તાજેતરમાં ‘ગુજરાત સમાચાર’ દ્વારા સ્પોન્સર કરવામાં આવેલા ઝૂમ પ્રોગ્રામમાં ગુજરાત કલ્ચરલ સોસાયટી ઓફ બ્રાઈટન (GCS)નો કેટલીક વખત ઉલ્લેખ થયો હતો. GCS ૧૯૯૨માં ચેરિટી તરીકે રજિસ્ટર્ડ થયેલી સંસ્થા છે. જોકે, ગુજરાત કલ્ચરલ સોસાયટીની રચના તે પહેલા થઈ હતી. આ સંસ્થા લગભગ ૫૦ વર્ષ જૂની હોવાનું મનાય છે. ગુજરાતી મિત્રોએ સંસ્કૃતિને જાળવવા તથા બ્રાઈટન અને હોવમાં વસતા ગુજરાતી લોકો એકબીજાને મળી શકે અને સાથે મળીને હિંદુ તહેવારોમાં ભાગ લઈ શકે તે આશયથી એની શરૂઆત કરી હતી.
સપ્ટેમ્બર ૧૯૯૨માં ગ્રૂપે તેનો ઉદ્દેશ બંધારણીય દસ્તાવેજમાં રજૂ કરીને તેને સત્તાવાર બનાવવાનો અને ચેરિટી કમિશન સમક્ષ ચેરિટી તરીકે રજિસ્ટ્રેશન કરાવવાનો નિર્ણય લીધો હતો. તેનો હેતુ ધાર્મિક તહેવારો ઉજવીને અને હિંદુ ધર્મ-સંસ્કૃતિનું શિક્ષણ, ભારતીય મનોરંજન અને ફૂરસદના સમયમાં સામાજિક કલ્યાણના હિતમાં સુવિધાઓ ઉભી કરવાનો અને ગુજરાતી સમાજના સંસ્કારની પહેચાન કરાવવાનો છે.
આ સંસ્થાના પ્રમુખપદેથી ડો. અમૃતલાલ શાહ ( હાલ ચેરમેન), ડો. મિલિન્દ જાની, ધીરુભાઈ ગઢવી અને હાલ જીગ્નેશ અગ્નિહોત્રી પ્રેસિડેન્ટ તરીકે હોદ્દો સંભાળી રહ્યા છે. તેમના પિતાજી આ સંસ્થાના સ્થાપક સભ્ય હતા. GCS હંમેશા મેમ્બરશિપ સંસ્થા તરીકે કાર્યરત રહી છે. તેમાં મેમ્બરો વાર્ષિક સબસ્ક્રિપ્શન ચૂકવે છે.લગભગ ૧૨૦ પરિવારો આ સોસાયટીના મેમ્બર છે. તેનાથી ચેરિટી પાસે સભ્યોના લાભાર્થે કાર્યક્રમોનું આયોજન કરવા માટે ફંડ ઉપલબ્ધ રહે છે. આ વાર્ષિક કાર્યક્રમોમાં હોળી, નવરાત્રિ અને દિવાળી જેવા મુખ્ય ગુજરાતી તહેવારોનો સમાવેશ થાય છે. ૬૫ પાઉન્ડની ફેમિલી મેમ્બરશિપ દ્વારા પરિવારની તમામ વ્યક્તિઓ વિના મૂલ્યે હોળી અને નવરાત્રિના કાર્યક્રમમાં ભાગ લઈ શકે છે જ્યારે દિવાળીના કાર્યક્રમ માટે ડિસ્કાઉન્ટ મેળવી શકે છે.
આ ઉપરાંત GCS તેના મેમ્બરો માટે અન્ય પ્રવૃત્તિઓનું સંચાલન કરે છે. એલ્ડર્સ ગ્રૂપના સભ્યો સ્પ્રિંગ, સમર અને ઓટમમાં દર અઠવાડિયે એકબીજાને મળે છે. તે ઉપરાંત, ગ્રૂપ માટે લંડનના મંદિરોની મુલાકાત તેમજ એલ્ડર્સ ગ્રૂપના લાભાર્થે યોગ અને અન્ય ક્લાસીસનું પણ આયોજન કરવામાં આવે છે. હોવના શ્રી સ્વામીનારાયણ મંદિરમાં ધીરુભાઈ ગઢવી દ્વારા માસિક ભજનો યોજાય છે. તેમાં ક્રોલીની ભજન મંડળીનો અત્યાર સુધી ખૂબ સુંદર સહયોગ સાંપડ્યો છે. સોસાયટી દ્વારા પેઈડ એન્યુઅલ ડે ટ્રીપ પણ યોજાય છે જે મેમ્બર્સ અને નોન-મેમ્બર્સમાં લોકપ્રિય છે.
