કોરોના મહામારીના આ કપરા સમયમાં જરૂરતમંદોને મદદરૂપ થવાના ઉમદા ઉદ્દેશ સાથે સાઉથ લંડનના બાલમ સત્સંગ મંડળના તેમજ કેન્ટના વૈષ્ણવોએ ચેરિટી ફંડ એકત્ર કર્યું હતું. આમાંથી ૩૪૭૯ પાઉન્ડની રકમ વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશન સંસ્થાના માધ્યમથી ભારત મોકલી અપાઇ હતી. જેમાંથી અનેકવિધ સેવાકીય કાર્યો હાથ ધરાયા હતા. જ્યારે બાકી વધેલી રકમમાંથી અહીં બ્રિટનમાં સેવાકાર્યો હાથ ધરવામાં આવ્યા હતા. જેમાં સાઉથ લંડનની હોસ્પિટલમાં હોટ ફુડ મિલ્સ, સેંટ જ્યોર્જિસ હોસ્પિટલમાં કેળા અને સફરજન જેવા ફળોના બોક્સિસ, હરે કૃષ્ણ મંદિરમાં ગાયોના ઘાસચારા માટે રોકડ સહાય વગેરેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ભારતમાં જરૂરતમંદોના પગના પાંચ ઓપરેશનો માટે પણ આર્થિક સહાય મોકલવામાં આવી હતી.
બાલમ સત્સંગ મંડળ દ્વારા હાથ ધરાયેલા આ સેવાકાર્યોમાં યોગદાન આપનાર સહુ કોઇ વૈષ્ણવજનો પ્રત્યે સંસ્થાના હોદ્દેદારોએ અંતઃકરણપૂર્વક આભારની લાગણી વ્યક્ત કરી છે. હોદ્દેદારોએ એક નિવેદનમાં જણાવ્યું છે કે માનવતાના આ ઉમદા કાર્યમાં મદદરૂપ થવા બદલ આપ સહુને ખૂબ ખૂબ ધન્યવાદ. સાથે સાથે જ અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે આ સત્કાર્યોમાં મદદરૂપ થનાર સહુ કોઇને સુખ-શાંતિ-સમૃદ્ધિ અર્પે.
સ્વસ્થ રહો, સુરક્ષિત રહો.