BAPS શ્રી સ્વામીનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી હાલ નેનપુર ખાતે બિરાજમાન છે. તેમની નિશ્રામાં તા. ૨૨ ડિસેમ્બર, ૨૦૨૦ને મંગળવારે બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના ૯૯મા જન્મજયંતી મહોત્સવની શાનદાર ઊજવણી કરવામાં આવી હતી. પૂ. મહંત સ્વામી અને જુદા જુદા સ્થળોએ રહેલા અન્ય સંતોને વર્ચ્યુઅલ ટેક્નોલોજીના માધ્યમથી એક જ મંચ પર લાવીને પ્રસ્તુત થયેલા આ કાર્યક્રમને લાખો ભક્તોએ ઓનલાઈન પ્રસારણ દ્વારા માણ્યો હતો અને સ્વામીશ્રીનાં ચરણે ભાવઅર્ઘ્ય અર્પણ કર્યું હતું.
પ્રાચીન ભારતના મહાન ઋષિઓએ સાચા સંતને નીરખવાની એક શાશ્વત દૃષ્ટિ આપી છે. એટલે જ જાણે સમગ્ર જન્મજયંતીનો કાર્યક્રમ પ્રાચીન ભારતના એવા ઋષિઓની તપોભૂમિ હિમાલયમાં, એવા ઋષિઓના સાનિધ્યમાં, એવા સાચા ગુણાતીત સંત પ્રમુખ સ્વામી મહારાજનો આ જન્મજયંતીનો મંચ રચવામાં આવ્યો હતો. આધુનિક સમયના એવા જ ઋષિ તુલ્ય મહાન સંતોએ એવી દૃષ્ટિ આપીને પૂ. પ્રમુખ સ્વામી મહારાજને નીરખવાનો એક અનોખો દૃષ્ટિકોણ આપ્યો છે. જેમાં તેઓની પારદર્શિતા, પવિત્રતા, શાંતિદાયક પ્રશાંત સ્થિતિ, સંસ્કૃતિ સેવા, જન જન પ્રત્યે નિ:સ્વાર્થ પ્રેમ અને નિરાળી ભગવાનમય પ્રતિભાનું દર્શન થાય છે. પૂ. ચિદાનંદજી મહારાજ, પૂ. આત્માનંદજી, પૂ. સત્યમિત્રાનંદગિરિજી, પૂ. પેજાવર સ્વામી શ્રી વિશ્વેશતીર્થજી મહારાજ, પૂ. બાલગંગાધરનાથજી વગેરે આધુનિક યુગના મહાન સંતોનાં સ્વનુભાવોના કથન પર બી.એ.પી.એસ. સ્વામીનારાયણ સંસ્થાના વિદ્વાન સંતોએ અદ્ભુત અને મનનીય વક્તવ્યોનો લાભ આપ્યો હતો.
અંતે પૂ. મહંત સ્વામી મહારાજે આશીર્વચન પાઠવ્યા હતાં. તેમણે ‘વચનામૃતમ બ્રહ્મસૂત્ર સ્વામીનારાયણ ભાષ્ય’નું વિમોચન પણ કર્યું હતું. અક્ષરદેરીમાં વૈદિક મંત્રગાન, માંગલિક નૃત્યો, મંત્રપુષ્પાંજલિ, આરતી વગેરેથી આ કાર્યક્રમ વિશેષ અલંકૃત બન્યો હતો.