પ્રમુખસ્વામી મહારાજના પ્રેરણાદાયી મૂલ્યોને સ્મરણાંજલિ

Tuesday 05th September 2023 10:55 EDT
 
 

અમદાવાદ: બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના અધ્યક્ષ પ.પૂ. મહંતસ્વામી મહારાજની ઉપસ્થિતિમાં રોબિન્સવિલમાં છેલ્લાં દોઢ મહિનાથી ઉજવાઇ રહેલાં ‘પ્રેરણાના મહોત્સવ’ (‘ફેસ્ટિવલ ઓફ ઈન્સપીરેશન્સ’) અંતર્ગત 25 ઓગસ્ટે પ્રમુખસ્વામી મહારાજને શ્રદ્ધાંજલિ અર્પતાં વિશિષ્ટ કાર્યક્રમમાં હજારો હરિભક્તો ભાવવિભોર બન્યા હતા. પ.પૂ. મહંતસ્વામી મહારાજે પ્રમુખસ્વામી મહારાજ સાથેના તેઓના સંસ્મરણો અને દિવ્ય અનુભૂતિઓ વર્ણવી હતી. પ્રમુખસ્વામી મહારાજના નમ્રતા, નિસ્વાર્થ પ્રેમ અને અન્ય અનેક કલ્યાણકારી ગુણોના મૂળમાં તેઓનું ભગવાન સાથે નિરંતર અનુસંધાન હતું. આ કાર્યક્રમમાં અનેક સંતોએ પ્રમુખસ્વામી મહારાજ સાથેના તેઓના અંગત અનુભવો અને સંસ્મરણોની હૃદયસ્પર્શી સ્મૃતિઓ રજૂ કરી હતી.
વિદ્વાન વક્તા સંત પૂ. અક્ષરવત્સલદાસ સ્વામીએ જણાવ્યું, ‘જેમ કોઈ વ્યક્તિ પુષ્પને હાથમાં રાખીને બાજુ પર મૂકી દે તો પણ પુષ્પની સુગંધ તો હાથમાં રહી જાય છે તેમ પ્રમુખસ્વામી મહારાજના ક્ષણિક સંપર્કમાં આવનારને પણ તેઓના દિવ્ય ગુણોનો સ્પર્શ થઈ જતો.’
વરિષ્ઠ સંત સદગુરુ પૂ. ઈશ્વરચરણદાસ સ્વામીએ પ્રમુખસ્વામી મહારાજની નમ્રતાના ગુણ માટે જણાવ્યું, ‘સમગ્ર જીવનકાળ દરમિયાન અનેકવિધ મહાનતમ સિદ્ધિઓ પ્રાપ્ત કરી હોવા છતાં પ્રમુખસ્વામી મહારાજ હંમેશા સઘળી સિદ્ધિઓનું શ્રેય ભગવાનને આપી દેતા.’
પ.પૂ. મહંતસ્વામી મહારાજે પ્રમુખસ્વામી મહારાજ સાથેના તેઓના પ્રસંગોની સ્મૃતિઓ કરતાં જણાવ્યું, ‘પ્રમુખસ્વામી મહારાજ સદા અહંશૂન્ય વર્ત્યા. દાયકાઓ પહેલાં તેમણે લીધેલી સેવાની પ્રતિજ્ઞા તેઓએ જીવનની પ્રત્યેક ક્ષણ નિભાવી જાણી. આપણે સૌ સાક્ષી છીએ કે તેઓ કેવું જીવી ગયા અને સંતો અને ભક્તો માટે કેટલું કર્યું! તેઓ અસામાન્ય હતા, પરંતુ સરળ થઈને વર્ત્યા. તેમણે કરેલું પ્રત્યેક કાર્ય ભાવિ પેઢીઓને ઉજાળતું રહેશે. દિવસ કે રાતની પરવા કર્યા વિના, શારીરિક તકલીફોને ગણકાર્યા વિના તેઓ ભક્તોની વચ્ચે વિચરતા રહ્યા.’
