બીજાના ભલામાં આપણું ભલું માનવાની પ્રમુખસ્વામી મહારાજની જીવનભાવના મુજબ જીવીએ: પ.પૂ. મહંતસ્વામી

Wednesday 17th August 2022 06:45 EDT
 
 

અમદાવાદઃ વિશ્વવંદનીય સંતવિભૂતિ અને બોચાસણવાસી શ્રી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS) સૂત્રધાર બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના ધામગમનની 13 ઓગસ્ટના રોજ છઠ્ઠી વાર્ષિક પુણ્યતિથિએ અમદાવાદ મંદિરે સાંજે ‘મહંતસ્વામી રૂપે આજ મારો હાથ ઝાલ્યો છે’ થીમ અંતર્ગત પ્રમુખસ્વામી મહારાજ સ્મૃતિસભા યોજાઇ હતી. જેમાં અમદાવાદના ભક્તો-ભાવિકો સહિત જીવંત પ્રસારણ દ્વારા લાખો ભક્તોએ સ્મૃતિ કરી હતી.
ઉચ્ચ આધ્યાત્મિક ગુણોથી સંપન્ન આ મહાન સંતે અસંખ્ય લોકોનાં જીવનમાં આધ્યાત્મિક પ્રેરણાઓ સિંચીને તેમનું જીવન પરિવર્તન કર્યું છે. તેઓની છઠ્ઠી વાર્ષિક પુણ્યતિથિએ આયોજીત સ્મૃતિસભામાં સંતો અને સંગીતજ્ઞ યુવકોએ ધૂન, કીર્તન રજૂ કર્યા હતા. પ્રમુખસ્વામી મહારાજમાં રહેલા અનંત ગુણોની ગાથા ગવાઇ હતી. સાંપ્રત સમયે તે ગુણો પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજના ખોળિયે જીવંત પ્રતીત થાય છે. આ થીમ ‘પ્રમુખસ્વામી મહંતસ્વામી રૂપે આજ’ હેઠળ સ્મૃતિ સભા યોજાઇ હતી.
આ પ્રસંગે પ્રમુખસ્વામી મહારાજના અદ્વિતીય ગુણોને નિરૂપતા પ્રવચનોની હારમાળા વિદ્વાન અને વરિષ્ઠ સંતોના મુખે રજૂ થઈ હતી. પૂ. વિવેકજીવન સ્વામીએ રસાળ શૈલીમાં ભક્તોના સુખદુઃખના સંગાથી બનેલ પ્રમુખસ્વામી મહારાજના પ્રસંગો રજૂ કરી ગુરુભક્તિ અદા કરી હતી.
પૂજ્ય યજ્ઞપ્રિય સ્વામીએ પ્રમુખસ્વામી મહારાજે એમના જીવનકાળ દરમ્યાન નિઃસ્વાર્થભાવે જનહિત માટે દેહની પરવાહ છોડીને, અનેક કષ્ટો વેઠીને 18,000થી વધુ ગામડાં-નગરોમાં કરેલા વિચરણની સ્મૃતિઓ કરી હતી. પ્રમુખસ્વામી મહારાજે દેશ-વિદેશમાં કુલ 9,000થી વધુ પુરષ-મહિલા સત્સંગ કેન્દ્રો સ્થાયીને સૌનાં જીવનમાં આધ્યાત્મિકતા અને સંસ્કારોનું સિંચન કરી હજારો યુવાનોને રચનાત્મક માર્ગે વાળ્યાં છે.
સંસ્થાના વરિષ્ઠ સદ્ગુરુવર્ય સંત પૂજ્ય ઇશ્વરચરણ સ્વામીએ જણાવ્યું હતું કે, ‘પ્રમુખસ્વામી મહારાજનું આપણને સૌને મળેલા અનુપમ પ્રદાન એટલે પ્રગટ બ્રહ્મસ્વરૂપ પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજની ભેટ. પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે વિસ્તારેલો વિરાટ આધ્યાત્મિક અને સામાજિક કાર્યોના સૂત્રધાર તેમજ લાખો અબાલવૃદ્વ ભક્તોના ગુરુદેવ તરીકે તેઓ સૌના વંદનીય આદર્શ બની સૌને ભગવાન શ્રી સ્વામિનારાયણે ચીધેલા આધ્યાત્મિક માર્ગે વેગ આપી રહ્યા છે.’ ત્યારબાદ ઉપસ્થિત વરિષ્ઠ સંતોએ પ.પૂ.પ્રમુખસ્વામી મહારાજના જ પ્રગટસ્વરૂપ એવા પ.પૂ. મહંતસ્વામી મહારાજને પુષ્પમાળા અર્પણ કરી વધાવ્યા હતા. આજના દિવસે પ.પૂ. મહંતસ્વામીના હસ્તે સંસ્થાના સંગીતજ્ઞ સંતોના કંઠે ગવાયેલ પ્રમુખસ્વામી મહારાજના દિવ્ય સ્મૃતિ ભજનો ‘પ્રણમું પ્રમુખસ્વામી પ્યારા...’ ધ્વનિ મુદ્રણ પ્રકાશનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. સ્મૃતિસભાના અંત ભાગમાં પ.પૂ. મહંતસ્વામી મહારાજે આશીર્વાદ આપતા જણાવ્યું હતું કે, ‘પ્રમુખસ્વામી મહારાજને જન્મથી જ એવી ભાવના હતી કે, બીજાના સુખમાં આપણું સુખ અને બીજાના ભલામાં આપણું ભલું. એમણે એમનું સમગ્ર જીવન આજ ભાવનાથી જીવી બધાને ભગવાનમાં જોડી સુખી કરી દીધા. તેઓએ સમાજ અને રાષ્ટ્ર માટે ઘણું કર્યું છે. હવે આપણો વારો છે કે એમણે ચિંધેલા માર્ગ પર અને એમની રૂચી મુજબ જીવી રાજીપો લઈએ.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter