અમદાવાદઃ બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવનો ઉત્સાહ દેશ-વિદેશમાં સર્વત્ર પ્રવર્તી રહ્યો છે. આ ભવ્ય અને અતુલનીય મહોત્સવની શાનદાર ઉજવણી માટે 600 એકર ભૂમિમાં હજારો સ્વયંસેવકો-સંતોની સેવાથી ‘પ્રમુખસ્વામી મહારાજ નગર’ આકાર લઈ રહ્યું છે. આ મહોત્સવની વૈશ્વિક ઉજવણીનો વધુને વધુ લોકો લાભ લઈ શકે તે માટે દેશ-વિદેશના ભક્તોની ભાવના અને લાગણીને લક્ષમાં લઈને પ.પૂ. મહંત સ્વામી મહારાજની આજ્ઞાથી મહોત્સવને બે દિવસ લંબાવાયો છે અને હવે 13 જાન્યુઆરીના બદલે 15 જાન્યુઆરીના રોજ તેનું સમાપન થશે. આમ, હવે 15 ડિસેમ્બર 2022થી શરૂ થનારા આ મહોત્સવને લોકો 15 જાન્યુઆરી 2023 સુધી માણી શકશે. મહોત્સવના ચરમસીમા સમાન અંતિમ કાર્યક્રમ ‘પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી વંદના’ સાથે 15 જાન્યુઆરીની રાત્રે મહોત્સવની પૂર્ણાહુતિ થશે, જેની દેશ-વિદેશના સૌ ભક્તો-ભાવિકોએ નોંધ લેવા સાધુ ઈશ્વરચરણદાસજીએ એક નિવેદનમાં જણાવ્યું છે.