લંડનઃ NHS વેલ્સમાં વેઈટિંગ ટાઈમ્સની સમસ્યા હલ કરવા બાબતે બ્રિટિશ એસોસિયેશન ઓફ ફીઝિશિયન્સ ઓફ ઈન્ડિયન ઓરિજિન (BAPIO) વેલ્સ દ્વારા 1 જૂન 2024ના રોજ આ પ્રકારના સૌ પ્રથમ પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું.
પેશન્ટ્સને રાહ જોવામાં જે સમય લાગે છે તેમાં સુધારો લાવવા 11 કન્સ્લટન્ટ્સ દ્વારા સંભવિત ઉપાયો વિશે પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું હતું. પરિસંવાદમાં 100થી વધુ ડેલિગેટ્સ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે રાઉન્ડ ટેબલ ચર્ચામાં પેશન્ટ્સ સહિત તમામ લોકોએ આ મુદ્દે પોતાના વિચારો રજૂ કર્યા હતા.
BAPIO વેલ્સના ચેરમેન પ્રોફેસર કેશવ સિંઘલ CBE અને BAPIO વેલ્સના સેક્રેટરી પ્રોફેસર હસમુખ શાહ BEMએ જણાવ્યું હતું કે આઉટપેશન્ટ્સ અને સર્જરી સંબંધિત રાબેતા મુજબની કે ઈમર્જન્સી એપોઈન્ટમેન્ટ્સ બાબતે રાહ જોવાનો સમય જે રીતે વધી રહ્યો છે ત્યારે NHS વેલ્સની સમસ્યાઓ અંગે નવતર ઉપાયોની જરૂર છે. પરિણામોને એકત્રિત કરાઈ રહ્યા છે અને ઉચ્ચ સ્તરીય ભલામણો સાથે તેને વેલ્સ કેબિનેટ સેક્રેટરી ફોર હેલ્થ એન્ડ સોશિયલ કેર, બેરોનેસ એલ્યુનેડ મોર્ગન MS સમક્ષ તત્કાળ વિચારણાર્થે રજૂ કરવામાં આવશે. BAPIO મુખ્યત્વે દરિયાપારના તાલીમબદ્ધ અને વિવિધ મેમ્બરશિપ સાથેના ડોક્ટર્સનું સૌથી વિશાળ ઓર્ગેનાઈઝેશન છે.