કન્ઝર્વેટિવ પાર્ટીના લીડરશિપ કેન્ડિડેટ રિશી સુનકે PMપદની દાવેદારી મજબૂત કરતા જણાવ્યું હતું કે, ‘‘હું એવી સરકાર બનાવવા માંગુ છું કે જેના પર તમે ગર્વ અનુભવી શકો. અમે ફુગાવાના તાત્કાલિક પડકારોમાંથી સફળતાપૂર્વક પસાર થઈશું. તમે મને તે કરતા જોયો છે, મારી પાસે ક્ષમતા છે, મારી પાસે આ દેશને મુશ્કેલ સમયમાંથી પસાર કરવાનો અનુભવ છે. હું એક એવો બ્રિટન બનાવવા માગું છું જ્યાં અમારા બાળકો રાત્રે શેરીઓમાં સુરક્ષિત રીતે ચાલી શકે. એક એવો બ્રિટન જ્યાં અમારી અર્થવ્યવસ્થા સૌથી વધુ ગતિશીલ હોય.”
કન્ઝર્વેટિવ ફ્રેન્ડ્સ ઓફ ઇન્ડિયાએ હેરોમાં ધામેચા લોહાણા સેન્ટર ખાતે પોતાના સભ્યો માટે રિશી સુનાક સાથે પ્રશ્ન-જવાબ સત્રનું આયોજન કર્યું હતું. સમગ્ર દેશમાંથી 650થી વધુ CF ઈન્ડિયાના સભ્યો હાજર રહ્યા હતા. ગયા અઠવાડિયે લીડરશિપ ફાઇનલિસ્ટ લિઝ ટ્રસ સાથેના પ્રશ્ન અને જવાબ સત્ર બાદ, CF ઇન્ડિયાએ સભ્યો માટે તેમના નેતૃત્વ હસ્ટિંગ પ્રોગ્રામના ભાગરૂપે રિશી સુનાક સાથે આ વિશિષ્ટ સત્ર યોજ્યું હતું.
CF ઈન્ડિયાના સ્થાપક લોર્ડ ડોલર પોપટે જણાવ્યું કે, તેમણે 2012માં ભૂતપૂર્વ વડા પ્રધાન ડેવિડ કેમેરોન સાથે CF ઈન્ડિયાની શરૂઆત કરી હતી. લોર્ડ પોપટે સંસ્થાને કન્ઝર્વેટિવ પાર્ટી માટે સૌથી મોટું સંલગ્ન જૂથ બનાવવામાં સમર્થન બદલ સભ્યોનો આભાર માનતા જણાવ્યું કે, આ જૂથ પાર્ટી માટે સ્થાનિક ચૂંટણીઓ સહિત સામાન્ય ચૂંટણીઓમાં ચૂંટણીલક્ષી સફળતામાં મદદ કરે છે. ખાસ કરીને મેની ચૂંટણીમાં હેરોમાં મળેલી સફળતા નોંધપાત્ર છે. લોર્ડ પોપટે સંસ્થાને આ સ્તરે લઈ જવા માટે સીએફ ઈન્ડિયા કો-ચેર રીના રેન્જર OBE અને અમીત જોગિયા MBEના ઉત્કૃષ્ટ કાર્યને પણ બિરદાવ્યું હતું.
અમીત જોગિયાએ રિશી સુનાકનું સ્વાગત કર્યું. અમીતે લાંબા સમયથી સભ્ય તરીકે CF ઇંડિયા માટે રિશીના સમર્થનને બિરદાવતા કન્ઝર્વેટિવ પાર્ટીને ઈતિહાસમાં સૌથી વધુ વૈવિધ્યસભર પાર્ટી બનાવવાની જબરદસ્ત સફળતાની પણ વાત કરી.
રિશી એ પછી તમામ 650 સભ્યોને વ્યક્તિગત રીતે મળવા અને તેમની સાથે ફોટો લેવા માટે આખી સાંજ રોકાયા હતા. પાર્ટીના સભ્યો પાસે મતદાન માટે 2 સપ્ટેમ્બર સુધીનો સમય છે અને પરિણામ 5 સપ્ટેમ્બરે જાહેર કરવામાં આવશે.
રીના રેન્જરે પ્રશ્નોત્તરી સત્રનું નેતૃત્વ કર્યું. રિશીએ વડા પ્રધાન તરીકે દેશ માટેના તેમના વિઝન પર વાત કરી હતી. આ પ્રશ્નોત્તરીના અંશોઃ
• યુકે-ભારત સંબંધો માટે તમારું વિઝન શું છે? ચીન વિશે તમારા વિચારો?
