વલ્લભ વિદ્યાનગરઃ ચારુતર વિદ્યામંડળ સંચાલિત બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલય ખાતે ચારુતર વિદ્યામંડળના અધ્યક્ષ એન્જીનિયર ભીખુભાઇ પટેલના માર્ગદર્શનમાં સંસ્થાના 75મા સ્થાપના દિનની મહાપૂજાથી વૃક્ષારોપણ સહિતના અનેકવિધ આયોજન સાથે ધામધૂમથી ઉજવણી કરાઇ હતી. આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે સર્વશ્રી ચારુતર વિદ્યામંડળના અધ્યક્ષ એન્જીનિયર ભીખુભાઇ પટેલ, પૂ. શ્રી અપૂર્વમુનિ સ્વામી (BAPS, રાજકોટ), અદભુતાનંદ સ્વામી, મનીષભાઈ પટેલ (ઉપપ્રમુખ), વિશાલભાઈ પટેલ (માનદ સહમંત્રી), ડો. ઈંદ્રજિત એન. પટેલ (પ્રિન્સિપાલ), પ્રદીપભાઈ પટેલ (બીવીએમ એલ્મની એસો.), જાગૃતભાઈ ભટ્ટ (માનદ મંત્રી, ચરોતર આરોગ્ય મંડળ) તેમજ વિભાગીય વડાઓ, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, અધ્યાપકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે અપૂર્વમુનિ સ્વામીએ આશીર્વચન આપતા જણાવ્યું હતું કે માણસની ઉમર જયારે 75 વર્ષ થાય ત્યારે તંદુરસ્ત સ્વાથ્યની સ્થિરતા માટે શુભેચ્છા અપાય છે, પણ બીવીએમ સંસ્થાના સંદર્ભમાં એટલું જરૂર કહી શકાય કે બીવીએમના એન્જીનિયર્સે 75 વર્ષમાં સમાજને સ્થિરતા પ્રદાન કરી છે. ભારત સરકારના આઝાદી કા અમૃત મહોત્સવની જેમ બીવીએમના આ અમૃત મહોત્સવ પ્રસંગે મહાપૂજાનો સૌને લાભ મળ્યો તે સૌને માટે અનેરો અવસર છે. BAPSના અનેક સંતોએ બીવીએમમાં અભ્યાસ કર્યો છે. બીવીએમએ 75 વર્ષમાં વેલ્યુ અને વોલ્યુમ બન્ને પર ધ્યાન આપ્યું છે. તેમણે યુએસ નેવી પાયલોટ ચાર્લ્સ પ્લમ્બની ‘હુ પેક્ડ યોર પેરાશુટ’ની 75 વખતની ફાઈટર જેટ ઉડાન અને પાયલોટના બચાવની રસપ્રદ ઘટના વર્ણવી હતી. આજે સમગ્ર વિશ્વમાં 20 હજારથી વધુ સફળ એન્જીનિયર્સ અલગ અલગ જગ્યાએ કાર્યરત છે તેના પાયામાં બીવીએમ છે એમ તેમણે કહ્યું હતું. આ પ્રસંગે તેમણે ડો. એ.પી.જે અબ્દુલ કલામ અને સ્વામી વિવેકાનંદના વિચારો અને કાર્યપ્રણાલી દ્વારા વિદ્યાર્થીઓના ચરિત્ર ઘડતરમાં શિક્ષકોનું મહત્ત્વ તથા સર્વાંગી વિકાસમાં બૌદ્ધિકક્ષમતા, નૈતિક્તા, માનસિક શક્તિના મહત્ત્વ અંગે ચર્ચા કરી હતી.
આ પ્રસંગે સંસ્થાના પ્રિન્સિપાલ ડો. ઈંદ્રજિત એન. પટેલે બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલય સાથે સંકળાયેલા દરેકને અભિનંદન આપતા જણાવ્યું હતું કે સંસ્થાની સ્થાપના 14 જૂન 1948ના રોજ ભારતના લોખંડી પુરુષ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રેરણા અને શ્રી ઘનશ્યામદાસજી બિરલાના યોગદાનથી થઇ હતી અને ઉદ્ઘાટન પ્રસંગે લોર્ડ માઉન્ટ બેટન સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ગ્રામ્ય ધરતી એવા વલ્લભ વિદ્યાનગરમાં એન્જીનિયરીંગ કોલેજના પાયા નાંખીને અવિરત શિક્ષણયજ્ઞનો આરંભ કરનાર ઋષિસમાન પૂ. ભાઇકાકા અને ભીખાભાઇને આનો યશ આપવો રહ્યો. સમયાંતરે આ શિક્ષણ યજ્ઞને ચેરમેન મોરારજી દેસાઈ, જી. વી. માવલંકર, ડો. એચ. એમ. પટેલ, ડો. સી. એલ. પટેલ, અને હાલમાં એન્જીનિયર ભીખુભાઈ પટેલે આગળ ધપાવ્યો છે. તેમણે પ્લેટિનમ જ્યુબિલી સેલિબ્રેશનના ભાગરૂપે સમગ્ર વર્ષ દરમિયાન યોજાનારી ઈવેન્ટસ જેવી કે ઇન્ટરનેશનલ કોન્ફરન્સ, લીડરશીપ સમિટ, GTUની અલગ અલગ ઈવેન્ટ્સ, આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સરદાર પટેલના માર્ગદર્શનમાં બીવીએમની સ્થાપનાની ડોક્યુમેન્ટરી ફિલ્મનિર્માણ વગેરેની માહિતી આપી હતી. સંસ્થાની સ્થાપનાથી માંડીને તેને સર્વશ્રેષ્ઠ ઊંચાઈ પર લઈ જવા બદલ તેમણે ચારુતર વિદ્યામંડળ, બીવીએમના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, દાતાશ્રીઓ, શુભેચ્છકો, ભૂતપૂર્વ આચાર્યો, અધ્યાપકો વગેરેનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે એન્જીનિયર જાગૃતભાઈ ભટ્ટે સૌને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે બીવીએમના પ્લેટિનમ જ્યુબિલી સેલિબ્રેશનમાં ઘણી મોટી સંખ્યામાં સૌ ભાગ લઈએ અને અમેરિકા, અમદાવાદ, વડોદરા તથા અન્ય સ્થળોએ યોજાનારા આગામી પ્રોગ્રામો માટે સંસ્થાને સપોર્ટ કરીએ.
એન્જીનિયર ભીખુભાઇ પટેલે જણાવ્યું હતું કે બીવીએમને આજે 74 વર્ષ પુરા થાય છે અને 75 મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છીએ ત્યારે કહેવું રહ્યું કે સંસ્થાને સૌનો સાથ અને અભૂતપૂર્વ સહકાર મળ્યો છે. આગામી સમયમાં સંસ્થાને શ્રેષ્ઠ ઊંચાઈ પર લઈ જવા માટે ચારુતર વિદ્યામંડળ હંમેશા પ્રયત્નશીલ રહ્યું છે અને ભવિષ્યમાં પણ તેના માટે કટિબદ્વ છે.