ગુજરાત હિન્દુ સોસાયટી - પ્રેસ્ટન મદિરમાં તુલસીવિવાહનો માંગલિક પ્રસંગ ધામધૂમથી ઊજવાયો હતો. શુક્રવાર - કાર્તકી પૂર્ણિમાના રોજ યોજાયેલા આ પ્રસંગે ભગવાન શાલિગ્રામ (વિષ્ણુ) પક્ષે યજમાન નેહાબહેન શાહ અને આશિષભાઈ ગોર હતા. જ્યારે માતાજી તુલસીવૃંદા પક્ષે યજમાન ચંદ્રકાંતભાઈ દયાળભાઈ ધોળકિયા હતા. આ બન્ને યજમાને પોતાના દીકરા-દીકરીના લગ્ન હોઈ તે પ્રમાણે વિધિવિધાન સહિત આ પ્રસંગ દીપાવ્યો હતો.
ગણપતિ સ્થાપન, ગ્રહશાંતિ, સાંજીના ગીતો, જાનૈયા સહિત જાન, સામૈયા - વરમાળા, મંગલાષ્ટક, મંગળફેરા વગેરે ધાર્મિક વિધિ વેદોક્ત રીતે સંસ્થાના પૂજારી હસમુભાઈ પાઠકના હસ્તે સંપન્ન થઈ હતી. બંને યજમાને ગણપતિ સ્થાપના - ગ્રહશાંતિ કરી હતી ત્યારે મામા બનેલા દલુભાઈ સોલંકી અને વિજયભાઈ દવે મામેરું લઈને આવ્યા હતા. સાંજીના ગીત સમયે લેસ્ટરના નરેશ શર્મા ગ્રૂપે લગ્નગીત સહિત રાસ-ગરબાની રમઝટ બોલાવી હતી.
યજમાન દ્વારા લ્હાણી તેમજ અલ્પાહારની વ્યવસ્થા કરવામાં આવી હતી. ભગવાનના યજમાન જાનમાં કોચ દ્વારા હરિભક્તોને બ્લેકપુલ ફેરવી લાવ્યા હતા. જાનનું સામૈયું થયા બાદ લગ્નમંડપમાં બંને યજમાન દ્વારા ભગવાનનું પૂજન કરી લગ્નવિધિ શરૂ કરવામાં આવી હતી ત્યારે માતા તુલસીના મામા માતાજીને મંડપે લઈ આવ્યા હતા. મોટી સંખ્યામાં હરિભક્તો હાજર રહી ભગવાનના લગ્નના સાક્ષી બન્યા હતા. આ પ્રસંગે સંસ્થાએ ભોજનપ્રસાદીના દાતા અને ભગવાન શાલિગ્રામના યજમાન નેહાબહેન શાહ અને આશિષભાઈ તેમજ માતાજી પક્ષના યજમાન ચંદ્રકાંતભાઈ ધોળકિયાનો ખાસ આભાર માન્યો હતો. સાથે સાથે જ સ્વાદિષ્ટ રસોઈ તૈયાર કરનાર – પીરસનારથી લઇને સ્વચ્છતા જાળવવામાં મદદરૂપ થયેલા સ્વયંસેવકો તેમજ આ પવિત્ર પ્રસંગે કન્યાદાન – ચાંદલો કરીને ભગવાનના આશીર્વાદ મેળવી કૃતાર્થ થનાર સર્વે હરિભક્તો પ્રત્યે પણ આભારની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી.