લંડનઃ દર વર્ષે છત્રી મેમોરિયલ ગ્રૂપ દ્વારા પ્રથમ વિશ્વ યુદ્ધ દરમિયાન બ્રાઈટનમાં અંતિમવિધિ કરાયેલા ભારતીય સૈનિકોની યાદમાં વાર્ષિક છત્રી મેમોરિયલ સર્વિસનું આયોજન કરાય છે. અખંડ ભારતના આશરે 12,000 સૈનિક યુદ્ધના પશ્ચિમ મોરચેથી અહીં લવાયા હતા અને ઈજાગ્રસ્તોને સારવારાર્થે બ્રાઈટનની હોસ્પિટલોમાં દાખલ કરાયા હતા. છત્રી મેમોરિયલ અનોખું અને સમગ્ર યુકેમાં આ પ્રકારનું એકમાત્ર સ્મારક છે.
છત્રી મેમોરિયલ ગ્રૂપના અધ્યક્ષ દેવિન્દર ધીલોન OBE, Dlના જણાવ્યા મુજબ મેમોરિયલ સર્વિસ રવિવાર 11 જૂનના રોજ બપોરના 2.30 કલાકે છત્રી (પેટશામ, સ્ટાનડેન લેન, બ્રાઈટન BN1 8ZB) ખાતે યોજાનાર છે. પ્રાર્થના અને પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ લગભગ અડધા કલાક સુધી ચાલશે. કાર છેક છત્રી સુધી લાવી શકાય તેમ છે. જોકે, છત્રીનું સ્થળ ખેતરમાં હોવાથી જમીન થોડી ઉબડખાબડ હશે. આ સિવાય અન્ય કોઈ સુવિધા કે શેલ્ટર મળી શકશે નહિ તેમજ બેસવા માટે બેઠકો પણ મર્યાદિત રહેશે.
મેમોરિયલ સર્વિસના કાર્યક્રમ પછી પેટશામ હાઈ સ્કૂલ, લેડીઝ માઈલ્સ રોડ, બ્રાઈટન BN1 8PB ખાતે રીફ્રેશમેન્ટની વ્યવસ્થા કરાનાર છે. ભારતીય જવાનોની વેસ્ટર્ન ફ્રન્ટ ખાતે ભૂમિકા દર્શાવતું ખાસ પ્રદર્શન પણ સ્કૂલમાં જોવા મળશે. સ્કૂલમાં પાર્કિંગની સુવિધા મર્યાદિત છે પરંતુ, રોડથી દૂર પાર્કિંગની સુવિધા મળી શકશે.
દેવિન્દર ધીલોને આશા વ્યક્ત કરી હતી કે લોકો મિત્રો અને પરિવારો સાથે છત્રી મેમોરિયલ સર્વિસમાં હાજરી આપશે. તેમણે લોકોને તેમના રસ ધરાવતા સંપર્કોને પણ આમંત્રણ ઈમેઈલ કરવા જણાવ્યું હતું. સંગઠન કે સંસ્થા વતી પુષ્પાંજલિ કરી શકાશે પરંતુ, મેમોરિયલ ગ્રૂપ કોમ્યુનિટી વોલન્ટરી ગ્રૂપ છે અને સર્વિસના આયોજન માટે ગ્રાન્ટ્સ અને ડોનેશન્સ પર આધારિત હોવાથી દ્વારા પુષ્પહારની વ્વસ્થા કરાતી નથી.
સ્મારકોની સ્થાપના અને ઉદ્ઘાટન
પ્રથમ વિશ્વ યુદ્ધ (1914-18) દરમિયાન ભારતીય આર્મીના 15 લાખથી વધુ સૈનિકોએ બ્રિટિશ સૈન્યદળો સાથે ખભેખભા મિલાવી સક્રિય ભૂમિકા ભજવી હતી. ફ્રાન્સમાં વેસ્ટર્ન ફ્રન્ટ પર ઈજાગ્રસ્ત આશરે 12,000ભારતીય સૈનિકને બ્રાઈટનની આસપાસ યોર્ક પ્લેસ સ્કૂલ, ધ ડોમ, ધ કોર્ન એક્સચેન્જ અને રોયલ પેવેલિયન સહિતના સ્થળોએ હોસ્પિટલોમાં દાખલ કરાયા હતા. યુદ્ધના અંત પછી, દુશ્મનોના પરાજયમાં ભારતીય આર્મીના યોગદાનને મહત્ત્વપૂર્ણ ગણવામાં આવ્યું હતું અને તેમની કદર અને આદર દર્શાવવા બે સ્મારક સ્થપાયાં હતાં. 1914-1915ના ગાળામાં બ્રાઈટનની વોર હોસ્પિટલોમાં મૃત્યુ પામેલા હિન્દુ અને શીખ સૈનિકોના અંતિમસંસ્કાર કરાયા હતા ત્યાં પેટશામ નજીક ડાઉન્સ ખાતે સ્મારક, છત્રી મેમોરિયલનું નિર્માણ કરાયું હતું જેનું, ઉદ્ઘાટન પ્રિન્સ ઓફ વેલ્સના હાથે 1921ની 21મી ફેબ્રુઆરીએ કરવામાં આવ્યું હતું.
બીજું સ્મારક બ્રાઈટન અને તેના નિવાસીઓએ ઈજાગ્રસ્ત ભારતીય સૈનિકોની સારસંભાળમાં ભજવેલી ભૂમિકાના સન્માનરૂપે છે. ભારતના લોકોએ તેમના ભાઈઓની સેવા-સુશ્રુષા કરવામાં ભૂમિકા બદલ ‘ડોક્ટર બ્રાઈટન’ને શ્રદ્ધાંજલિ તરીકે ગેટવે સ્મારકની સ્થાપના કરાવી હતી. ગેટવે ટુ ધ રોયલ પેવેલિયનનું ઉદ્ઘાટન પટિયાલાના મહારાજાના હાથે 1921ની 26મી ઓક્ટોબરે કરવામાં આવ્યું હતું.
છત્રી મેમોરિયલ ગ્રૂપ
પ્રથમ વિશ્વ યુદ્ધમાં ભારતીય સૈનિકોની શહાદતની યાદ અને બ્રાઈટન સાથે તેની કડીને જીવંત રાખવા છત્રી મેમોરિયલ ગ્રૂપ અસ્તિત્વમાં આવ્યું હતું. આ ગ્રૂપ મેમોરિયલની યોગ્ય જાળવણીની ચોકસાઈ ઉપરાંત, આ સ્થળને સુધારવા સક્રિય કામગીરી કરે છે. સ્મારક અને તેના ઈતિહાસ વિશે જાગૃતિ ઉભી કરવા છેક 1951થી જૂન મહિનાના બીજા રવિવારે બપોરના 2.30 કલાકે વાર્ષિક મેમોરિયલ સર્વિસનું આયોજન કરવામાં આવે છે તેમજ તેની માહિતી, પ્રદર્શનો અને ચર્ચાઓ ગોઠવાય છે. છત્રી મેમોરિયલ માટે અભૂતપૂર્વ સ્વૈચ્છિક આપવા બદલ દેવિન્દર ધીલોનને જુલાઈ 2017માં પોઈન્ટ્સ ઓફ લાઈટ એવોર્ડ એનાયત કરાયો હતો.