અમદાવાદ: બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના વરિષ્ઠ સંતવર્ય પૂજ્ય બ્રહ્મવિહારીદાસજી સ્વામીએ પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી (પીએમએસ 100) સમારોહનું વ્યક્તિગત રીતે ઉદ્ઘાટન કરવા બદલ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ અને વિશ્વભરના બીએપીએસ વતી વડા પ્રધાન નરેન્દ્ર મોદીની રૂબરૂ મુલાકાત લઈને હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
વડા પ્રધાન મોદીએ કહ્યું કે, આ એક અનોખું, વિશાળ અને કોઈ પણ પ્રકારની મુશ્કેલી વિનાનું સુનિયોજિત આયોજન હતું. નોંધનીય છે કે, અમદાવાદમાં એક મહિના સુધી 600 એકરમાં શતાબ્દિ સમારોહની ઉજવણીનું આયોજન કરાયું હતું અને તેનું સંચાલન 80,000 નિઃસ્વાર્થ સ્વયંસેવકો દ્વારા કરાયું હતું. એટલું જ નહીં, સમગ્ર વિશ્વમાંથી 12.1 મિલિયનથી વધુ લોકોએ આ મહોત્સવમાં હાજરી આપી હતી. સાથોસાથ સોશિયલ મીડિયા દ્વારા પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજની પ્રેરણા અને સંદેશાઓ અબજો લોકો સુધી પહોંચ્યા હતા. જ્યાં ઉત્સવ યોજાયો હતો તેવા મેદાનને ફરીથી યથાવત કરીને ખેડૂતોને તેમની જમીન પાછી આપવામાં આવી છે.
વડા પ્રધાન સાથેની બેઠક દરમિયાન સ્વામી બ્રહ્મવિહારીદાસજીએ અબુ ધાબીમાં આગામી બીએપીએસ હિંદુ મંદિર વિશે વડા પ્રધાનને વાકેફ કર્યા હતા. વડા પ્રધાને સમગ્ર મંદિરમાં પ્રસ્થાપિત કરવામાં આવનારા 300 હાઇ-ટેક સેન્સર અંગે ઉંડો રસ દાખવ્યો હતો, આ સેન્સર એવા છે કે, જે વિવિધ બાબતોની સાથે સાથે દબાણ, તાપમાન ઉપરાંત ભૂગર્ભીય હીલચાલોની પણ દેખરેખ રાખી તત્કાલ ડેટા પૂરો પાડે છે.
મંદિરની સૌથી વિશેષતા એ છે કે, અહીં હિંદુ સંસ્કૃતિ, જુદા જુદા અવતાર અને ઋષિઓની અનેક માહિતીઓ, પ્રાચીન સભ્યતા-સંસ્કૃતિ અંગેની સાંસ્કૃતિક અને નૈતિક મૂલ્યની વાર્તાઓ કલાત્મક કોતરણી દ્વારા દર્શાવવામાં આવી છે. ‘વસુધૈવ કુટુંબકમ’ પ્રત્યે મંદિરનો અભિગમ એ તમામ લોકોની પૃષ્ઠભૂમિ અથવા માન્યતાઓને ધ્યાનમાં લીધા વિના એકતા અને સંવાદિતાને પ્રોત્સાહન આપવાની પ્રતિબદ્ધતાનો સાચો પુરાવો છે.
આધ્યાત્મિક કૃતજ્ઞતાના સ્વરૂપ તરીકે, સ્વામી બ્રહ્મવિહારીદાસજીએ વડા પ્રધાનના કાંડા પર નાડાછડી બાંધી હતી. વડા પ્રધાને પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ સાથેના તેમના અંગત અનુભવો શેર કર્યા હતા અને કેવી રીતે પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજ તેમને આશ્વાસન આપતા કે ભગવાન હંમેશા તેમનું માર્ગદર્શન અને રક્ષણ કરશે અને દેશ-વિશ્વની વ્યાપક સેવા કરવા માટે શક્તિ પ્રદાન કરશે તેવા આશીર્વચનો વાગોળ્યા હતા.
સ્વામી બ્રહ્મવિહારીદાસજીએ પણ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના આશીર્વાદ પાઠવ્યા હતા અને વડા પ્રધાનને માત્ર રાષ્ટ્રનું નેતૃત્વ કરવા પુરતું જ નહીં, પરંતુ વૈશ્વિક શાંતિ સ્થાપવા માટે વિશ્વના નેતાઓને એક કરવા માટે પણ તેમના પ્રયત્નો ચાલુ રાખે તેવા આશીર્વચન પાઠવ્યા હતા. G20ના આ વર્ષમાં વિશ્વના ભવિષ્યના નિર્માણમાં આપણા વડાપ્રધાનની પ્રભાવશાળી ભૂમિકા અને માનવતા સામેના પડકારોનો સામનો કરવા માટે રાષ્ટ્રો વચ્ચે એકતા અને સહકારને પ્રોત્સાહન આપવાના મહત્વને રેખાંકિત કરે છે.
સ્વામી બ્રહ્મવિહારીદાસજીએ યુનિવર્સિટી ઓફ કોલંબિયાના પત્રકારત્વના તજજ્ઞ, લેખક, પ્રોફેસર યોગી ત્રિવેદી દ્વારા રચિત પુસ્તક “ઈન લવ, એટ ઈઝ: એવરી ડે સ્પિરિચ્યુઆલિટી વિથ પ્રમુખ સ્વામી”ની પ્રત વડા પ્રધાનને ભેટ આપી હતી. આ બેઠકમાં સમુદાયના સમર્થન અને સરકારી સહકાર દ્વારા વિકાસશીલ રાષ્ટ્રોમાં સાંસ્કૃતિક અને આધ્યાત્મિક મૂલ્યોની મહત્વપૂર્ણ ભૂમિકા પર ભાર મૂકાયો હતો. એકંદરે, આ બેઠક પરમપૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના ઉપદેશોની કાયમી અસર અને બધા માટે વધુ શાંતિપૂર્ણ અને સમૃદ્ધ ભવિષ્ય બનાવવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સતત પ્રયત્નોની સાબિતી સમાન હતી.