બિઝનેસ અને નેતૃત્વમાં મહિલા સશક્તિકરણને ઉજવતો વાયમન સોલિસિટર્સનો ઈવેન્ટ

Wednesday 27th November 2024 02:04 EST
 
 

લંડનઃ વાયમન સોલિસિટર્સ દ્વારા 24 ઓક્ટોબર 2024ના રોજ હેરો, નોર્થ વેસ્ટ લંડન ખાતે ‘બ્રેકિંગ ધ ગ્લાસ સીલિંગ’ના સફળ ઈવેન્ટની યજમાની કરવામાં આવી હતી. બિઝનેસ અને સીનિયર લીડરશિપ ભૂમિકામાં મહિલા સશક્તિકરણને સમર્પિત ઈવેન્ટમાં વિવિધ ઉદ્યોગોમાં અગ્રણી મહિલાઓ અર્થસભર વાતચીત, નેટવર્કિંગ અને મોટિવેશન માટે એકત્ર થઈ હતી.

પાવેન કૌર, ડો. રાશા ગાડેરલેબ અને શિલ્પા છેડા સહિત વક્તાઓએ ફાઈનાન્સ, હેલ્થકેર, ફેશન અને બિઝનેસ સહિતના ક્ષેત્રોમાં તેમની યાત્રાઓ સંદર્ભે અનોખી સમજ સહુ સાથે વહેંચી હતી. જીવન અને કાર્યસ્થળોએ પડકારો સામે મક્કમતા અને વિજયની તેમની કહાણીઓએ ઉપસ્થિતોને તેમના અનુભવોની અરસપરસ આપ-લે કરવા અને પ્રેરણા પૂરી પાડવાનો મંચ આપ્યો હતો.

વાયમનના ફેમિલી લો ડિપાર્ટમેન્ટના વડા ઝરણા સુતરીઆએ જણાવ્યું હતું કે, ‘આજનો ઈવેન્ટ તેમના સામે રખાયેલી સીમાઓ ઓળંગી સતત વિકાસ સાધવાની મહિલાઓની શક્તિ અને મક્કમતાના પુરાવારૂપ છે. આટલી બધી પ્રતિભાશાળી સ્ત્રીઓને સાથે લાવવાની બાબત આપણને કોમ્યુનિટી અને સહકારની શક્તિની યાદ અપાવે છે.’ વાયમનના કોમર્શિયલ લો ડિપાર્ટમેન્ટના વડા શીતલ બાદિઆનીએ ઉમેર્યું હતું કે,‘સમાવેશિતા અને મહત્ત્વાકાંક્ષાના આપણા મૂલ્યો સાથે સુસંગત ઈવેન્ટની યજમાની કરવી તે ગૌરવની વાત છે. અવરોધો પાર કરી સફળતા પ્રાપ્ત કરવી તે માત્ર અંગત સફળતાની વાત નથી, આ એકબીજાને ઊંચે લાવવા અને આપણને સહુને આગળ લઈ જતા નેટવર્કના નિર્માણને સપોર્ટ કરવાની વાત છે.’

આ ઈવેન્ટ વાસ્તવમાં લીડરશિપ, મહત્ત્વાકાંક્ષા અને સ્ત્રીઓને સપોર્ટ કરતી સ્ત્રીઓની શક્તિની સાચી ઊજવણી બની રહ્યો હતો. નેટવર્કિંગ તકથી મહત્ત્વપૂર્ણ ચર્ચાઓ થકી ઉપસ્થિત મહિલાઓએ પોતાપોતાના ક્ષેત્રોમાં અવરોધો પાર કરવાની યાત્રા ચાલુ રાખવાની પ્રેરણા સાથે સશક્ત બન્યાં હોવાનું અનુભવ્યું હતું.

વાયમન સોલિસિટર્સ વ્યક્તિઓને સશક્ત અને કોમ્યુનિટીઓને મજબૂત બનાવે તેવી ઈન્ક્લુઝિવ સ્પેસ સર્જવા માટે કટિબદ્ધ છે. આ ઈવેન્ટની સફળતાને આધાર ગણી વ્યામન સોલિસિટર્સ બિઝનેસ અને લીડરશિપ ભૂમિકાઓમાં મહિલાઓને સાંકળતા અને પ્રેરિત કરતા વધુ ઈનિશિયેટિવ્ઝની યજમાની કરવા ઉત્સુક છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter