લંડનઃ બ્રિટિશ એશિયન ટ્રસ્ટે આગામી પાંચ વર્ષના ગાળામાં ભારતના ચાર મિલિયન બાળકોને શૈક્ષણિક સપોર્ટ પૂરો પાડવા પ્રાઈવેટ કંપનીઓ, ચેરિટીઝ અને એજ્યુકેશનલ સંસ્થાઓના શક્તિશાળી કોન્સોર્ટિયમ થકી LiftEd ઈનિશિયેટિવ લોન્ચ કર્યું છે. આ પહેલ બાળકોમાં ફાઉન્ડેશનલ લિટરસી એન્ડ ન્યૂમરસી (FLN) એટલે કે અક્ષરજ્ઞાન અને ગણિતના પાયાના જ્ઞાનને શીખવામાં મદદ કરશે.
ભારત સરકારે પાયાના વાંચન અને સમજ તેમજ પાયાની ગણિત સમસ્યાઓ ઉકેલવાનું શીખવાને તાકીદની અને આવશ્યક બાબત ગણાવી છે. LiftEd - લિફ્ટએડ આ બાબતને 20 મિલિયન ડોલરના ભંડોળ સાથે સપોર્ટ કરી રહેલ છે અને માઈકલ એન્ડ સુસાન ડેલ ફાઉન્ડેશન, રિલાયન્સ ફાઉન્ડેશન અને સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેન્ક સહિત 26 પાર્ટનર્સ આ પહેલમાં સહભાગી બન્યા છે. લિફ્ટએડ વર્તમાન અને ભાવિ પેઢીઓના વિદ્યાર્થીઓ પર કાયમી અસર સર્જવા રાજ્ય સરકારો અને શાળાઓ, ટ્રેનિંગ એજ્યુકેટર્સ સાથે મળી 1થી 3 ધોરણના બાળકોને શીખવાનું સુધારવામાં સહાયરૂપ બનશે. એડટેક એક્સિલરેટર આધારિત ટેકનોલોજીનો ઉપયોગ કરી ઓછી આવક ધરાવતી કોમ્યુનિટીના બાળકોને એટ-હોમ લર્નિંગ થકી ડિજિટલ સોલ્યુશન્સ વિકસાવવામાં વિદ્યાર્થીઓને મદદ કરશે.
કિંગ ચાર્લ્સ તૃતીય (તત્કાલીન પ્રિન્સ ઓફ વેલ્સ) તેમજ કલ્પનાશીલ બ્રિટિશ એશિયન બિઝનેસ અગ્રણાઓના જૂથ દ્વારા 2007માં બ્રિટિશ એશિયન ટ્રસ્ટની સ્થાપના કરી હતી જે વૈશ્વિક સોશિયલ ફાઈનાન્સમાં પ્રણેતારૂપ છે. ટ્રસ્ટ સાઉથ એશિયામાં સામાજિક અને આર્થિક પડકારોના ઉકેલમાં સફળ સહકાર અને સોશિયલ ફાઈનાન્સ અમલીકરણનો મજબૂત ટ્રેક રેકોર્ડ ધરાવે છે. ટ્રસ્ટ લિફ્ટએડ માટે પ્રોગ્રામ લીડરની કામગીરી સંભાળશે.
સાઉથ એશિયામાં બ્રિટિશ એશિયન ટ્રસ્ટ દ્વારા સૌપ્રથમ 11 મિલિયન ડોલરના સોશિયલ ફાઈનાન્સ પ્રોગ્રામ ક્વોલિટી એજ્યુકેશન ઈન્ડિયા ડેવલપમેન્ટ ઈમ્પેક્ટ બોન્ડ (QEI DIB)નું 2018માં લોન્ચિંગ કરાયા પછી લિફ્ટએડ ઈનિશિયેટિવ આવ્યો છે. બ્રિટિશ સરકારની ફોરેન, કોમનવેલ્થ એન્ડ ડેવલપમેન્ટ ઓફિસ (FCDO)ના ગાઢ સપોર્ટ સાથેના QEI DIB તે સમયે વિશ્વનો સૌથી મોટો શૈક્ષણિક અસરકારી બોન્ડ હતો જેનાથી ચાર વર્ષના ગાળામાં ભારતના 200,000 વિદ્યાર્થીઓના શીખવામાં અઢી ગણો સુધારો જોવા મળ્યો હતો. ટ્રસ્ટ ભારતમાં સ્કિલ ઈમ્પેક્ટ બોન્ડ (SIB) પણ ચલાવે છે.
બ્રિટિશ એશિયન ટ્રસ્ટના ચીફ એક્ઝિક્યુટિવ રિચાર્ડ હોક્સે જણાવ્યું હતું કે,‘છેલ્લા 7 વર્ષમાં સાઉથ એશિયામાં સોશિયલ ફાઈનાન્સ ક્ષેત્રમાં પ્રણેતારૂપ કાર્ય પછી આ ક્ષેત્રમાં અમારી સ્થિતિ મજબૂત બનાવી રહ્યા છીએ. એવોર્ડવિજેતા QEI DIBની ભારે સફળતા પછી લિફ્ટએડ સાથે અમે 4 મિલિયન બાળકોની પાયારૂપ શીખવાના કૌશલ્યને મજબૂત બનાવી જીવનમાં સફળતાના માર્ગે આગળ વધારવા પાર્ટનર્સ સાથે કામ કરીશું.’