લંડનઃ ભારત તેની સદીઓ પુરાણી પરંપરાઓ, ઘરઆંગણે વિકસેલું હસ્તકૌશલ્ય અને કળા માટે ભારે ગૌરવ ધરાવે છે. ભારતીય નારી સદીઓથી જે વસ્ત્ર પહેરવાનું પસંદ કરે છે તે સાડીમાં આ ત્રણેનો સુંદર સમન્વય જોવા મળે છે. સાડીનો ઈતિહાસ અતિ પ્રાચીન છે અને સિંધુ ખીણ સભ્યતા સુધી તેના નિશાન જણાય છે. ઈતિહાસના હજારો વર્ષના કાલખંડમાં કાપડ, સિલાઈ, ડિઝાઈન્સ, પ્રિન્ટ્સ, ભરતકામ, સુશોભન અને પહેરવાની સ્ટાઈલ્સમાં પ્રાદેશિક ભિન્નતા સાથે સાડીની ઉત્ક્રાંતિ અદ્ભૂત કળાસ્વરૂપમાં થઈ છે. બ્રિટનમાં 6 ઓગસ્ટ 2023ના દિવસે ઈતિહાસ રચાયો હતો જ્યારે ભારતીય મૂળની આશરે 500 મહિલાઓ પરંપરાગત સાડી પરિધાન કરી લંડનની શેરીઓમાં શાંતિપૂર્વક ચાલતી જોવાં મળી હતી.
બાંધણીમાં સજ્જ ગુજરાતણોએ ગરબાની રમઝટ ચલાવી
લંડનમાં સાડી વોકેથોન દરમિયાન આશરે 700 ભારતીય સ્ત્રીઓ સાથે 50 ગુજરાતણોએ લંડનના પ્રખ્યાત લેન્ડમાર્ક્સ સુધી ચાલવા સાથે ગુજરાતના વારસા અને પરંપરાનું મહત્ત્વ દર્શાવવા બાંધણીની સાડીઓમાં સજ્જ થઈ ગરબા અને દાંડિયા રાસની જોરદાર રમઝટ ચલાવી હતી! ગુજરાતના ગ્રૂપ લીડ-આંજી છાપીઆ અને સહયોગીઓ ગુજરાતમાં બાંધણીની બનાવટ અને વણાટ માટે પ્રખ્યાત શહેરો સાથે બાળપણનાં પૂર્વકાળથી સંકળાયેલા છે. તેમણે સુંદર બાંધણી સાડી અને ઓઢણીઓનાં કાપડ પર અદ્ભૂત કળા ઉપસાવવામાં કારીગરોની બારીક કારીગરીને યાદ કરી હતી.
રાષ્ટ્રીય વારસાને દર્શાવતા ઘણા ઈવેન્ટ્ઃ ડો. દિપ્તી જૈન
બ્રિટિશ વિમેન ઈન સારીઝ તથા મેડિકલ્સ ચેરિટી ઓર્ગેનાઈઝેશન અને ડોક્ટર્સ ઈન સારીઝ યુકે ચેપ્ટરના ચેરપર્સન ડો. દિપ્તી જૈને એશિયન વોઈસ અને ગુજરાત સમાચારને જણાવ્યું હતું કે,‘સાડી માટે અદમ્ય જોશ-ઉત્સાહ ધરાવતી 2,300 મહિલાઓનું આ સંગઠન છે. હું ખુદ તમામ છાંટ, વણાટ અને સ્ટાઈલની ઘણી સાડીઓ રાખું છું અને આપણા રાષ્ટ્રીય વારસાને દર્શાવવા માટે યુકેમાં ઘણાં ઈવેન્ટના આયોજનો કર્યાં છે. સૌથી નોંધપાત્ર ઈવેન્ટ ગત વર્ષે રોયલ એસ્કોટ લેડીઝ ડે પર સાડી પહેરેલી 1000 સ્ત્રીઓને લાવવાનો હતો જેનાથી આંતરરાષ્ટ્રીય મીડિયાનું ધ્યાન ખેંચાયું હતું. આવો જ કાર્યક્મ તાજેતરમાં વેનિસ ફેસ્ટિવલમાં થયો હતો.’ તેમણે કહ્યું હતું કે,‘હું વધુ અને વધુ વિચિત્ર આઈડિયાઝ વિચારું છું. મહાત્મા ગાંધી દ્વારા શરૂ કરાયેલી સ્વદેશી ચળવળને વિશિષ્ટ રૂપ આપવા સેન્ટ્રલ લંડનમાં ટ્રફાલ્ગર સ્ક્વેરથી પાર્લામેન્ટ સ્ક્વેર સુધીના આઈકોનિક સ્થળોએ લહેર ઉભી કરવાનો વિચાર ગ્રૂપ સમક્ષ મૂક્યો અને બધાંએ તેને વધાવી લીધો. માત્ર બે જ સપ્તાહમાં 6 ઓગસ્ટ 2023ના દિવસે બ્રિટિશ ઈતિહાસમાં સૌપ્રથમ સાડી વોકેથોનમાં ભાગ લેવાં 500 મહિલાએ ઈચ્છા વ્યક્ત કરી હતી. ભારતના સ્વાતંત્ર્યના 75 વર્ષની ઉજવણી અને સાઉથ એશિયન હેરિટેજ મન્થની ઉજવણી પરંપરાગત લહેરો અને પહેરવાની સ્ટાઈલ્સ સાથે કરવામાં આવી છે. કસબીઓ અને વણકરોના હસ્તકૌશલ્યને ઉજવવા અને તેમના સુંદર કાર્ય માટે ભંડોળ એકત્ર કરવાના હેતુસર બધી મહિલાએ વણાટ અને પ્રાદેશિક સ્ટાઈલ્સ, પ્રાદેશિક ગીતો અને નૃત્યોની ચર્ચા માંડી હતી. અમારા મહાકાર્યમાં સફળ થવાની અમને આશા છે.’
