‘ગુજરાતી સંગીત સંધ્યા’ મેઘધનુષ્યના સાત રંગ અને સૂરોથી હેરોના આર્ટ્સ સેન્ટરમાં ગુજરાત ખડું થઈ ગયું હતું. રવિવાર ૨૫ સપ્ટેમ્બર ૨૦૧૬ની સાંજે સાત મિત્રોએ મળીને યોજેલી આ સાંજ ગુજરાતના અમરેલી જિલ્લાના બગસરા ગામના બાળકોની સુખાકારી અને વિકાસના લાભાર્થે યોજાઈ હતી.
આ મિત્રોએ સાથે મળીને વિશ્વભરના ગરીબ-જરૂરતમંદ બાળકોના જીવનમાં બદલાવ લાવવાનું બીડું ઝડપ્યું અને અત્રેની શિશુકુંજ- જે બાળકોના ઉજ્જવળ ભાવિ માટે કાર્યરત છે એમના એક પ્રોજેક્ટ ‘બાળ કેળવણી મંદિર-બગસરા’માં પોતાનું અનુદાન આપવાના પ્રથમ કાર્યક્રમનું આયોજન કર્યું. જેને ખૂબ જ સારો પ્રતિસાદ મળતાં હેરો આર્ટ્સ સેન્ટર હાઉસફૂલ થઈ ગયું. ગુજરાતી સંગીતપ્રેમી તથા કરુણાપ્રેમી જનોના સાથ-સહકારથી £૫૦૦૦ની માતબર રકમ એકત્ર થઈ હતી. સૌને ધન્યવાદ!! ૧૯૩૧માં ‘બાલ કેળવણી મંદિર’ બગસરાની સ્થાપના પૂ. બાપુના આશીર્વાદથી શરૂ કરી હતી.