નવા ઉત્સાહી યુવા સભ્યોનું અનુદાન: ગુજરાત કલ્ચરલ સોસાયટી, બ્રાયટનમાં છેલ્લાં પાંચ વર્ષમાં અનંત સૂચક, મહેન્દ્ર ચૌહાણ, અનિતા અગ્નિહોત્રી અને અંજૂ ચૌહાણ (હાલના વાઈસ પ્રેસિડેન્ટ) જેવી નવી પેઢીનો સમાવેશ થયો છે. તેમણે GCSમાં વિવિધ પ્રકારની સ્કીલ્સનો ઉમેરો કર્યો છે. અનંત ચૌહાણ ટ્રેઝરર અને ફંડ રેઝર છે. તેઓ ફંડ રેઈઝીંગ માટે સંખ્યાબંધ કોર્પોરેટ્સના સંપર્કમાં રહે છે. તેઓ GCSમાટે વિવિધ વિષયો પર પ્રવચન માટે વક્તાઓની પણ વ્યવસ્થા કરે છે. કોર્પોરેટ્સ પાસેથી મેળવેલા ફંડને લીધે સોસાયટીની મેમ્બરશીપ ફી વ્યાજબી ધોરણે જાળવી રાખવામાં મદદ થાય છે. તે ઉપરાંત, સોસાયટી ગ્રાન્ડ હોટલ ખાતે દિવાળી ઈવેન્ટનું આયોજન પણ સરળતાપૂર્વક કરી શકે છે.
મહેન્દ્રભાઇ ચૌહાણ ફાર્માસિસ્ટ છે અને સોસાયટીના સેક્રેટરી છે. તેઓ ઈવેન્ટના કુશળ આયોજક છે. તેઓ કેતન પટેલની મદદથી ટિકેટિંગ અને કાર્યક્રમના સંચાલનની કામગીરી સંભાળે છે. ગુજરાત સમાચાર Asian Voice સાથે સહયોગી બનનાર બ્રાયટનની આ સંસ્થા ગુજરાતી કલ્ચરલ સોસાયટીના કુશળ ટેકનિશ્યનો અનંતભાઇ સૂચક, મહેન્દ્રભાઇ ચૌહાણ તથા કેતનભાઇ પટેલ ઓનલાઇન કાર્યક્રમમાં કોઇપણ ખામી ઉભી ના થાય એ રીતે Zoomનું સંચાલન કરે છે.
યુવા સભ્યોમાં અનિતા અગ્નિહોત્રી એન્ટરટેઈનમેન્ટ કમિટીમાં છે. તેમની જવાબદારી વાર્ષિક કાર્યક્રમોનું આયોજન કરવાની અને તે શાંતિપૂર્વક સંપન્ન થાય તેની તકેદારી રાખવાની છે. અંજૂ ચૌહાણ મેમ્બર્સ સાથે સંકલનમાં પણ સહયોગ કરે છે. GCS અને તેની પ્રવૃત્તિઓ વિશે સભ્યો માહિતગાર રહે તે માટે GCS સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે.
GCS બ્રાઈટન અને હોવમાં ભારતીયો એકબીજાના ઈવેન્ટ્સના આયોજન અને તેને સમર્થન આપવા સાથે મળીને કામ કરે છે. શીખ અને હિંદુ પંજાબી કોમ્યુનિટીના સભ્યો પણ દિવાળીની ઉજવણી કરતા હોવાથી ગ્રાન્ડ હોટલ ખાતે યોજાતા દિવાળી ઈવેન્ટમાં ૪૦૦થી વધુ મહેમાનો ભાગ લે છે. તેની સામે GCSપણ વૈશાખી કાર્યક્રમમાં હાજરી આપે છે. GCSના એક સભ્ય દેવીન્દર ધિલોનની તાજેતરમાં જ ડેપ્યૂટી લેફ્ટનન્ટ તરીકે નિમણુંક થઈ હતી. કોરોના કાળમાં દેવીન્દરના નેતૃત્વ હેઠળ GCS અને અન્ય ભારતીય કોમ્યુનિટીઓ સાથે મળીને લોકલ ફૂડ બેંકને મદદરૂપ થવા ૧૦,૦૦૦ પાઉન્ડ એકત્ર કરવાનો પ્રયાસ હાથ ધર્યો છે.
હાલ કોરોનાને કારણે સોશ્યલ ડિસ્ટન્સ અને લોકડાઉનને કારણે લોકોને ભેગાં થવાની મંજૂરી નથી ત્યારે ધીરુભાઈ ગઢવી અને એન્ટરટેઈનમેન્ટ કમિટીના અન્ય સભ્યોની મદદથી GCS ઝૂમના માધ્યમથી કાર્યક્રમોનું આયોજન કરે છે જેનો મોટી સંખ્યામાં લોકો લાભ લે છે. ગયા વર્ષે નવરાત્રિના દસ દિવસ અને શરદપૂનમે સ્વામીનારાયણ મંદિર ખાતે દરરોજ રાત્રે સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે ઝૂમના માધ્યમથી આરતીનું આયોજન કરાયું હતું. સ્વસ્થ સભ્યોએ તેમના ઘરે પરિવારજનો સાથે દાંડિયા રાસનો પણ આનંદ લીધો હતો. વ્યક્તિ માટે મિત્રો અને સમાજ કેટલો મહત્ત્વનો છે તે આપણને કોવિડે શીખવાડ્યું છે. GCS એ લાંબા ગાળાના મિત્રો અને મિત્રતા સાથે સમાજની રચના કરી છે. ઝૂમ ઈવેન્ટના આયોજનોથી અન્ય મિત્રોની સંખ્યામાં વધારો થયો છે. તે માટે સંસ્થાએ એ ધીરુભાઈ ગઢવી અને GCSની ટેક્નિકલ ટીમનો આભાર માન્યો હતો.