યુકે અને ભારતના સંબંધો દેખીતી રીતે બહુ જ મહત્વપૂર્ણ છે. અમે અહીંયા બે દેશો વચ્ચેના જીવંત પુલનું પ્રતિનિધિત્વ કરીએ છીએ. વાસ્તવમાં, આપણે સંબંધોને અલગ રીતે જોવાની જરૂર છે. કારણ કે અહીં યુકેમાં આપણે ભારત પાસેથી ઘણું શીખી શકીએ છીએ. હું એ સુનિશ્ચિત કરવા માંગુ છું કે અમારા વિદ્યાર્થીઓ માટે પણ અભ્યાસ અને શીખવા માટે ભારતની મુસાફરી કરવી સરળ બને. આ માત્ર એકતરફી સંબંધ નહીં બની રહે. અમારા વ્યવસાયો દ્વારા ભવિષ્યના ઉત્પાદનો, સેવાઓ અને નોકરીઓનું સર્જન થશે.
ચીન ચીની કમ્યુનિસ્ટ પાર્ટીનું પ્રતિનિધિત્વ કરે છે જે આપણી અર્થવ્યવસ્થા માટે સૌથી મોટા ખતરાસમાન છે. આપણે એલર્ટ રહેવાની જરૂર છે. હું દેશના મૂલ્યો અને હિતોની રક્ષા માટે ખૂબ જ મજબૂત બનીશ. હોંગકોંગમાં લોકોના અધિકારો માટે ઊભા રહેવાની વાત હોય કે આપણી ટેક્નોલોજીની ચોરી રોકવા માટે કાયદા લાવવાની વાત હોય, તમારા વડા પ્રધાન તરીકે, આપણા પરિવારો અને આપણો દેશ સર્વોપરિ રાખવા હું બધું જ કરીશ.
• વધુ યુવાનોને આકર્ષવા માટેનું તમારું વિઝન?
અત્યારે, અહીં ઘણા યુવાનો અથવા તમારા સંતાનો અથવા તમારા પૌત્ર-પૌત્રો હશે કે જેઓ ભાડાં તરીકે ઘણું ચૂકવી રહ્યા છે. વાસ્તવમાં, તેમની મોર્ગેજની ચૂકવણી ભાડાંની ચુકવણી કરતાં ઓછી હોઈ શકે છે.
તેથી મેં ચાન્સેલર તરીકે પ્રથમ વખતના યુવાન ખરીદદારો માટે એક નવું પ્લાન બનાવ્યો - 95 ટકા ગેરંટી મોર્ગેજ. હું વડા પ્રધાન તરીકે આ નીતિને ટર્બોચાર્જ કરવા માગું છું.
• તમે જીવન સંકટના ખર્ચને કેવી રીતે હલ કરવા જઈ રહ્યા છો?
આ પાનખર અને શિયાળામાં, આપણા દેશના લાખો પરિવારો અસાધારણ રીતે મુશ્કેલ સમયમાંથી પસાર થવાના છે. મારી પાસે અનુભવ છે, ફુગાવાના તાત્કાલિક પડકારોમાંથી આપણે સફળતાપૂર્વક પસાર થઈશું. કન્ઝર્વેટિવ સરકાર સમાજમાં સૌથી વધુ નબળા લોકોને વધારાની સહાય પૂરી પાડશે. સૌથી ઓછી આવક ધરાવતા લોકો કે જેઓ શારીરિક રીતે વધુ મહેનત કરી શકતા નથી એવા સંવેદનશીલ લોકોને વધારાની મદદ પર ધ્યાન કેન્દ્રિત કરીશ. મારો મત એ છે કે આપણે તે લોકોને સીધી નાણાકીય મદદ કરવી જોઈએ.
• શાળાઓ, શિક્ષણ, પોલીસ અને NHS માટે તમારું વિઝન શું છે?
આપણે એ સુનિશ્ચિત કરવાની જરૂર છે કે કોઇ પણ વ્યક્તિ તેમના જીવનના કોઈ પણ તબક્કે મહેનત કરવા માટે તૈયાર હોય તો અમારી સરકાર તે વ્યક્તિને મદદ કરશે. તેમને શિક્ષણ સુવિધા પણ પૂરી પાડવામાં આવશે. હું એક એવી શિક્ષણ પ્રણાલી બનાવીશ જે દરેક માટે તક પૂરી પાડે.
હું માનું છું કે આપણે આ દેશમાં એવી શિક્ષણ પ્રણાલી ઉભી કરવી જોઈએ જે વિશ્વમાં સર્વશ્રેષ્ઠ હોય.
આપણે એ સુનિશ્ચિત કરવાની જરૂર છે કે આપણા સંતાનો રાત્રે શેરીઓમાં સલામત રીતે ફરી શકે. NHS એ દેશની સૌથી મહત્વપૂર્ણ જાહેર સેવા છે. NHS જ્યારે પણ જરૂર હોય ત્યારે આપણા બધા માટે કાર્યક્ષમ હોય. એના માટે હું તમારો ટેક્સ કાપવા માંગુ છું. તો એનો અર્થ એ છે કે જ્યારે તેને સુધારવાની વાત આવે ત્યારે આપણે હિંમતવાન બનવું પડશે.