અમદાવાદ: પૂ. પ્રમુખસ્વામી મહારાજે શીખવ્યું છે કે જીવનનું સર્વોચ્ચ લક્ષ્ય સેવા અને માનવસેવા જ હોવી જોઈએ. તેમણે સમાજહિત માટે બધાને પ્રેરિત કર્યા છે. આ શબ્દો છે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના. 14 ડિસેમ્બરે નમતી સાંજે પ.પૂ. મહંતસ્વામી મહારાજ સાથે પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવનો શુભારંભ કરાવતા વડા પ્રધાન મોદીએ પ્રમુખસ્વામી મહારાજ સાથેનાં સંસ્મરણો તાજા કર્યા હતાં. પ્રમુખસ્વામી મહારાજને પિતાતુલ્ય ગણાવતા તેમણે કહ્યું હતું કે મારું સૌભાગ્ય છે કે આજે મને સત્સંગી બનવાનો અવસર મળ્યો છે. ભારતનો પ્રત્યેક રંગ અહીં દેખાય છે. સંતોની કલ્પનાનું આ સામર્થ્ય છે.
પ્રમુખસ્વામીની જન્મ શતાબ્દી નિમિત્તે અમદાવાદમાં એસપી રિંગરોડ પર ઓગણજ નજીક સાકાર થયેલા પ્રમુખસ્વામી નગરના ઉદ્ઘાટન સાથે જ એક મહિનો ચાલનારા મહોત્સવનો પ્રારંભ થયો હતો.
આશરે સવા લાખ હરિભક્તો અને આમંત્રિત મહેમાનોની જનમેદનીને સંબોધતા વડા પ્રધાને જણાવ્યું હતું કે પ્રમુખસ્વામી મારા પિતાતુલ્ય હતા. ત્યારે આ કાર્યક્રમમાં સાક્ષી બનવાનું, સાથી બનવાનું, સત્સંગી બનવાનું મને સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. અહીં દિવ્યતાની અનુભૂતિ છે અને સંકલ્પોની ભવ્યતા છે. આ શતાબ્દી મહોત્સવમાં ભારતનો હરએક રંગ દેખાય છે. આ આયોજન આવનારી પેઢીને પ્રેરિત કરશે.
પ્રમુખસ્વામી મહારાજના વિચારો શાશ્વત, સાર્વભૌમિક
વડા પ્રધાને પ્રમુખસ્વામી વિશેના સંસ્મરણો જણાવતાં કહ્યું કે યુએનમાં પણ શતાબ્દી મહોત્સવ મનાવાય એ ઘટના એ વાતનો પુરાવો છે કે તેમના વિચારો કેવા શાશ્વત, સાર્વભૌમિક છે. આપણી મહાન પરંપરા રહી છે વેદથી વિવેકાનંદ સુધીની. આ ધારાને પ્રમુખસ્વામી જેવા સંતોએ આગળ વધારી છે. અને આ જ ભાવના આ મહોત્સવમાં જોવા મળે છે. આપણી સંત પરંપરા સમગ્ર વિશ્વને જોડવા માટે વસુધૈવ કુટુંબકમની સાર્થક ભાવનાને ચરિતાર્થ કરે છે. બાલ્યકાળથી પ્રમુખસ્વામીને દૂરથી જોતો હતો પરંતુ 1981માં પ્રથમ વખત તેમની સાથે એકલામાં સત્સંગનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું.
એ પહેલી મુલાકાતમાં તેમણે માત્ર સેવા અને માનવસેવા પર જ વાત કરતા રહ્યાં. પ્રમુખસ્વામીએ જીવનનું સર્વોચ્ચ લક્ષ્ય સેવા જ હોવું જોઈએ અને જીવનના છેલ્લા શ્વાસ સુધી સેવા કરતા રહેવું જોઈએ તે શીખવ્યું છે. મહાન વૈજ્ઞાનિક અબ્દુલ કલામને પણ તેમની પાસેથી કંઈક મળતું હતું અને મારા જેવા સામાજિક કાર્યકરને પણ કંઈક મળતું રહેતું હતું. આ તેમની આધ્યાત્મિક વિશાળતા હતી. તેઓ હંમેશા લોકોની અંદરના સારાપણાને પ્રોત્સાહિત કરતાં રહેતા. તેમણે સમાજહિત માટે બધાને પ્રેરિત કર્યા હતા. અક્ષરધામ પર આતંકી હુમલા જેવી સંકટની ઘડીએ તેઓ સ્વસ્થ રહી શકતા હતા તો યોગીજી મહારાજની યમુનાના કાંઠે મંદિર બનાવવાની ઈચ્છાના શબ્દોને પણ તેઓ જીવ્યા અને દિલ્હીમાં અક્ષરધામ બનાવ્યું. તેમણે સાળંગપુરમાં રહીને ઉત્તમ પ્રકારના સંતપરંપરાના નિર્માણમાં ઈન્સ્ટિટ્યૂશનલ મિકેનિઝમ ઉભું કર્યું છે. બાપાએ કદી દેવભક્તિ અને દેશભક્તિમાં ફર્ક નહોતો કર્યો.
પ્રમુખસ્વામીએ આપેલી સૌથી મોટી ભેટ છે ઘરસભા: મુખ્યમંત્રી
શતાબ્દી મહોત્સવના ઉદ્ધાટન પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે ભારતીય સંસ્કૃતિના ત્રણ આધારસ્તંભ છે સંત, શાસ્ત્ર અને મંદિર. પ્રમુખસ્વામી મહારાજે આ ત્રણેય સ્તંભોને મજબૂત કરવાનું અને સુશિક્ષિત કરવાનું કાર્ય કર્યું છે. તેમણે માનવસમાજને જો કોઈ સૌથી મોટી ભેટ આપી હોય તો તે ઘરસભાની ભેટ છે. પારિવારિક સમસ્યા સામે તે અદ્દભુત ક્રાંતિ સર્જી શકે તેમ છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે પ્રમુખસ્વામીનો જન્મોત્સવ એ આપણા પરનું તેમનું ઋણ ચૂકવવાનો અવસર છે. મુખ્યમંત્રીએ વડાપ્રધાન મોદીના નેતૃત્વ હેઠળ ‘બહુજન હિતાય, બહુજન સુખાય’ના મંત્ર સાથે ‘સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસ’થી ગુજરાતના વિકાસ માટે અવિરત કાર્ય કરતા રહીશું તેવી પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.