બ્રેન્ટ હિંદુ કાઉન્સિલ દ્વારા 17 ઓગસ્ટના રોજ ભારતના 78માં સ્વતંત્ર દિવસની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. ચેરપર્સન નિર્મળાબહેન પટેલના નેતૃત્વમાં અને કમિટી મેમ્બર્સના સહયોગથી યોજાયેલી આ ઉજવણી પ્રસંગે બ્રેન્ટના મેયર, ડેપ્યુટી મેયર, પાર્લામેન્ટના સદસ્ય, કાઉન્સિલર્સ તેમજ અનેક માનવંતા મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમમાં સાત વર્ષથી માંડીને 85 વર્ષના વડીલે દેશભક્તિના ગીત, ઓડિસી, ભરતનાટ્યમ્, બોલિવૂડ, રાસ-ગરબા સહિતના ભરપૂર મનોરંજક કાર્યકમો રજૂ કરીને દર્શકોના દિલ જીતી લીધા હતા. બ્લેક એન્ડ વાઈટ ગાયનના નૃત્ય પર ઓડિયન્સને યુવાની યાદ કરાવી દીધી હતી અને વંદે માતરમ્ ઓડિસી નૃત્યે સહુને શૂરવીરતાના રંગે રંગી દીધા હતા. રાસ-ગરબાના તાલે લોકોના પગ થિરકવા લાગ્યા હતા તો ‘સંદેશે આતે હૈ...’ જેવા ગીતથી લોકોની આંખોમાંથી અશ્રુની ધારા વહાવી હતી. ‘જલકમલ છાંડી જાને બાલા...’ કૃતિએ કૃષ્ણ લીલાની યાદ તાજી કરાવી દીધી હતો. તો એક કૃતિમાં દર્શકોએ પક્ષી બનીને વાદળોમાં ઉડવાની અનુભૂતિ કરી હતી.
આ પ્રસંગે જયંતીભાઈ પોપટ તેમજ સુમંતરાય દેસાઈને તેમની મહેનત, લગન અને સેવાના પુરસ્કારરૂપે એવોર્ડથી નવાજવામાં આવ્યા ત્યારે ઓડિયન્સ તાળીઓના ગડગડાટથી ગાજી ઉઠ્યું હતું.