સાડી વોકેથોન કસબીઓના કૌશલ્યની રજૂઆતઃ સુપર્ણા દાસગુપ્તા
સુપર્ણા દાસગુપ્તાએ જણાવ્યું હતું કે,‘સાડી વોકેથોન કસબીઓના કૌશલ્ય અને ભારતના દરેક વિસ્તારોમાં પ્રગટ થતી પ્રતિભાઓનાં વારસાની રજૂઆત છે. ડો. દિપ્તી જૈનની આગેવાની હેઠળ સાડીમાં સજ્જ બ્રિટિશ મહિલાનું આ અનોખું સાહસ હતું. અમે 500થી વધુ મહિલાનું મજબૂત જૂથ છીએ. હું પશ્ચિમ બંગાળ રાજ્યનું પ્રતિનિધિત્વ કરું છું. અમારા રાજ્યમાં આ પરંપરાની ચળવળ 1905માં શરૂ થઈ હતી. મારાં માટે આ ઈવેન્ટ વિશેષ મહત્ત્વ ધરાવે છે. પશ્ચિમ બંગાળમાં વિવિધ લહેરોનો વારસો છે જેમાં જામદાની વણાટની નાજુકાઈ વખણાય છે. જામદાનીને વર્ષ 2013માં UNESCO ઈન્ટેન્જિબલ કલ્ચરલ હેરિટેજ ઓફ હ્યુમનિટી જાહેર કરાઈ હતી. આ ઈવેન્ટ છ વારની સુંદર સાડીના ગૌરવને પુનઃ પ્રસ્થાપિત કરશે એટલું જ નહિ, વતનથી દૂર ઘરમાં રહેતાં અમારાં બાળકોમાં પણ ગૌરવ સ્થાપિત કરશે.’
હેન્ડલૂમમાં ભારતનો મજબૂત ઈતિહાસઃ પદ્માવતી કાનન
તામિલનાડુના પદ્માવતી કાનને જણાવ્યું હતું કે,‘ ભારતીય નારી તરીકે અમારાં શરીર પર હાથવણાટની સાડીઓ વીંટાળી લંડનની શેરીઓમાં ચાલવામાં વિશેષાધિકાર પ્રાપ્ત કર્યો છે. અમારા વતનની ભૂમિથી હાથવણાટના કસબીઓનું આ કાર્ય છે. સમગ્ર દેશમાં ફેલાયેલાં હાથવણાટ-હેન્ડલૂમમાં ભારત મજબૂત ઈતિહાસ ધરાવે છે. આ ત્રીજા વર્કશોપમાં વારસાને પ્રસ્થાપિત કરવામાં અમે ગૌરવ લઈએ છીએ જ્યાં તમને 600થી વધુ સ્વતંત્ર ભારતીય નારીઓ પરંપરાને જીવંત રાખનારા વણકરોને ગૌરવ બક્ષશે. હું દાયકાઓથી પ્રતિષ્ઠિત કાંચીવરમ સિલ્ક સાડી પહેરી સાથી સ્ત્રીઓમાં સામેલ થઈશ. આ સાડી માત્ર વસ્ત્ર નથી પરતું, આપણી ઓળખ છે.’
લાલિત્યપૂર્ણ સાડી ખૂબસુરતી અને પરંપરાનું પ્રતીકઃ વિજયા એડલાપલ્લી
આંધ્ર પ્રદેશનાં વિજયા એડલાપલ્લીએ જણાવ્યું હતું કે,‘ખૂબસુરતી અને પરંપરાનું પ્રતીક બની રહેલી લાલિત્યપૂર્ણ સાડી પહેરવાની સાથે ઓર્ગેનાઈઝર ડો. દિપ્તી જૈનની આગેવાની હેઠળ સાંસ્કૃતિક ગૌરવના પ્રસાર અને કોમ્યુનિટીને ગળે લગાવવાનું આ જોશીલું કાર્ય છે. આપણા વારસાની ઉજવણી, વૈવિધ્યતાના હાર્દિક સ્વીકાર તેમજ મહિલાઓ થકી સ્ટાઈલમાં આગેકદમ કરવા અને સાડીના કાલાતીત આકર્ષણને સશક્ત બનાવવાનો આ સુંદર માર્ગ છે. હું ઝરી વણાટ સાથે સિલ્ક કોટન સાડી પહેરવાની સાથે સુંદર માગાલરી કોટન, ઉપડા. ચિરાલ પટ્ટુ અને આંધ્ર પટ્ટુ સાડીઓનું વૈવિધ્ય ધરાવતા આંધ્રનું પ્રતિનિધિત્વ કરીશ’