નીસડન મંદિર તરીકે જાણીતા વિખ્યાત BAPS સ્વામીનારાયણ મંદિર, લંડન ખાતેના નવા NHS વેક્સિનેશન સેન્ટરની હોમ સેક્રેટરી પ્રીતિ પટેલે ૩જી ફેબ્રુઆરીએ મુલાકાત લીધી હતી. મંદિરની સામે બ્રેન્ટફિલ્ડ રોડ પર આવેલી સ્વામીનારાયણ સ્કૂલના પ્રિમાઈસીસમાં મંદિર દ્વારા આ વેક્સિનેશન સેન્ટર શરૂ કરાયું છે.
સેન્ટર પર ૨જી ફેબ્રુઆરીથી બ્રેન્ટમાં જીપી પ્રેક્ટીસીસ અને સર્વિસીસને સપોર્ટ કરતી જીપીના નેતૃત્વ હેઠળની સંસ્થા K & W Healthcare દ્વારા વેક્સિન આપવાની કામગીરીનો પ્રારંભ થયો હતો.
પોતાની મુલાકાત અંગે હોમ સેક્રેટરી પ્રીતિ પટેલે જણાવ્યું હતું,‘અહીં વેક્સિનેશન પ્રોગ્રામ માટે થઈ રહેલા ઉત્તમ પ્રયાસોને નિહાળીને મને ખૂબ આનંદ થયો છે. હું દરેક હેલ્થ કેર પ્રોફેશલ્સથી લઈને NHSના તમામ પ્રતિનિધિઓ અને આર્મી તેમજ વેક્સિન લેવા માટે સેન્ટર પર આવેલા લોકોને મળી હતી. હું તમારો સૌનો અને ખાસ કરીને આ રાષ્ટ્રીય પ્રયાસને શક્ય બનાવવા બદલ વોલન્ટિયર્સનો આભાર માનું છું. આ શ્રેષ્ઠ પ્રયાસ છે જેનાથી લોકોની જીંદગી બચે છે. આપ વેક્સિન લેશો એટલે આપની જીંદગી બચશે અને વેક્સિનથી અન્ય લોકોની જીંદગી પણ બચશે.’
આ સુવિધા ઉભી કરવા માટે મંદિર દ્વારા વોલન્ટિયરિંગ સર્વિસ પૂરી પાડવામાં આવી છે. સેન્ટરને આ જગ્યા પણ કોઈ ચાર્જ લીધા વિના અપાઈ છે. ૧૫મી ફેબ્રુઆરી, ૨૦૨૧ સુધીમાં ચાર પ્રાયોરિટી ગ્રૂપને વેક્સિન આપવાના દેશના લક્ષ્યમાં યોગદાન માટે સેન્ટર દ્વારા દરરોજ લગભગ ૧,૨૦૦ લોકોને વેક્સિન અપાશે.
મહામારી દરમિયાન લોકલ કોમ્યુનિટીના જરૂરતમંદ લોકોને સપોર્ટ કરવા માટે મંદિર દ્વારા ચાલતા ‘કનેક્ટ એન્ડ કેર’ પ્રોગ્રામ ઉપરાંતની આ પહેલ છે. ગયા જૂન, ૨૦૨૦થી મંદિરના કાર પાર્કનો કોવિડ – ૧૯ એન્ટીજન ટેસ્ટીંગ માટે ઉપયોગ થઈ રહ્યો છે. તે ઉપરાંત, કોવિડ ટેસ્ટના સેમ્પલોની પ્રોસેસ માટે મોબાઈલ ક્લિનિકલ લેબોરેટરી પણ ડિસેમ્બર, ૨૦૨૦થી કાર્યરત છે.
મંદિર દ્વારા બીએએમઈ કોમ્યુનિટીઝમાં વેક્સિનેશનનું પ્રમાણ વધે તે માટે પ્રોત્સાહન પૂરું પાડવા માટે વેક્સિન અંગેની ખોટી માહિતી અને ખોટી માન્યતાઓેને દૂર કરવા સહિત સરકારની મહત્ત્વની ગાઈડલાઈન્સની દરરોજ ઈંગ્લિશ અને ગુજરાતીમાં માહિતી આપવામાં આવે છે.
પ્રેક્ટીસીંગ જીપી અને મંદિરના ટ્ર્સ્ટી ડો. મયંક શાહે જણાવ્યું કે મંદિરના આધ્યાત્મિક વડા પૂ. મહંત સ્વામીએ કોવિડ મહામારી સામેની દેશની લડાઈમાં મદદરૂપ થવા માટે તેમને સૌને પ્રેરણા પૂરી પાડી હતી. વેક્સિનેશન અભિયાનને સમર્થન આપવા અને તેમાં ભાગ ભજવવાની તક મળી તેનાથી તેઓ ખૂશ છે. તેઓ K & W Healthcare સાથે મળીને લોકલ કોમ્યુનિટીના હજારો લોકોને વેક્સિન આપવા ઉત્સુક છે.