વડોદરાઃ સનાતન ધર્મનો ઘરે ઘરે પ્રચાર અને પ્રસાર કરવા માટે ગુજરાતી પરિવારો દ્વારા ફિનલેન્ડના હેલસિન્કી શહેર ખાતે ભક્ત પરિવારની સ્થાપના કરાઇ છે. ભક્ત પરિવાર દ્વારા આ ઉપક્રમે હનુમાન ચાલીસાના પાઠ અને સુંદરકાંડ પાઠનું આયોજન પણ કર્યું હતું. જેમાં 200થી વધુ ભક્તોએ લાભ લીધો હતો. ભક્ત પરિવારના કાર્યકર્તા નિશાંત પંડ્યાએ જણાવ્યું હતું કે, ભક્ત પરિવાર દ્વારા દર મહિનાના બીજા અને ચોથા શનિવારે હનુમાન ચાલીસાના સામૂહિક પાઠનું ઘરે ઘરે આયોજન કરાઈ રહ્યું છે. તેમજ તેની સાથે વિવિધ ધાર્મિંક કાર્યકર્મો પણ કરવામાં આવે છે, અંતર્ગત ફિનલેન્ડના હેલસિન્કી શહેર ખાતે જાહેર સુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સુંદરકાંડ પૂજા, સામુહિક સુંદરકાંડ પાઠ, બાળ ભક્તો દ્વારા રામાયણની ચોપાઇનું પઠન, આરતી, સામુહિક ગરબા તેમજ બાળ ભક્તોને ગિફ્ટ વિતરણનું આયોજન કરાયું હતું.
ગુજરાત ઉપરાંત ભારતમાંથી મોટી સંખ્યામાં યુવાનો વિદેશમાં અભ્યાસ અર્થે જઈને ત્યાં જ વસે છે. અને મોટા ભાગે તેમનું સંપૂર્ણ જીવન ત્યાં જ વિતાવતા હોય છે, જેમાં યુવાનો ભારતની સનાનત સંસ્કૃતિથી અળગા થઈ જતા હોય છે. વિવિધ તહેવારો તેમજ રીત-રિવાજો કેવી રીતે ઉજવવા તે અંગે પણ થોડી જ જાણકારી હોય છે. તેવામાં ગુજરાત સહિત દેશભરના યુવાનોમાં સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિનું વિદેશની ધરતી પર પણ જતન કરવામાં આવે તેવા ઉદ્દેશ્યથી ભક્ત પરિવાર કાર્ય કરી રહ્યું છે.