બીએપીએસ એટલે ભક્તિ-આધ્યાત્મિક્તા સાથે સમાજ સેવાનો સુભગ સમન્વયઃ અમિત શાહ

Thursday 12th December 2024 10:32 EST
 
 

અમદાવાદઃ બીએપીએસ કાર્યકર સ્વર્ણિમ મહોત્સવને સંબોધતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સંસ્થાની સંગઠન શક્તિને બિરદાવતા કહ્યું હતું કે, સંગઠન શક્તિથી જ મોટા કાર્યો પાર પડી શકે છે. તેમણે વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાયેલા કાર્યકર સુવર્ણ સમારોહ અંગે કહ્યું કે, અહીં અનેક ક્રિકેટ મેચમાં જય પરાજય થયા હશે, પરંતુ આજે તો પૂજ્ય મહંત સ્વામીની નિશ્રામાં માત્રને માત્ર વિજય જ વિજય છે.
સંસદમાં ગાંધીનગર બેઠકનું પ્રતિનિધિત્વ કરતા અમિતભાઇએ બીએપીએસ સંસ્થાની પ્રવૃત્તિઓની પ્રસંશા કરતાં કહ્યું હતું કે, ભક્તિ અને આધ્યાત્મિક્તા સાથે સમાજ સેવાનો સુભગ સમન્વય બીએપીએસ સંસ્થાએ કર્યો છે. તેમણે શાસ્ત્રી મહારાજ અને યોગીજી મહારાજના કાળમાં શરૂ થયેલી પ્રવૃત્તિઓ અને કાર્યકરોને એક સંસ્થાકીય સ્વરૂપ આપવાના અને સંત સમાજમાં શિસ્ત આણવાના પ્રમુખસ્વામી મહારાજના કાર્યને બિરદાવ્યું હતું. તેમણે કહ્યું કે, મેં રાજકીય પક્ષના બુથ કાર્યકર, પ્રમુખથી લઇને રાષ્ટ્રીય અધ્યક્ષ સુધીની સફર કરી છે અને મને ખબર છે કે આ કેટલું કઠિન કાર્ય છે. આવા કઠિન કાર્યને પ્રમુખસ્વામી મહારાજે પાર પાડ્યું અને પૂજ્ય મહંત સ્વામી આજે તેને આગળ વધારી રહ્યા છે.
પ્રમુખસ્વામી મહારાજે મને કહેલા શબ્દો મારા જીવનનું ભાથુ બની રહ્યા છે, તેમ કહીને અમિતભાઇએ ઉમેર્યું હતું કે, મારા જીવનમાં જ્યારે પણ સંકટ આવ્યા, ત્યારે પહેલો ફોન પ્રમુખસ્વામીનો જ આવતો હતો. તેઓ હંમેશા એક વાક્ય કહેતા ‘ભગવાન બધું બરાબર કરશે, ચિંતા ન કરતાં!’ આજે જાહેરમાં સ્વીકારું છું કે, આ શબ્દો મારા જીવનમાં તમામ સંકટોમાં દ્રઢતાપૂર્વક લડવાની સતત પ્રેરણા આપતા રહે છે.
અમિતભાઇએ બીએપીએસ ઘરસભા, વ્યસનમુક્તિ સહિતની સેવા પ્રવૃત્તિને પણ બિરદાવી હતી અને કહ્યું કે, દરેકના જીવનમાં ઉજાસ પાથરવાનું કામ સંસ્થા કરી રહી છે. એમની પ્રેરણાથી 1200થી વધુ મંદિરોનું નિર્માણ થયું છે. સંસ્કારોને બળ આપવાનું કામ આ મંદિરો થકી થઇ રહ્યું છે. તેમણે સ્ટેડિયમમાં પ્રસ્તુત થયેલા બીજ, વૃક્ષ અને ફળ થીમ આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રસંશા કરતાં કહ્યું કે, સંસ્કૃતિ - ધર્મને સેવાના ફળરૂપે સમાજમાં પહોંચાડ્યા છે ત્યારે વિશ્વાસથી કહી શકું કે સંસ્કૃતિ, ધર્મ, સમાજ અને સેવાનું આવું સંગઠન ક્યાંય નહીં મળે. આ એક અકલ્પનીય અને અતુલનીય છે. અસંભવ કામ અહીં સંભવ થતાં જોવા મળ્યું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter