બર્મિંગહામઃ સોમવાર 10 માર્ચે બર્મિંગહામની ક્વીન એલિઝાબેથ હોસ્પિટલમાં નવા હિન્દુ મંદિરની સ્થાપના માટે ખાસ સમારંભ યોજાયો હતો. આ ઈવેન્ટ સામુદાયિક સંવાદિતાનું વિશિષ્ટ ઉદાહરણ હતો. જીવનના તમામ ક્ષેત્રો અને ધર્મો તેમજ કોમ્યુનિટી પશ્ચાદભૂના લોકો તેમાં સામેલ થયા હતા.
પૂજારીઓ રામભાઈ અને રાકેશભાઈ ભટ્ટ દ્વારા પ્રતિષ્ઠાવિધિ કરવામાં આવી હતી. જેનું જીવંત ટેલિપ્રસારણ નજીકના ઓડિટોરિયમના સ્ક્રીન તેમજ વ્યાપકપણે કરવામાં આવ્યું હતું. મહેમાનો સાથે ભરચક ઓડિટોરિયમમાં ISKCON મૂવમેન્ટના ભક્તો દ્વારા સંગીતમય કીર્તન અને પ્રાર્થના કરાયા હતા. યુનિવર્સિટી હોસ્પિટલ્સ બર્મિંગહામ ખાતે આ પ્રકારનો પ્રથમ ‘ધાર્મિક પ્રેયર રૂમ’ પ્રાર્થના, ધ્યાન અને શાંત ચિંતન માટે જગ્યા પૂરી પાડે છે. તે કોઈ પણ ભેદભાવ વિના લોકો અને કોમ્યુનિટીઓને જોડવાનો હેતુ ધરાવે છે.
મહેમાનોમાં હિન્દુ ચેપલિન સોનિઆ નાથ, ડો. એન્ડ્ર્યુ હાર્ડી, પ્રોફેસર સુનિલ પોશાકવાલે, ધીરજલાલ શાહ, બર્મિંગહામ ગુજરાતી સ્કૂલના શિક્ષકો સરયૂબહેન પટેલ, કપિલાબહેન, સુમનભાઈ મ્યાનગર, નામધારી શીખ કોમ્યુનિટીના યુકે પ્રેસિડેન્ટ, BAPSના બીપીનભાઈ શીંગાડીઆ, જીગર અને કોમલદીપ કૌર ભગાલીઆ, પંકજ ચૌધરી, મન્યોજીત સિંહ, બર્મિંગહામ યુનિવર્સિટીમાં હિન્દુ સોસાયટીના પ્રમુખ રોશની પ્રભુ અને સાથી મેડિકલ સ્ટૂડન્ટ્સ, વોલન્ટીઅર વિમલા પ્રેમા, ભૂવનેશભાઈ શાહ, ડો. અમિત કોટેચા, ઓર્થોપીડિક કન્સલ્ટન્ટ કાનાઈ ગારાલા અને કોવેન્ટ્રીથી તેમના જીપી માતા ડો. ભારતી ગારાલા, NHS ડાયરેક્ટર ડો. ડેરેન રાલ્ફ, એનેસ્થેટિક કન્સલ્ટન્ટ ડો. અદિતિ અને ઓર્થોપીડિક કન્સલ્ટન્ટ ડો. શ્રીકાન્ત કુલકર્ણી, ચંપાબહેન પટેલ, પીડીઆટ્રિશિયન ડો. મધુ ગોવડા સહિતનો સમાવેશ થયો હતો.
કોવેન્ટ્રીના શ્રી કૃષ્ણ ટેમ્પલના પૂર્વ પ્રેસિડેન્ટ બાબુભાઈ ગારાલાનો આમંત્રણ પાઠવવા બદલ આભાર માનીએ છીએ. વેસ્ટ મિડલેન્ડ્સમાં 88,000થી થોડી વધુ હિન્દુ વસે છે જેઓ આ વિસ્તારની કુલ વસ્તીનું 1.5 ટકા પ્રતિનિધિત્વ કરે છે.