નેટસન હોટેલ ગ્રૂપના સીઈઓ સુભાષ સામ પટેલે સ્વાનુભવ રજૂ કરતાં કહ્યું કે જ્યારે તેઓ પોતે તેઓની એન્જિનિયરિંગ ક્ષેત્રમાં કારકિર્દીને લઈને દ્વિધામાં હતા, ત્યારે પ્રમુખસ્વામી મહારાજે તેઓને વ્યવસાયમાં ઝંપલાવવા માર્ગદર્શન આપ્યું હતું. તેમણે કહ્યું કે મારી સફળતા પ્રમુખસ્વામી મહારાજના સૂચન-માર્ગદર્શનને આભારી છે.
ડેની ગાયકવાડ ડેવલપમેન્ટ્સ એન્ડ ઈન્વેસ્ટમેન્ટ્સના સ્થાપક દિગ્વિજય ડેની ગાયકવાડે પોતાનો અનુભવ રજૂ કર્યો. ભૂતપૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટન ગાંધીનગર અક્ષરધામમાં પ્રમુખસ્વામી મહારાજની મુલાકાતે આવ્યા ત્યારે ગાયકવાડ અમેરિકી પ્રતિનિધિ મંડળમાં સાથે હતા. તે સમયે થોડી ક્ષણો માટે પ્રમુખસ્વામી મહારાજ અને બિલ ક્લિન્ટન કોઈ દુભાષિયાની મદદ વગર પોત-પોતાની સ્થાનિક ભાષામાં જ વાર્તાલાપ કરી રહ્યા હતા, તે ક્ષણો ગાયકવાડ માટે અચરજ ઉપજાવનારી હતી. તેમણે પોતાનો અનુભવ જણાવતાં કહ્યું, તેઓ બંને અલગ ભાષાઓ બોલી રહ્યા હતા, પરંતુ તેવું લાગી રહ્યું હતું કે તેઓ સઘળું સમજી રહ્યા છે. આવું ત્યારે જ બની શકે કે જ્યારે તમે કાં તો સ્વયં ભગવાન હો અથવા ભગવાનની સમીપ હો. સાઉથ એશિયન ટાઈમ્સના સ્થાપક કમલેશ મહેતાએ સ્વાનુભાવ વર્ણવતાં કહ્યું, ‘પ્રમુખસ્વામી મહારાજનો પ્રેમાળ સ્પર્શ અને તેમની કરુણાસભર આંખોનું હું હંમેશા સ્મરણ કરું છું. હું દ્રઢપણે એવું માનું છું કે તેઓના આ દિવ્ય સંસ્મરણોના પ્રભાવને કારણે હું સારો માનવી બની શક્યો છું.’
પૂર્ણતાના આરે આવીને ઉભેલું બીએપીએસ સ્વામિનારાયણ અક્ષરધામ જેનું ઓકટોબર 2023માં ઉદઘાટન થવાનું છે, તે પ્રમુખસ્વામી મહારાજનો સંકલ્પ હતો. તેમની દીર્ધદ્રષ્ટિ અને માર્ગદર્શનથી પ્રેરિત આ અક્ષરધામમાં પ્રત્યેક સ્વયંસેવક અભૂતપૂર્વ સમયદાન દ્વારા, નિસ્વાર્થ સેવા દ્વારા, શાશ્વત શાંતિ અને મૂલ્યોના ધામ એવા અક્ષરધામના પ્રેરણામૂર્તિ પ્રમુખસ્વામી મહારાજને ભવ્ય અંજલિ આપી રહ્યો છે. પ્રમુખસ્વામી મહારાજનો ઉદાત્ત મૂલ્યવારસો આજે પણ જીવંત છે, તે આ કાર્યક્રમ દ્વારા સૌ કોઈએ અનુભવ્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter