બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થા દ્વારા આ વર્ષે કોરોના સંકટને પગલે ‘મારા ગુરુ મારું જીવન’ થીમ હેઠળ ગુરુપૂર્ણિમાની વિશિષ્ટ રવિસભાનું ઓનલાઈન આયોજન કરવામાં આવ્યું હતું. સાથે ટીવી ચેનલ પર પણ જીવંત પ્રસારણ થયું હતું. ૫ જુલાઈને રવિવારે સાંજે ૫ થી ૭:૩૦ દરમિયાન બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થા દ્વારા ભારત અને વિશ્વભરના તમામ હરિભક્તો માટે યોજાયેલી આ સભાને સંબોધતા પૂ. મહંત સ્વામીએ જણાવ્યું હતું,‘ ગુરુને સર્વોપરિ માનીએ તો જ ભક્તિ થાય. ભક્તિમય જીવન બને તે જ આ દિવસનો સાર છે.’ હાલ નેનપુર ખાતે વિચરણ કરી રહેલા પૂ. મહંત સ્વામીએ ઉમેર્યું હતું,‘પ્રમુખ સ્વામી જેવા આદર્શ ગુરુ આપણને મળ્યા છે, એ આપણું સૌભાગ્ય છે. પ્રારબ્ધથી સુખ-દુઃખ આવે, પરંતુ સ્વામીબાપાએ એવી સમજણ આપી છે કે આપણે સુખ-દુઃખમાં સ્થિતપ્રજ્ઞ રહી શકીએ. વર્તમાન કોરોના મહામારીના કાળમાં આપણે સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક પહેરવા સહિતના જે નિયમો છે તેનું ચુસ્તપણે પાલન કરીએ. સહેજ પરણ બેદરકારી રાખ્યા વગર વિશેષ સજાગ રહીને વ્યક્તિગત અને સામુહિક સ્વાસ્થ્ય જાળવવા માટે પ્રયત્નશીલ બનીએ.’
પૂ. મહંત સ્વામીએ ઓડિયો બુક ‘બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રમુખ સ્વામી મહારાજ’ ભાગ ૩નું પણ વિમોચન કર્યું હતું.
સંતો દ્વારા ગુરુમહિમા વિષયક કથાવાર્તા, પ્રેરક વિડીયોનો સૌ કોઇએ ઘેર બેઠા લાભ પ્રાપ્ત કર્યો હતો. આ મહોત્સવ અંતર્ગત કોરોનામાં મૃત્યુ પામેલાઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે તેમજ કોરોના મહામારીનો વહેલી તકે અંત આવે અને જીવન પૂર્વવત થાય તથા ઝડપથી કોરોનાની રસી શોધાય તે માટે સ્વામીનારાયણ મહામંત્રની ધૂન કરવામાં આવી હતી. પૂ. મહંત સ્વામીએ
હરિકૃષ્ણ મહારાજનું પૂજન કર્યું હતું. ઠાકોરજી સમક્ષ સૌએ પુષ્પ અક્ષત હાથમાં લઈને મંત્ર પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ગુરુપૂર્ણિમાએ પ્રગટ ગુરુ પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજના દર્શન, આશીર્વાદ અને ગુરુપૂજનનો સૌ ભક્તો-ભાવિકોએ લાભ પ્રાપ્ત કર્યો હતો.
અંતમાં પૂ. મહંત સ્વામી સહિત વિશ્વભરમાં રહેલા હરિભક્તોએ પોતાના ઘરે આરતી કરી હતી.