પ્રેસ્ટનઃ ભગવાન શ્રીરામના જન્મદિન રામનવમીની ઊજવણી પ્રેસ્ટન મંદિરમાં યોજાઈ હતી. ભક્તજનો સવારથી જ ભગવાન રામના દર્શન કરવા મંદિરમાં આવવા લાગ્યા હતા. ભક્તોએ ભગવાન રામનો મહિમા ગાતા ભજનો માણ્યા હતા.
સવારના 11.45 કલાકે યજમાન દંપતી દલ્લુભાઈ અને ઊર્મિલાબહેન સોલંકી સરયુ જળની લોટી સાથે મંદિરમાં આવ્યાં હતાં અને પૂજારી હસમુખભાઈએ પૂજા કરાવી હતી. પૂજાવિધિ પછી સરયુજળ મંદિરમાં લઈ જવાયું હતું અને યજમાન મંજુબહેન, ઉષાબહેન અને પરિવારના હસ્તે સ્નાનવિધિ કરાઈ હતી. પૂજારીજીએ ભગવાન રામના જન્મ વિશે સમજ આપ્યા પછી યજમાન અમરતભાઈ અને નીલમબહેન પટેલના હસ્તે પટ્ટદર્શન કરાવાયા હતા.
પટ્ટદર્શન પછી યજમાન અમરતભાઈ, રમીલાબહેન લિંબાચીઆ અને પરિવાર દ્વારા રામમંદિર પર ધજા ચડાવાઈ હતી. યજમાન નરેશભાઈ અને નીલાબહેન પટેલના હસ્તે આરતી કરાયા પછી યજમાન આશીષભાઈ ગોર અને નેહાબહેન શાહે પારણુ ઝૂલાવાની વિધિ કરી હતી.
500થી વધુ ભક્તોએ ભગવાન શ્રીરામ પરિવારના દર્શન કરવા સાથે પારણામાં બાળ રામની મૂર્તિને ઝૂલાવી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. લલિતાબહેન નટવરલાલ સોલંકી અને પરિવાર દ્વારા દરેક ભક્તો માટે પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી. સાંજના સમયે ચૈત્રી નવરાત્રિના સમાપને માતાજીની આરતી કરવામાં આવી હતી.