લોકડાઉનના નિયંત્રણો હળવા થયા તે અગાઉ ૧૧ જૂને બ્રેન્ટ લેબર કાઉન્સિલરોએ ઈંલિંગ રોડ ટેમ્પલ તરીકે જાણીતા શ્રી વલ્લભ નિધિ મંદિરમાં પ્રાર્થનામાં ભાગ લીધો હતો. તેમાં કાઉન્સિલ લીડર મુહમ્મદ બટ્ટ અને આલ્પર્ટનના કાઉન્સિલર તૃપ્તિ સાંગાણી, લેબરમાંથી સસ્પેન્ડ કરાયેલા ભૂતપૂર્વ ઉમેદવાર ચેતન હાર્પલ જોડાયા હતા.
ગત ૫ જૂને બ્રેન્ટ કાઉન્સિલ દ્વારા પહેલા મીડિયા રિલિઝ મૂકાઈ હતી. તેમાં બ્રેન્ટ મલ્ટિ ફેઈથ ફોરમ દ્વારા વીડિયો મૂકાયો હતો અને જણાવાયું હતું કે આ વીડિયોમાં અપાયેલા એકતાના સંદેશને પગલે અમે ૧૧ જૂનને ગુરુવારે રાત્રે ૮ વાગે ફેથ અને નોન-ફેથના તમામ લોકોને પ્રાર્થના કરવા માટે અથવા તે જ સમયે ઘરે રહીને ચિંતન કરવા માટે અનુરોધ કરીએ છીએ.’
કાઉન્સિલર સાંગાણી દ્વારા ટ્વીટર પર મૂકાયેલો વીડિયો ચેતન હાર્પલ દ્વારા શૂટ કરાયો હોવાનું જોઈ શકાય છે. તેમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવીને બેઠેલાં લોકો દર્શાવાયા હતા.
જોકે, મંદિરમાં આ કાર્યક્રમનું આયોજન કોણે કર્યું તે સ્પષ્ટ નથી. બ્રેન્ટ કાઉન્સિલે ૧૧ જૂને લેબર કાઉન્સિલર્સ માટે પ્રાર્થના કાર્યક્રમનું આયોજન ન કર્યું હોવાનું જણાવ્યું હતું.
કાઉન્સિલર બટ્ટે જણાવ્યું હતું કે સંયુક્ત પ્રાર્થના અને ચિંતન માટે બ્રેન્ટ મલ્ટિ ફેથ ફોરમે સમગ્ર બરોને કરેલા અનુરોધને પગલે તેમણે ૧૧ જૂનને ગુરુવારે ઈલિંગ રોડ ટેમ્પલમાં સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે યોજાયેલા કાર્યક્રમમાં ભાગ લીધો હતો.
જોકે, બ્રેન્ટ મલ્ટિ ફેથ ફોરમે ઈલિંગ રોડ ટેમ્પલમાં પ્રાર્થના સભાનું કે અન્ય કોઈ પ્રાર્થના સભાનું આયોજન કર્યું ન હોવાનું જણાવ્યું હતું.
૧૨ જૂને પ્રકાશિત થયેલા સરકારી ગાઈડન્સ મુજબ ૧૩ જૂનથી ધાર્મિક સ્થળોને ‘વ્યક્તિગત પ્રાર્થના’ માટે ખૂલ્લાં મૂકવામાં આવ્યા હતા.