન થયું ત્યાં સુધીની વિકાસગાથા દર્શાવતી ટેલી ફિલ્મ વિશાળ એલઇડી સ્ક્રીન ઉપર દર્શાવાઇ હતી.
પૂ. ‘ભાઈશ્રી’ને પુષ્પહાર પહેરાવીને સંસ્થાના ટ્રસ્ટી મધુભાઈ રાયચૂરાએ સ્વાગત કર્યું હતું. જ્યારે નર્સિંગ કોલેજના ડાયરેક્ટર અરવિંદભાઈ રાજ્યગુરુએ પૂ. શ્રી વસંતરાયજી મહારાજનું પુષ્પહારથી સ્વાગત સન્માન કર્યું હતું અને પૂ. ગુરુ શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશ દાસજી સ્વામીને હાર પહેરાવીને ભાવ વંદના કરી હતી.
આ પ્રસંગે ઇન્ટરનેશનલ મેર સુપ્રીમ કાઉન્સિલના ટ્રસ્ટી શ્રી સામતભાઈ ઓડેદરા, ટ્રસ્ટી શ્રી હરસુખભાઈ બુદ્ધદેવ, ટ્રસ્ટી શ્રી પદુભાઇ રાયચુરા, ડિસ્ટ્રીકટ ચેમ્બર પ્રેસિડેન્ટ શ્રી જતીનભાઈ હાથી, પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સના નવયુવાન ઉત્સાહી પ્રેસિડેન્ટ શ્રી જીગ્નેશભાઈ કારિયા, કાકામેઘા - કેન્યાથી આવેલા દાતા શ્રી રમેશભાઈ પ્રભુદાસભાઈ કોટેચા, લંડનથી આવેલા શ્રી પ્રતાપભાઈ ખગ્રામ, જામનગરથી આવેલા રમેશભાઈ દતાણી, આશા ચિલ્ડ્રન હોસ્પિટલના ટ્રસ્ટી શ્રી રસિકભાઈ ભરાણિયા, ગુરુકુલ સંસ્થાના ટ્રસ્ટી શ્રી કેશુભાઈ મુળુભાઇ ગરેજા, શહેરના અગ્રણી અને સંસ્થાના એન્જિનિયર શ્રી આકાશભાઈ વિઠલાણી, શહેરના વરિષ્ઠ ડોક્ટર શ્રી સુરેશભાઈ ગાંધી વગેરેનું પુષ્પગુચ્છ આપીને સ્વાગત કરાયું હતું.
ભાનુપ્રકાશ સ્વામીજીએ નર્સિંગ કોલેજની વિકાસગાથાની ઝલક રજૂઆત કરી હતી. આ પ્રસંગે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં ડિપાર્ટમેન્ટ ઓફ નર્સિંગના ડીન તરીકે નિયુક્ત થયેલા નર્સિંગ કોલેજના ડાયરેક્ટર અરવિંદભાઈ રાજ્યગુરુનું પૂ. ‘ભાઈશ્રી’એ પુષ્પાહાર પહેરાવીને સન્માન કર્યું હતું. એવી જ રીતે નર્સિંગના બોર્ડ ઓફ સ્ટડીઝમાં મેમ્બર બનેલા નર્સિંગ કોલેજના પ્રિન્સિપાલ અઝીઝાબેન હાથલિયાને પણ પૂ. ‘ભાઈશ્રી’એ શુભાશિષ આપીને સન્માન્યા હતાં.
ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના મેનેજમેન્ટ બોર્ડ ઓફ સ્ટડીઝમાં મેમ્બર તરીકે નિયુક્ત થયેલા ગુરુકુલ એમબીએના ડાયરેક્ટર ડો. શ્રી સુમિતકુમાર આચાર્યને પૂ. શ્રી વસંતરાયજી મહારાજે શુભ આશીર્વાદ આપી અને સન્માનિત કર્યા હતા.
