લંડનઃ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની 103મી જન્મજયંતિની ઊજવણી 14 અને 15 ડિસેમ્બર 2024ના દિવસોએ BAPS શ્રી સ્વામિનારાયણ (નિસડન) મંદિર, લંડન ખાતે કરવામાં આવી હતી. વીકએન્ડના ગાળામાં બે વખત યોજાએલા ઈવેન્ટમાં હજારો ભાવિકોએ જોશીલા સાંસ્કૃતિક કાર્યક્રમો, જ્ઞાનવર્ધક રજૂઆતો અને સુક્ષ્મદૃષ્ટિના ઉપદેશો થકી પ્રમુખ સ્વામી મહારાજના સંતસ્વરૂપ ગુણો, દિવ્ય જીવન અને અનંત વિરાસતનું સન્માન કર્યું હતું.
બાળકો દ્વારા પ્રમુખ સ્વામી મહારાજના ઉમદા ગુણો પર પ્રકાશ પાથરતાં કીર્તન સાથે ઊજવણીનો પ્રારંભ થયો હતો. આ પછી, સ્વામીજીના નિઃસ્વાર્થ જીવન અને નોંધપાત્ર યોગદાનોને દર્શાવતા વીડિયો પ્રેઝન્ટેશનોની સાથે જ તેમના વ્યાપક પ્રભાવને પુરવાર કરતી વિશ્વનેતાઓની વીડિયો રજૂઆતો દર્શાવાઈ હતી.
થીમ ‘રીડિસ્કવરિંગ પ્રમુખ સ્વામી મહારાજ’ વિશે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના પુસ્તક ‘જેવા મેં નીરખ્યા 4’માં વિગતે જણાવેલા અંગત નીરિક્ષણો અને અનુભવો પર કેન્દ્રિત હતું. સ્વામીઓની પેનલ દ્વારા પ્રમુખ સ્વામી મહારાજની શક્તિઓ અને દઢ આસ્થા, ખાસ કરીને ગંભીર બીમારીઓ ધરાવતાં બાળકો પ્રત્યે તેમનો સપોર્ટ અને તેઓની આખરી પળોમાં વરિષ્ઠ ભાવિકોએ અનુભવેલા આધ્યાત્મિક આશીર્વાદ વિશે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
સ્વામીઓ અને યુવાનો દ્વારા રજૂ કરાયેલી સંગીતમય આદરાંજલિમાં પ્રમુખ સ્વામી મહારાજના ઈશ્વર સાથેના તાદાત્મ્ય અને મુશ્કેલીઓ છતાં, નિરંતર સમર્પણની ભાવનાને સુંદર રીતે રજૂ કરાઈ હતી. આખરમાં પ્રમુખ સ્વામી મહારાજની ફળદાયી પુનઃપ્રાપ્તિને મહંત સ્વામી મહારાજની અંગત લાગણીઓ સાથે રજૂ કરાઈ હતી જે આ ખાસ પ્રસંગે વીડિયો રેકોર્ડિંગ થકી કંડારાઈ હતી. બાળકો દ્વારા વાતાવરણને સમર્પણ અને પવિત્રતાથી ભરી દેનારા રંગીબેરંગી નૃત્ય સાથે ઊજવણીઓનું સમાપન કરાયું હતું.