લંડનઃ ભારતના માનવ સંસાધન વિકાસ મંત્રાલય દ્વારા હિન્દી સેવી સન્માનની સ્થાપના 1989માં થઇ હતી. તેમણે જાહેરાત કરી છે કે દિવ્યા માથુરને તેમના લેખન અને પ્રવાસી મહિલા લેખકોને પ્રોત્સાહન આપવા માટે પદ્મભૂષણ મોટુરી સત્યનારાયણ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. આ પુરસ્કાર ભારતના રાષ્ટ્રપતિ ભવન દ્વારા એનાયત થાય છે.
2003માં ઇંગ્લેન્ડની આર્ટ્સ કાઉન્સિલ દ્વારા તેમને કળા ક્ષેત્રમાં ઉત્કૃષ્ઠ યોગદાન માટે સન્માનિત કરાયા છે. તેમને અન્ય કળા પુરસ્કારથી પણ સન્માનિત કરાયા છે.
પોતાને જાહેર કરાયેલા ભારતના સર્વોચ્ચ પુરસ્કાર અંગે તેમણે આભાર વ્યક્ત કરતાં કહ્યું હતું કે હું ખૂબ ખુશ છું. મને લાગે છે કે જેમ બ્રિટનમાં ભારતીય સાહિત્ય ક્ષેત્રમાં મારા યોગદાનને હવે ભારતમાં પણ માન્યતા મળી છે.
દિલ્હીમાં ઉછરેલા અને શિક્ષણ લેનાર દિવ્યા માથુર 1985માં બ્રિટન આવ્યાં અને સાત વર્ષ સુધી તેમણે ભારતીય ઉચ્ચ આયોગમાં કામ કર્યું હતું. 1992માં નેહરુ સેન્ટરની સ્થાપના કરનારી ટીમમાં તેમને સામેલ કરવા માટે તત્કાલિન મંત્રી ગોપાલકૃષ્ણ ગાંધી દ્વારા તેમની પસંદગી થઇ હતી. તેમના એક ઉપન્યાસ, છ વાર્તા સંગ્રહ, સાત કવિતા સંગ્રહ પ્રકાશિત થયાં છે. તેમનું નામ પ્રેરણાદાયક મહિલા, વિકિપીડિયા, એશિયન હૂઝ હૂ અને અનેક આંતરરાષ્ટ્રીય સંગ્રહોના સંસ્કરણોમાં સામેલ છે.
71 વર્ષિય લેખિકા કહે છે કે જ્યારે વિદેશમાં લોકો પોતાની મૂળ ભાષાઓમાં લખે છે ત્યારે તેઓ ફક્ત એ ભાષાની સંસ્કૃતિ અને સાહિત્યને એ દેશમાં પ્રોત્સાહન આપે છે, જે દેશથી તેઓ દૂર છે પરંતુ યજમાન દેશની વિવિધતાને પણ સમૃદ્ધ કરે છે. આ સાહિત્ય એ લોકો સુધી પણ પહોંચે છે જેઓ વિદેશમાં રહે છે પણ અંગ્રેજી બોલતા નથી તેમને પણ સ્વિકારેલા દેશની વિવિધ સાહિત્યીક પરંપરાઓને સમજવા અને તેમને પ્રોત્સાહિત કરવાનો અવસર મળે છે.