આ પ્રસંગે ભણવામાં હોંશિયાર એવી નર્સિંગ કોલેજની સાત દીકરીઓને લંડનના દીપકભાઈ દયાળજીભાઇ જટાણીયા અને યુકેના અન્ય દાતાશ્રીઓ તરફથી લેપટોપ કોમ્પ્યુટર પણ
ભેટ આપવામાં આવ્યા હતા. નોંધનીય છે કે આ સાતેય દીકરીઓને આ સિવાય સંસ્થા તરફથી પણ દરેક પ્રકારે મદદ કરવામાં આવે છે.
ગુરુકુલ સંસ્થાના ટ્રસ્ટી અને અગ્રણી ઉદ્યોગપતિ શ્રી પદુભાઈ રાયચુરાએ નર્સિંગ કોલેજની શૈક્ષણિક પ્રગતિ અને યુનિવર્સિટી કક્ષાએ ગોલ્ડ મેડલ સાથે ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓની જ્વલંત સફળતાની વાત કરી હતી. તો ભવિષ્યમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ-છાયા સંસ્થા દ્વારા જિલ્લા કક્ષાના વિશાળ સાયન્સ સેન્ટરનું નિર્માણ કરવાના આયોજનની પણ વાત કરી હતી. આ પ્રસંગે પદુભાઈએ પોતાની ભાણેજ શ્રી મિશાબેન ક્રિષ્નાબેન રાયચુરા તરફથી નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ માટે વધુ આઠ કોમ્પ્યુટર વસાવવા માટે જરૂરી આર્થિક અનુદાનનો ચેક પણ અર્પણ કર્યો હતો.
પૂ. શ્રી વસંતરાયજી મહારાજે સંસ્થાના પાયાથી લઈને આજ સુધીના સમયમાં થયેલ પરિણામલક્ષી પ્રગતિની વિગત સાથે વાત કરીને શુભાશિષ આપ્યા હતા.
આ પ્રસંગે પૂ. ‘ભાઈશ્રી’એ મેડિકલ અને પેરા-મેડિકલની સેવાને બિરદાવવાની સાથે સાથે તબીબી સેવા ક્ષેત્રે અનએથીકલ બિઝનેસ ના હોવો જોઈએ તેવી માર્મિક ટકોર કરી હતી. તેમણે નર્સિંગ સ્ટુડન્ટ્સને પણ આ પ્રકારના અયોગ્ય અને લોકસમાજ વિરોધી વિચારોથી દૂર રહેવાની ભલામણ કરી હતી. નર્સિંગ કોલેજના આ બિલ્ડિંગમાં વિદેશના તમામ દાતાઓના ઉષ્માભર્યા સહયોગને ખૂબ બિરદાવ્યો હતો. સાથે સાથે જ દાતાઓના અનુદાનનો સુયોગ્ય ઉપયોગ થઈ રહ્યો છે તે જોઈને ખુશી અને આનંદની લાગણી વ્યક્ત કરી હતી. પૂ. ‘ભાઇશ્રી’એ તેમના સંબોધનમાં વડેરા પરિવાર, ગૌલોકવાસી શ્રી ગોપાલભાઈ જીવનભાઈ પોપટ, શ્રી દયાળજીભાઈ રામજીભાઈ જટાણીયા અને ગૌલોક્વાસી શ્રી નરેશભાઈ નાગ્રેચા વિગેરેની સેવાને તો માનવ શરીરના પાંચ પ્રાણની સાથે સરખાવી હતી અને અંતરના ઉમળકા સાથે શુભાશિષથી નવાજ્યા હતાં.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી શાસ્ત્રી સ્વામી શ્રી ભાનુપ્રકાશદાસજી સ્વામીએ કર્યું હતું. આ પ્રોગ્રામના આયોજન અને વ્યવસ્થાની જવાબદારી શ્રી કેતનભાઈ બી. પટેલ, શ્રી શૈલેષભાઈ કે. પટેલ અને નર્સિંગ કોલેજના ડાયરેક્ટર
શ્રી અરવિંદભાઈ રાજ્યગુરુ, પ્રિન્સીપાલ અઝીઝા મેડમ અને નર્સિંગ કોલેજના સ્ટાફ સભ્યોએ સાંભળી હતી.