અમદાવાદઃ ‘નાસા’ અને સ્પેસએક્સના સંયુક્ત ઉપક્રમે 22 ફેબ્રુઆરીએ ચંદ્ર પર લેન્ડિંગ કરનાર આઈએમ-1ની કોમર્શિયલ લેન્ડરની ડિસ્કમાં પ્રમુખ સ્વામી મહારાજના વૈશ્વિક કાર્ય અને જીવન ભાવનાને પ્રતિબિંબિત કરતો સંદેશ કોતરવામાં આવ્યો હતો.
મિશન ડિરેક્ટર ટીમ ક્રેને આ મિશનની સફળતાની જાહેરાત કરતાં કહ્યું હતું કે ‘ઓડિસિયસને તેનું નવું ઘર મળ્યું છે. આઈએમ-1 લેન્ડરના ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળતાપૂર્વક ઉતરાણની સાથે સાથે આ લેન્ડરમાં એરોસ્પેસ કંપની રિલેટિવ ડાયનેમિક્સ દ્વારા નિર્મિત અને પ્રમુખ સ્વામીના સંદેશાને અંકિત કરતી ડિસ્કના ચંદ્ર પર પહોંચવાની ક્ષણોને સૌએ વધાવી લીધી હતી.’
‘નાસા’ના એડમિનિસ્ટ્રેટર બિલ નેલ્સને જણાવ્યું કે, ‘આ માનવજાતની સફળતા છે. જે વિજ્ઞાન અને ટેક્નોલોજીના અદ્ભુત વિનિયોગની સાથે કરુણા અને સંવાદિતાને મૂર્તિમંત કરનારા આધ્યાત્મિક ગુરુના સંદેશમાં છે.’ ઈન્ટન્ટ્યુટિવ મશીન્સના સીઈઓ સ્ટિફન અલ્ટમસે જણાવ્યું કે, ‘સૌના સહયોગ અને સહિયારાં મૂલ્યો દ્વારા અવકાશી સંશોધનો સમગ્ર માનવજાત માટે છે.’ આઈએમ-1 દ્વારા વસુધૈવ કુટુમ્બકમની ભાવના, સંવાદિતા, એકતા અને કરુણાનો સાર્વત્રિક સંદેશ ચંદ્ર પર પહોંચ્યો છે.
આઈએમ-1એ લેન્ડિંગ પહેલાં પ્રમુખ સ્વામીને અંજલિ આપી
આઈએમ-1ના ઉતરાણ પહેલાં, ઈન્ટયુટિવ મશીન્સ દ્વારા પ્રમુખ સ્વામી મહારાજના વૈશ્વિક જીવન અને સંદેશને સોશિયલ મીડિયા લિકન્ડઈન પર અંજલિ આપવામાં આવી હતી. જેમાં સંદેશો અપાયો હતો કે, ઈન્ટ્યુટિવ મશીન્સ (Intuitive Machines) અને રિલેટિવ ડાયનેમિક્સ (Relative Dynamics)ના સહકારથી નિર્મિત આઈએમ-1 મિશન પ્રમુખ સ્વામી મહારાજને શાશ્વત અંજલિ આપવા જઈ રહ્યું છે. હિન્દુ આધ્યાત્મિક ગુરુ પ્રમુખ સ્વામી મહારાજના નિઃસ્વાર્થ સેવામય જીવનને અંજલિ અર્પતા શબ્દો ડિસ્ક પર કોતરાયા છે.