પ્રેસ્ટનઃ હનુમાન જયંતિના પવિત્ર પ્રસંગે વહેલી સવારની આરતી અને હનુમાનજીના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે ગુજરાત હિન્દુ સોસાયટી (GHS) મંદિરમાં ભાવિકોનું આગમન શરૂ થઈ ગયું હતું. સાંજના સમયે યજમાન મનીષભાઈ ગુપ્તા અને પરિવારના હાથે હનુમાનજીની પૂજા કરવામાં આવી હતી. બીજી તરફ, ભક્તોએ મધૂર કંઠે હનુમાનજીના ભજનો ગાયા હતા. 11 વખત હનુમાન ચાલીસાના પાઠ અને યજનાનના હાથે આરતી પછી સાંજનું સમાપન થયું હતું.
રવિવારે સવારે 10.30 કલાકે હનુમાન ચાલીસાના 108 પાઠની શરૂઆત પૂજારીજીએ કરી હતી અને બોલ્ટનના મેરાઈ પરિવાર દ્વારા પાઠ આગળ વધારાયા હતા. ભક્તોને તેમના પરિવાર સાથે એક લાડુ પ્રસાદ ધરાવવાની છૂટ અપાઈ હતી. હનુમાન ચાલીસાના પાઠ દરમિયાન 108 લાડુ ધરાવાયા હતા. હનુમાન ચાલીસાના 108 પાઠ ગાવા વખતે 200થી વધુ ભક્તો બેઠા હતા અને સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું.
પ્રેસિડેન્ટ દશરથભાઈએ સેન્ટરની ધાર્મિક, સાંસ્કૃતિક અને સામાજિક પ્રવૃત્તિઓ સતત સાથ અને સહકાર આપવા બદલ તમામ ભક્તોની પ્રશંસા કરી આભાર માન્યો હતો. સમગ્ર દિવસ દરમિયાન સૂર્યનારાયણ ભગવાને પણ હાજરી નોંધાવી હતી.
મહિલાઓની સમર્પિત ટીમ દ્વારા સહુ ભક્તજનોને પ્રસાદ વહેંચવામાં આવ્યો હતો.