વારાણસીઃ જૈન એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુટ્સ સપોર્ટ (JEIS) અને બનારસ હિદુ યુનિવર્સિટી (BHU) વચ્ચેના એક કરાર અંતર્ગત સંસ્થા દ્વારા બનારસ હિંદુ યુનિવર્સિટીને જૈન અભ્યાસ માટેનું ભગવાન શ્રેયસનાથ જૈન સ્ટડી ફંડ ઊભું કરવા રૂપિયા 1.05 કરોડનું દાન અપાશે.
બનારસ હિંદુ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રોફેસર સુધીર કે. જૈન અને અન્ય સત્તાવાળાઓ સાથેની મુલાકાત બાદ કરારના અમલ માટે વાઇસ ચાન્સેલર દ્વારા ચાર સભ્યોની પ્રોગ્રામ કમિટીની રચના કરાઇ હતી. જેના ચેરમેન ફિલોસોફીના પ્રોફેસર મુકુલ રાજ રહેશે. તે ઉપરાંત, પ્રોફેસર પ્રદ્યુમન શાહ અને અશોક કુમાર જૈનને પણ સભ્ય તરીકે સામેલ કરાયાં છે. ડો. આનંદ કુમાર જૈન સમિતિના સેક્રેટરી રહેશે. આ મુલાકાતમાં ડો. જસવંત મોદી, હર્ષદ શાહ, ડો. સુલેખ જૈન, ડો. શુગન સી જૈન, જૈના ડાયસ્પોરાના વાઇસ ચેરપર્સન શર્મિલા જૈન ઓસવાલ અને બિમલ પ્રસાદ જૈન સામેલ થયાં હતાં.
નવા ભંડોળ અને કરાર અંગેની માહિતી આપતાં BHUના વાઇસ ચાન્સેલર પ્રોફેસર સુધીર કે જૈને જણાવ્યું હતું કે, JEIS દ્વારા અપાયેલી આ ભેટ અમારા વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી મેમ્બર્સ દ્વારા કરાતા વિદ્વતાપૂર્ણ કાર્યને મદદ મળી રહેશે. યુનિવર્સિટીની કામગીરીમાં આ એક મહત્વનું પગલું છે. તેના દ્વારા પૌરાણિક ભારતના જ્ઞાનને વધુ લોકો સુધી પહોંચાડવાના પ્રયાસોને વેગ મળશે.
ભગવાન શ્રેયસનાથ જૈન સ્ટડી ફંડ અંગે માહિતી આપતાં યુનિવર્સિટીએ જણાવ્યું હતું કે, નવા ભંડોળ દ્વારા જૈન ધર્મના અભ્યાસ અને સંશોધનોને મદદ અને પ્રોત્સાહન મળશે. બનારસ હિંદુ યુનિવર્સિટી ખાતે જૈન વિચારધારાના વિદ્વાનો આંતરરાષ્ટ્રીય સમુદાય સાથે અસરકારક સંપર્ક બનાવી શકશે. આંતરરાષ્ટ્રીય સમુદાયને સરળતા રહે તે માટે જૈન અભ્યાસક્રમ અંગ્રેજી માધ્યમમાં કરાવાશે.
જૈના ડાયસ્પોરાના વાઇસ ચેરપર્સન શર્મિલા જૈન ઓશવાલે જણાવ્યું હતું કે, આ દાનના કારણે બનારસ હિંદુ યુનિવર્સિટી જૈન અભ્યાસક્રમોને પ્રમોટ કરી શકશે. આશા છે કે દાતાઓ દ્વારા બીએચયુ ખાતે જૈન દર્શન અને ફિલોસોફીમાં અભ્યાસ અને પ્રવૃત્તિઓ વધારવા ખાસ વિભાગ ઊભો કરાશે. આ પ્રયાસનો મૂળ હેતૂ આજના વિશ્વમાં જૈન ધર્મના શિક્ષણની યથાર્થતા પર ધ્યાન કેન્દ્રિત કરવાનો છે.